Table of Contents

હર ઘર તિરંગા અભિયાનને લઇને એક-એક દેશવાસીઓના દિલમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશદાઝ જગાડતા આ અભિયાનમાં પણ કેટલાક નફાખોરો દ્વારા મલાઇ તારવી લેવાનો કારસ્તાન આચરવામાં આવ્યું હોવાની ઘટનાનો આજે પર્દાફાશ થયો છે. હર ઘર તિરંગા અભિયાનમાં સાડા ત્રણ ફૂટની લાકડી પૂરી પાડનાર એજન્સીએ લાકડીના શંકાસ્પદ ભાવો ભર્યા હોવાનું ધ્યાનમાં આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે હાલ પૂરતી દરખાસ્ત અટકાવી દીધી છે. આજે કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 41 પૈકી ત્રણ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે ત્રણ દરખાસ્તોમાં રિ-ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધ્વજની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા આવી હતી. જ્યારે તિરંગો ફરકાવવા માટેની લાકડી કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવી હતી. રિપલ ગ્રાફીક્સ ક્રિષ્ના ટીમ્બર અને જય એજન્સી પાસેથી 1.42 લાખ લાકડીની ખરીદી કરવામાં આવી હતી. સાડા ત્રણ ફૂટની સામાન્ય લાકડીનો ભાવ પ્રતિ નંગ રૂ.8.79 ભરવામાં આવ્યો હતો. જ્યારે તિરંગાની પટ્ટીનો ભાવ પ્રતિ નંગ પાંચ રૂપિયા હતો. જે બાંધછોડના અંતે ચાર રૂપિયા કરવામાં આવ્યો હતો.

સાડા ત્રણ ફૂટની સામાન્ય લાકડીનો ભાવ રૂ.8.79! 1.42 નંગ લાકડીના રૂ.12.48 લાખ ચૂકવવાની દરખાસ્ત શંકાસ્પદ લાગતા પેન્ડિંગ રાખતા ચેરમેન જયમીન ઠાકર

મોટા મવા રોડને પહોળો કરવા મિલકત કપાતના અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની દરખાસ્ત વધુ એક વખત જ્યારે ઢોર ત્રાસ અટકાવવા અને નિયંત્રણની દરખાસ્ત પેન્ડિંગ: ભાવ ઓછા આવતા પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તમાં રિ-ટેન્ડરીંગનો નિર્ણય

લાકડીના ભાવ વધુ અને શંકાસ્પદ જણાતા આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 1.42 લાખ નંગ લાકડીના રૂપિયા 12.48 લાખ અને 10 હજાર તિરંગા પટ્ટીના રૂ.40 હજારનું પેમેન્ટ અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટા મવા ગામતળથી કોર્પોરેશનની હદ સુધીના 30 મીટરના રોડને 45 મીટર સુધી પહોળો કરવા માટે કપાતમાં જતી મિલકતના અસરગ્રસ્તોને વળતર આપવાની દરખાસ્ત વધુ અભ્યાસ માટે વધુ એકવાર પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા લાગૂ કરવાની દરખાસ્ત પણ પેન્ડિંગ રાખવામાં આવી છે.

શહેરમાં મિયાંવાંકી પધ્ધતિ થીમ ફોરેસ્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ સદ્ભાવના ટ્રસ્ટને આપવામાં આવ્યો છે. જેને પ્રતિ ચોરસ મીટર રૂ.310 ચૂકવવામાં આવશે. જ્યારે વૃક્ષારોપણ કરી ચાર વર્ષની નિભાવણીનો કોન્ટ્રાક્ટ પણ સદભાવના વૃધ્ધાશ્રમને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ભયગ્રસ્ત મકાનોનું નિરિક્ષણ કરી તેનો અહેવાલ આપવાનો કોન્ટ્રાક્ટ સાવન કાકડીયા એસોસિએશનને આપવામાં આવ્યો છે. શહેરના રેલનગર વિસ્તારમાં બગીચો બનાવવા માટે રૂ.91 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. આજે સ્ટેન્ડિંગમાં કુલ 33.78 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી છે.

