Abtak Media Google News
  • અહિ વિંછીયા પોલીસની જીપ વગર કારણે ઉંધી થઈ ગયેલ અને બાબરાના ફોજદાર મોટર સાયકલ સહિત હાથિયા થોરમાં ઘુસી ગયેલા !

ગાયત્રી ઉપાસક સાથે મુસાફરી

હું રાજકોટ કંટ્રોલરૂમમાં થોડા સમય રહ્યો દરમ્યાન મારી નિમણુંક જસદણ પોલીસ સ્ટેશનમાં થઈ અહિં બે સીનીયર ફોજદારો હતા એક કોર્ટના સ્ટે ઓર્ડર ઉપર બીજા જેનો હુકમ થયો તે જે બંને ખુરશી માટે ઝઘડતા હતા. ! જેથી પોલીસ વડાએ સ્ટે વાળાને ધમકી આપી સ્ટે વેકેટ કરાવી બંનેને બદલાવી મને જસદણ મૂકયો અને મને કહ્યું ‘હવે તમે જસદણમાં કાયદાના પ્રયોગો કરો.’ ટુંકમાં તેમનું કહેવું એવું હતુ કે ‘સાંબેલુ વગાડે તો હું જાણું કે તું શાણો.’

મારા નિયમ મુજબ મેં જાણકાર, નિર્વ્યસની અને પ્રતિષ્ઠા વાળા પોલીસ સ્ટાફની નોંધ કરી લીધી હતી, જેમાં એક હસુભાઇ ત્રિવેદી ગામડા બીટના સીધા સાદા અને નિષ્ઠાવાન અને પાંચાળ પ્રદેશનો વર્ષોનો અનુભવ તથા તેમનો લોકસંપર્ક અને લોકચાહના સારી હતી. તેઓ સાયકલનો ઉપયોગ કરતા અને ગામડામાં એસ.ટી.બસમાં જતા, તેઓ ગુજરાતી પ્રતિષ્ઠિત લેખક ‘પુષ્કર ચંદાવરકર’ના ભત્રીજા હતા. અને તેમની ખાસ લાયકાત તેઓ ધર્મચુસ્ત અને ગાયત્રી ઉપાસક તથા જ્ઞાની અને વિનમ્રવાણી ખુબ પસંદ આવી જેથી તેમની વધારાની ફરજ મારી સાથે લેવાનું શરૂ કર્યું.HORRER 1

એક દિવસ ભડલી (ભાણખાચર) આઉટ પોસ્ટના જમાદાર ગઢવી મારી પાસે આવ્યા અને કહ્યું ‘સાહેબ તમે આખા તાલુકામાં સપાટો બોલાવી દીધો પરંતુ ભડલી હજુ કોરૂ છે, આપ પધારો તો અમારે પણ પડ ગાજતુ થઈ જાય !’

જીપ રીપેરીંગમાં હોઈ મેં હસુભાઈ ને કહ્યું આપણું મોટર સાયકલ લઈને ભડલી જઈ આવીએ. હસુભાઈએ કહ્યું બપોરે જમીને નીકળીએ અને સાંજે વાળુ ટાણા પહેલા પાછા આવી જઈશું. જસદણથી ભડલી 26  કીલોમીટર દૂર હતુ અમે બપોરે જમીને મોટર સાયકલ લઈને ભડલી જવા રવાના થયા.

રસ્તામાં ગઢડીયા ગામ પછી એક વળાંક આવ્યો તે બતાવીને હસુભાઈએ મને કહ્યું અહિં ધીરે ચલાવજો હજુ ગયા વર્ષે જ બાબરાના ફોજદાર અહિંથી બૂલેટ મોટર સાયકલ લઈને નીકળેલા મોટર સાયકલ ઘણું વાળવા કોશિષ કરી પણ મોટર સાયકલ વળ્યું નહી અને સીધુ હાથીયા થોરની વાડમાં ઘુસી જતા આખુ શરીર કાંટાથી વિંધાઈ ગયેલું અને રાજકોટ દાખલ કરવા પડેલા.

