ઓણસાલ સારા વરસાદને કારણે જિલ્લામાં મગફળીનું વાવેતર વધ્યું: તલ, કઠોળના વાવેતર પ્રમાણમાં ઓછુ
ઓણસાલ જુન-જુલાઈ માસમાં પડેલા સારા વરસાદ બાદ જિલ્લામાં ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું છે. સારા વરસાદને કારણે મગફળીનો વાવેતર વિસ્તાર વધવાની સાથે ગુલાબી ઈયળનાં જોખમ વચ્ચે પણ કપાસનું ધુમ વાવેતર થયું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ગત વર્ષ તુવેર ખેડુતોને રોવડાવતા ઓણસલા તુવેરના વાવેતરનું પ્રમાણ સદતર નહિવત જેવું છે.
જાણવા મળતી વિગતો મુજબ ચાલુ વર્ષ જુન માસનાં પ્રારંભે જ મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેરમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હતો અને બાદમાં જુલાઈ માસનાં પ્રારંભે સુપડાધારે વરસાદ વરસતા ઓણસાલ ધરતી પુત્રોને વર્ષ સારુ જાય તેવી આશાએ વાવણીકાર્ય સંપન્ન કરી લીધું છે. મોરબી જિલ્લામાં કુલ ૩,૧૯,૦૨૩ હેકટર ખેતી લાયક જમીન પૈકી ૧,૩૦,૨૧૮ હેકટર જમીન પરનો જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદ પૂર્વે જ વાવેલા કાર્ય સંપન્ન કરી લેવામાં આવ્યું હોવાનું ખેતીવાડી વિભાગના અધિકારી ગજેરાએ જણાવ્યું હતું.
દરમિયાન તા.૧ જુલાઈએ પડેલા ભારે વરસાદ બાદ સમગ્ર મોરબી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થઈ જતા મોરબી, માળિયામિંયાણા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં વાવણીકાર્ય સંપન્ન થયું છે. ચાલુ વર્ષે જિલ્લામાં મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે અને કપાસનું વાવેતર પણ મગફળીની લગો-લગ કરી શકાય તે પ્રમાણે ગત વર્ષની તુલનાએ વધ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુલાબી ઈયળના ઉપદ્રવને કારણે કપાસના પાકમાં નુકસાન જઈ રહ્યું હોવા છતાં ચાલુ વર્ષે ખેડુતોએ કપાસના વાવેતર વિસ્તારમાં વધારો કર્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ મગફળીની તુલનાએ કપાસના વધારે ભાવ માનવામાં આવે છે. ગત વર્ષે મગફળીના ભાવ તળિયે બેસી ગયા હતા તો કપાસના પ્રતિ મણના ભાવ ૧૧૦૦ સરેરાશ રહ્યા હતો. જેને પગલે ખેડુતોએ જોખમ ઉઠાવી ટુંકી મુદતના કપાસનું વાવેતર કરી પાછોતરી શિયાળુ સિઝનમાં ઘઉં-ચણાનો લાભ મળે તે હેતુથી કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે.
બીજી તરફ ગત વર્ષે ખેડુતોએ તુવેરનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું હતું. પરંતુ તુવેરના ભાવ ગગડી જતા ખેડુતોએ ઓણસાલ તુવેરના વાવેતરને ગુડબાય કર્યું છે તો મગ-અડદ તેમજ અન્ય કઠોળ અને તલીના વાવેતરમાં પણ ઘટાડો કર્યો છે. એકંદરે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ વાવેતર મગફળીનું થયું છે અને બીજા ક્રમે ગુલાબી ઈયળના જોખમ વચ્ચે કપાસનું ધુમ વાવેતર કરવામાં આવ્યું હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.