સિંગલ ટેન્ડરમાં પણ કોન્ટ્રાક્ટ આપી દેવાની સિસ્ટમ બંધ

કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓમાં કોઇ કામ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવે ત્યારે કોઇ સિંગલ પાર્ટી કે એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવે તો પણ તેને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હતો. નવ નિયુક્ત ચેરમેન જયમીન ઠાકરે આ સિસ્ટમ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. આજે અલગ-અલગ ત્રણ દરખાસ્તોમાં સિંગલ ટેન્ડરમાં કોન્ટ્રાક્ટ આપવા અંગે મંજૂરી માંગવામાં આવી હોય ત્રણેય દરખાસ્તોમાં રિ-ટેન્ડરીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જુદા-જુદા હાઉસીંગ પ્રોજેક્ટ માટે સોશ્યો ઇકોનોમી સર્વે કરવા એજન્સીની નિમણુંકમાં માત્ર એક જ પાર્ટીનું ટેન્ડર હતું. જ્યારે વોર્ડ નં.11 અને 12માં ડ્રેનેજ પાઇપલાઇન નેટવર્ક તથા હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવાના કામમાં પણ એક ટેન્ડર હોવાનું જણાતા બંને દરખાસ્તમાં રિ-ટેન્ડરીંગની સૂચના આપવામાં આવી છે. જ્યારે પે એન્ડ પાર્ક માટે જગ્યાની ફાળવણીમાં અપસેટ કિંમત કરતા સામાન્ય વધારા સાથેની ઓફર આપવામાં આવી હોય આ દરખાસ્તમાં પણ રિ-ટેન્ડરીંગનો નિર્ણય કરવામાં આવ્યું છે.

પે એન્ડ પાર્કમાં ભાવ ઓછા આવ્યા

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 56 સ્થળોએ પે એન્ડ પાર્ક માટે જગ્યા ફાળવણી કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જે પૈકી 36 સાઇટ માટે ઓફર આવી હતી. અમૂક સાઇટ માટે કોર્પોરેશનને નક્કી કરેલી અપસેટ કિંમત કરતા માત્ર 500 રૂપિયા જેવો સામાન્ય વધારા સાથે ઓફર આપવામાં આવી હતી. જેને કોન્ટ્રાક્ટ આપી દેવાની દરખાસ્ત અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. અપસેટ કિંમતમાં વધારો કરી નવેસરથી ટેન્ડર પ્રસિધ્ધ કરવાના નોટીંગ સાથે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આઠ મિનિટમાં રવાના કરી દીધા: સી.આર.એ 45 મિનિટ ફાળવી

કોર્પોરેશનના નવ નિયુક્ત પાંચેય પદાધિકારીઓ તથા શહેર ભાજપના હોદ્ેદારો ગઇકાલે સીએમ અને સી.આર.ની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. દરમિયાન મુલાકાતીઓ ધસારાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કોર્પોરેશનના પદાધિકારીઓને માત્ર આઠ મિનિટનો સમય ફાળવ્યો હતો. જો કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે 45 મિનિટ ફાળવી હતી અને અલગ-અલગ મુદ્ાઓ પર ચર્ચા કરી હતી. સતત પ્રજા વચ્ચે રહેવા પણ તાકીદ કરી છે.

માલધારી સમાજ સાથે બેઠક બાદ નવા કાયદાની અમલવારી કરાશે: જયમીન ઠાકર

રાજ્યભરમાં રખડતા-ભટકતા પશુઓના ત્રાસ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. દંડની રકમ વધારવા સહિતની જોગવાઇઓ રાખવામાં આવી છે. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેશનના પદાધિકારીઓ અને શહેર ભાજપના હોદ્ેદારો દ્વારા માલધારી સમાજના આગેવાનો સાથે એક બેઠક યોજવામાં આવશે. જેમાં ચર્ચા કર્યા બાદ નવા કાયદાની અમલવારી કરવામાં આવશે. તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.