થોડે આગળ જતા રસ્તો તો સીધો હતો કાંઈ અડચણ નહતી ત્યાં એક જગ્યા બતાવી હસુભાઈએ કહ્યું આ જગ્યાએ ત્રણેક વર્ષ પહેલા વિંછીયા પોલીસની જીપ કોઈ કારણ વગર જ પલ્ટી મારી ઉંધી થઈ ગયેલી પણ કોઈને ખાસ કાંઈ ઈજા થયેલી નહી જીપમાં એક ખૂન કેસનો આરોપી હતો તે થોડો છોલાયેલો. વિંછીયાના ફોજદાર મોઢુકા ગામે ખૂન કેસની તપાસમાં ગયેલા. જીપમાં આરોપી ઉપરાંત ત્રણેક પોલીસ વાળા અને અકે પબ્લીકનો માણસ હતો જેની પાસે એક ઈગ્લીશ દારૂ ભરેલી સીલપેક બોટલ પણ હતી. નવાઈની વાતતો એ થઈ કે જીપ પલ્ટી મારી ગઈ, તમામ અંદર બેેઠેલા વેરાઈ ગયા અને ગલોટીયા ખાઈ ગયા ! જીપ ફરી ઉભી કરી તો જીપમાં કાચની બોટલ ખખડવાનો અવાજ આવ્યો જે જોતા તે ફૂટી નહતી. અને ઢાંકણું પણ સીલપેક બંધ જ હતુ, પરંતુ બોટલમાં ભરેલો દારૂ ગાયબ થઈ ગયો હતો. જેથી મેં કહ્યું તો બોટલનું ઢાંકણું લીંક થઈ ગયું હશે. હસુભાઈએ કહ્યું સાહેબ ‘લીકેજમાં આખી બોટલ ખાલી ન થઈ જાય, માનો કે લીકેજ થયું હોય તો દારૂની વાસ તો આવવી જોઈએ ને? ત્યાં તો દારૂની વાસ પણ આવતી ન હતી. મેં પુછયું કે આમ કેમ થયું ? આથી હસુભાઈએ કહ્યું ‘માંસ મદિરા ઉપર ભૂત પ્રેતાત્માની નજર હોય જ છે.? આવું કાંઈક કારણ હોય ! આગળ જતા માધવીપૂર ગામ પછી ગોડલાધાર, આગળ જતા ત્રણ રસ્તા પડતા હતા. જમણી બાજુએ એકાદ કિલોમીટર ટેકરીઓ પાછળ આંબરડી ગામ આવેલું હતુ. વળી તે ત્રણ રસ્તા ઉપર આંબરડી ગામ તરફ એક ઘેઘુર વડલો જેને ચારેય તરફ વડવાઈઓ હતી, આ વડવાઈઓ વચ્ચે એક ઓરડી કે મઢ જેવું હતુ.HORRER 4

અને આગળ જતા ત્રણ ચાર કીલોમીટર પછી એક ઉંડી નદી પાર કરી ને ભડલી ગામ આવ્યું. આઉટ પોસ્ટની વિજીટ કરી રજીસ્ટરો તપાસ્યા, દરમ્યાન જમાદાર ગઢવીએ કહ્યું આપને એક વેપારી મળવા માગે છે. વેપારીએ આવીને મળીને કહ્યુંં સાહેબ એમ જ મળવા આવ્યો છું. કાંઈ કામ નથી પરંતુ મારી દીકરી વરતેજ ગામે પરણાવેલ છે અને જાણ્યું કે આપ સાહેબ પણ વરતેજ ગામના વતની છો એટલે વહેવારીક આગ્રહ કરવા આવ્યો છું કે હવે સાંજ પડવા આવી છે. વાળુ પાણી કરી ને જસદણ નીકળો એવી મારી વિનંતીછે મેં કહ્યું અમારે ઉતાવળ છે તેથી જવું છે. વેપારીએ આગ્રહ કરતા કહ્યું કે સાહેબ મારી દીકરી તમારા ગામમાં છે અને તમે સાવ એમ જ નીકળી જાવ તો અમારૂ ખરાબ લાગે. જમાદાર ગઢવીએ તેમને ટેકો આપતા કહ્યું સાહેબ રાજના કામ પૂરા થાય જ નહી પણ સાથે ગામનો સંબંધ પણ સાચવવો જોઈએ. આથી હસુભાઈએ કહ્યુંં તો સાહેબ આપણે બાજુનાં આંકડિયા ગામી કલાકેકમાં વિજીટ કરી આવીએ. આથી અમે બંને આંકડિયા ગામની વિજીટ કરી દોઢ બે કલાકમાં પાછા ભડલી આવ્યા.

આઉટ પોસ્ટમાં જમાદાર ગઢવી અને વેપારી રાહ જોઈને જ બેઠા હતા. વેપારીએ કહ્યું આવો સાહેબ ઘેર મેં કહ્યું અહિં ઓફીસમાં જ થાળીઓ મંગાવી લો. થોડીવારે બે થાળી તૈયાર થઈને આવી જેમાં એક મરઘીના ઈંડાનું શાક હતુ આ વેપારી ખોજા હતા. હવે હું અને હસુભાઈ બંને ચુસ્ત શાકાહારી હતા તેથી થાળી પાછી મોકલી વેપારીએ કહ્યુંં સાહેબ શાક પૂરતી જ વાત છે ને? હમણા વેજીટેરીયન તૈયાર થઈને આવશે થોડીજ વાર બેસો. અમે વાતોએ લાગ્યા એકાદ કલાકે વેજીટેરીયન થાળીઓ તૈયાર થઈને આવી આથી અમે બંને જમીને જસદણ જવા મારા મોટર સાયકલ ઉપર રવાના થયા.

ભડલીથી નીકળ્યા ત્યારે રાત્રીના દસેક વાગ્યા હતા. બે અઢી કિલોમીટર અંતર કાપ્યું ત્યાં મારૂ મોટર સાયકલ એમજ બંધ થયું. નીચે ઉતરીને થોડી કીકો મારી પાછુ ચાલુ કરી રવાના થયા ત્યાં થોડે દૂર જતા જ આગળના ટાયરમાં પંચર પડયું ! આથી મેં કહ્યું હવે ભડલી તો પાછા નથી જ જવું હસુભાઈએ કહ્યું જસદણ હજુ ઘણું દૂર છે, પણ વાંધો નહીં આગળ આંબરડી ગામ છે ત્યાં કોઈ પંચર તો નથી પરતુ પણ એક વેપારી ટપુભાઈ કુંભાર છે. જેમની પાસે નવું જ રાજદૂત મોટર સાયકલ છે. આપણુ મોટર સાયકલ કાલે તેઓ કોઈ વાહનમાં નાખીને લેતા આવશે અમે મોટર સાયકલને ચાલુ કરી ફર્સ્ટ ગીયરમાં નાખી કલચ કરતા કરતા દોરીને ચાલતા આંબરડી ત્રણ રસ્તે આવ્યા અહીંથી એક કીમી દક્ષિણે ગામ હતુ.HORRER 3

આ ત્રણ રસ્તે રોડની દક્ષિણે ટેકરીઓની હાર વચ્ચે આંબરડીનો રસ્તો જમણી બાજુ ઘાંસના મેદાનો સીમ વગડો ચાંદની રાતમાં એકદમ મનોરમ્ય અને અદભૂત દ્રશ્યમાન થતા હતા, એમ લાગે કે આને જોયા જ કરીએ. પરંતુ ત્રણ રસ્તાની પશ્ર્ચિમે આવેલો મોટો વખંભર વડલોચારેબાજુ વડવાઈઓ અને નીચે અંધારી ઓરડી વિચિત્ર જણાતી હતી. મેં હસુભાઈને કહ્યું તમે એકલા આંબરડી જઈ આવો હું અહીં પંચાળ પ્રદેશની ચાંદનીના સૌદર્યનું રસપાન કરૂ છું આથી હસુભાઈએ મને ઘસી ને ના પાડી ને કહ્યું ‘ના… ના. સાહેબ તમે સાથે જ ચાલો’

મેં કહ્યું ‘હું બાળક નથી વળી મારી પાસે લોડેડ રીવોલ્વર પણ છે આમ વાત કરતા કરતા મારૂ ધ્યાન વડલા ઉપર ગયું અને વિચાર આવ્યો કે એવો અનુભવ પણ હતો કે આવી ઉજજડ જગ્યા વખંભર વડલો વડવાઈઓ વચ્ચે અંધારી ઓરડી સાથે લોકોએ કાંઈક તો ભૂતપ્રેતની વાત જોડેલી જ હોય છે ! આથી મેં હસુભાઈને સમજાવ્યા કે હું વડલા પાસે નહીં ઉભો રહું, હું સામેની ટેકરી ઉપર જઈને બેસીશ અને ચાંદનીના સૌદર્યને માણીશ પછી તો કાંઈ વાંધો નહીં ને?

પરંતુ પંચાળના અનુભવી હસુભાઈ માન્યા નહી અને કહ્યું હું તમને અહીં એકલા તો નહી જ રહેવા દઉ ! આ હઠને કારણે મારે પણ આંબરડી સાથે જવું પડયું ટપુભાઈને ઉઠાડીને વાત કરી આથી તેઓ ખુબ ખુશ થયા અને કહેવા લાગ્યા તમે તો ઠીક સાહેબ કયારે આવે ? પધારો પધારો ચા પાણી કરીને ટપુભાઈએ કહ્યું આજે જ જસદણથી મોટર સાયકલની ટાંકી પેટ્રોલથી ફૂલ કરેલ છે. કોઈ ચિંતા નથી. તમારૂ મોટર સાયકલ સવારે જસદણ પહોચી જશે.

મેં છતા ચાવી લઈ ટાંકી ખોલી ને જોયું અને મોટર સાયકલને કીક મારી ને ચાલુ કરી બંને જણા આંબરડીથી જસદણ જવા રવાના થયા ત્રણ રસ્તે આવતા એજ વખંભર ઘેઘુર વડલો ચારે બાજુ લટકતી વડવાઈઓ નીચે અંધારામાં એક અવાવરૂ ઓરડીને છોડતા બાકી બધે ચાંદની રાતમાં સોળે કળાએ સૌદર્ય ફેલાયેલું હતુ. મેં કહ્યું ‘કેટલી વાર લાગી? જો તમે એકલા જઈ આવ્યા હોત તો મને મઝા આવી જાત પણ હસુભાઈ કાંઈ બોલ્યા નહીં.

ત્રણ રસ્તેથી મોટર સાયકલ બે એક કી.મી.દૂર ગયું હશે અને ફરીથી સુરૂરૂ…. ફુક… થઈ બંધ પડયું ! નીચે ઉતરી ધકો મારી પણ ચાલુ જ ન થયું હસુભાઈએ મોટરસાયકલનો પ્લગ (કાર્બોરેટર) કાઢી સાફ કરી ફરી લગાવ્યું અને ફરી કીક મારી હસુભાઈએ કહ્યું કરંટ તો આવે છે કેમ ઉપડતુ નથી? આથી હસુભાઈએ કીકો મારી જોઈ પણ ચાલુ થયું નહી બંને જણાએ વારાફરતી મથીને મોટર સાયકલ ચાલુ કરવા પ્રયત્નો શરૂ કર્યા ધકકા મારી દોડાવીને ગેરમાં નાખી ચાલુ કરવા કોશિષ કરી પરંતુ સુનથઈ ગયું હતુ. મેં મોટર સાયકલ ને પકડીને થોડુ હલાવ્યું તો પેટ્રોલની ટાંકીમાં કાંઈ અવાજ આવ્યો નહી, આથી ટાંકીને ટકોરો માર્યો આથી ટાંકી ખાલી લાગી તેથી ઢાંકણું ખોલી જોતા ટાંકી સાવજ ખાલી હતી ! મે કહ્યું કદાચ નોજલ લીક હશે આથી ઘોડી ઉપર ચડાવી તેને ઉભુ રાખી થોડે દૂર સુધી પાછા ચાલીને ગયા કે કયાંંક પેટ્રોલ ઢોળાયાના ચિન્હો છે કે કેમ? મે નોંધ લીધી કે હસુભાઈ એકદમ સુનમુન થ ગયા હતા મેં સામે જોયું એટલે ધીરેથી બોલ્યા ‘સાહેબ આટલુ બધુ પેટ્રોલ આટલા ટુંકા અંતરમાં લીક થયું હોય તો તેની થોડીતો ગંધ આવવી જોઈએ ને? પેટ્રોલ લીક નથી થયું મેં કહ્યું તો શું થયું ? હસુભાઈ નારાજ અવાજે ધીમેથી બોલ્યા ‘ગામડામાં રાતવરતના આવુ બનતુ જ હોય છે ચાલો આગળ ગોંડલાધાર ગામ આવે છે.ત્યાં પહોચી જઈએ બંને જણા વારાફરતી મોટર સાયકલ દોરીને લઈ ને ચાલતા થયા અજવાળી રાતમાં દૂરથી જોયું તો એક નાનકડુ ગામ જયાં કોઈ લાઈટો દેખાતી ન હતી દેશી નળીયાના આવા આઠ દસ છુટા છવાયા ઘર હતા આ ગોંડલાધાર ગામની સ્થિતિ જોતા કોઈ પાસે અહી કાંઈ વાહન નહી હોવાનું લાગ્યું રોડ ગામની વચ્ચેથી જ પસાર થતો હતો બંને જણા મોટર સાયકલની ઘોડી ચડાવી એક ઓટલા ઉપર બેઠા થોડી વારે હસુભાઈએ બાજુના એક ઘરનો દરવાજો ખખડાવ્યો એક વ્યકિત બહાર આવી જે હસુભાઈને તુરત ઓળખી ગઈ અને બોલ્યા ‘આવો.. આવો…’HORRER

ઘરમાં જોયું તો ફળીયા પછી ઓસરી ઉતાર ઓરડો ફળીયામાં બે ત્રણ બકરા બાંધ્યા હતા. ઓસરીનાં પાણીયારામાં એક કાચની શીશીના ઢાંકણામા કાણુ પાડી તેમાં વાટ નાખીને દીવો બનાવ્યો હતો. શીશીમાં કેરોસીન ભરેલું હતુ. દીવો પીળો પ્રકાશ પાડતો હતો. જે પ્રકાશ કરતા ધુમાડો અને મેસ વધારે ઉત્પન્ન કરતો હતો હસુભાઈએ કહ્યું મોટર સાયકલમાં કેરોસીન નાખવું છે. તેણે કહ્યુ આ દીવામાં છે તેટલુ જ છે. તેમ કહી ફૂંક મારી દીવો ઓલવી ને બોટલ આપી અને કહ્યું ગામમાં તમામ ઘેર આજ સ્થિતિ હશે ફાજલ કોઈ પાસે નહી હોય ! હસુભાઈએ કહ્યું આટલાથી તો ભેરૂ નહી થાય, આથી તે બંને જણા ઉપડયા અને ચાર પાંચ ઘરનાં દીવા ઓલવીને તેનું કેરોસીન ટાંકીમાં ઠાલવ્યું.

બાદ મેં મોટર સાયકલ દોડાવી મૂકયું અને માધવીરપૂર ગામે આવ્યા એક રીક્ષા વાળાની રીક્ષામાંથી એક લોટો પેટ્રોલ રાજદૂતમાં ઠાલવ્યું, બંને જણાને નીરાંત થઈ અને મોટર સાયકલ લઈ જસદણ તરફ ઉપડયા.

સીધો રસ્તો ડાબી બાજુ હારબંધ ટેકરીઓ જમણી બાજુ સપાટ મેદાન વચ્ચે કયાંક કયાંક વૃક્ષો અને ચાંદની રાતમાં વગડાની અદભૂત સુંદરતાનું રસપાન કરતો હું આરામથી મોટર સાયકલ ચલાવ્યે જતો હતો. ત્યાં ઓચિંતા જ હસુભાઈ એ મોટેથી રાડ પાડી ‘એઈ…હટ…હટ…. અને મને કમરે થી બથ ભરી લીધી ! આથી મે મોટર સાયકલ દીધુ પાડયું આથી હસુભાઈએ ઉંચા અવાજે કહ્યું ‘જલ્દી ભગાડો…. ઝડપથી જવા દયો સાહેબ’ તેમનો અવાજ ફાટતો હોય તેમ લાગતુ હતુ. થોડીવારે ગઢડીયા ગામ આવ્યું મે કહ્યું પાણી પીવું છે? હસુભાઈએ કહ્યું ‘ના…. ના… જલ્દી જવા દયો’

આથી હું મોટર સાયકલ લઈને સીધો જસદણ વિશ્રામગૃહમાં આવ્યો અને હસુભાઈને પુછયું કે કોઈ ડોકટરને તબીયત બતાવવી છે? તેમણે કહ્યું ‘મારી તબીયત ને કાંઈ નથી થયું !’ જેથી મેં પુછયું તો માધવીપૂર અને ગઢડીયા વચ્ચે તમે મને બથભરીને કહેવા લાગ્યા કે જલ્દી જલ્દી જવા દો ભગાડો મોટર સાયકલ એમ કેમ કહેતા હતા? હસુભાઈએ કહ્યું સાહેબ તમે થાકી ગયા હશો સુઈ જાવ સવારે વાત.HORROR

બીજે દિવસે સવારે હસુભાઈ વિશ્રામગૃહે આવ્યા અમારૂ મોટર સાયકલ પાછુ આવ્યુંં કે કેમ તેની વાત કરી અને રાત્રે દસપંદર લીટર પેટ્રોલ ગાયબ થયાની ચર્ચા થઈ. મેં કહ્યું આટલું પેટ્રોલ ત્રણ ચાર કી.મી.માં લીકેજ થાય તો પેટ્રોલની વાસ તો આવવી જોઈએને? હસુભાઈ એ કહ્યું ભડલી આંબરડી ત્રણ રસ્તે પેલા વડલા પાસેથી પસાર થતા હતા ત્યારે જ કાંઈક મોટર સાયકલના કેરીયર ઉપર આવ્યું હોય તેમ લાગેલું ! પરંતુ થોડીવારમાં જ મોટર સાયકલ બંધ પડયું અને બીજી રામાયણ ચાલુ થઈ જેથી મે તમને કાંઈ કહ્યું નહી પરંતુ હું ઝડપથી મનમાં ગાયત્રી મંત્રનો જાપ કરવા લાગેલો ગોડલાધાર-માધવીપૂર પણ મેં તમને કાંઈ વાત કરી નહી અને મારા મંત્ર જાપ ચાલુ હતા.

પરંતુ ખરી મુશ્કેલી માધવીપૂર ગામથી નીકળ્યા પછી થઈ, ફરી મોટર સાયકલના કેરીયર ઉપર કાંઈક ‘રૂ’ના ઢગલા જેવું બેઠુ મેં ત્રાંસી આખે જોઈને મંત્ર જાપ કરતા કરતા માતાજીને કહ્યું માતાજી લાજ રાખજે ! આમ ને આમ થોડે દૂર ગયા હઈશું અને ગમે તે થયું પેલુ અકળાયું હોય કે તેની હદ પૂરી થતી હોય તેણે મને પકડવા કોશિષ જ કરી અને મારાથી રાડ નખાઈ ગઈ અને તમને પકડી લીધા ! પરંતુ પેલુ જેવુ મને સહેજ જ અડયુંં હશે ત્યાં એક મોટો ભડકો થયો અને તે રોડ ઉપર ખાબકયું હોય તેમ લાગ્યું ! મેં કહ્યું મને તો કાંઈ પ્રકાશ દેખાયો નહી?

આથી હસુભાઈ નારાજ થયા અને બોલ્યા ‘તો શું હું જુઠુ બોલું છું? તમે આંબરડી ખાતેથી જ મોટર સાયકલ ઉપાડયું તે પહેલા પેટ્રોલની ટાંકી ખોલીને આખી ફુલ ભરેલી જોયેલી નહી? ત્રણ ચાર કી.મી.માં કયાં ગયું આ બધુ પેટ્રોલ !’ મને થયું કે વાત તો સાચી હતી પેટ્રોલ ઢોળાયું પણ નહતુ, લીક પણ ન હતુ કે તેની વાસ પણ આવી નહતી ! વળી આટલા વિસ્તારમાં જ થોડા સમયમાં બાબરાના ફોજદાર વગર કારણે જ થોરની વાડમાં ઘુંસી પડી ઈજાગ્રસ્ત થયા હતા ! તથા વિંછીયા પોલીસની જીપ વગર કારણે ઉંધી પડી ગયેલ, તેમાં સીલ બંધ ઈગ્લીશ દારૂની બોટલમાં ઢાંકણું સીલ બંધ રહીને જ દારૂ ઉડી ગયો હતો ! તે બંને બાબતો નો પણ તાળો મળતો નહતો.GHOST

મને ગઈકાલના હસુભાઈનાજ શબ્દો યાદ આવ્યા ‘માંસ મદિરા ઉપર ભૂત પ્રેતની નજર હો જ છે!’ વળી મનમાં થયું ગઈરાત્રે ભડલી ઈંડાનું શાક ખાધુ હોત તો? બબ્બે મોટર સાયકલ સારી સ્થિતિમાં છતા આટલી હેરાનગતી? જો હું આંબરડી ત્રણ રસ્તે ચાંદનીનું સૌદર્ય માણવા એકલો રોકાયો હોત તો? તો વળી કાંઈક જુદો જ અનુભવ થયો હોત ! આમ વિચારતો હતો ત્યાં વિશ્રામ ગૃહનો ચોકીદાર રાજુ ચા લઈને અ હાજર થયો.

મારૂ માનવું છે કે રાત્રે કાં, ખરાબ અનુભવ એટલે ન થયો કે હસુભાઈ ચુસ્ત ગાયત્રી ઉપાસક પવિત્ર માણસ અને કોઈએ નોનવેજ ખાધુ નહતુ. તેથી સાંગોપાંગ જસદણ આવેલા, નહીં તો પેલા બાબરા અને વિંછીયા ફોજદારની જેવી હાલત તો થાત જ !

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.