અબતક,રાજકોટ
કોરોનાના આગમન સાથે આયુર્વેદ પર લોકોનો ભરોસો પણ વધ્યો, જો રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો કોરોના સામે વધુ સારી રીતે લડત આપી શકાશે તે સાબીત થઈ ચૂક્યું છે. એટલે જ કોરોના આવ્યાને બે વર્ષે પણ લોકો ઉકાળા અને આયુર્વેદિક દવા સાથે જોડાયેલા રહ્યા છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 11 તાલુઓમાં ત્રણ માસમાં 70 હજારથી વધુ ઉકાળાનું વિતરણ,
ઓમિક્રોન વાઇરસના આગમન સાથે ત્રીજી લહેર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એલોપેથી સારવાર સાથે લોકોની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે માટે આયુર્વેદિક દવા અને ઉકાળાનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. જેનો લાભ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બહોળા પ્રમાણમાં લેવાઈ રહ્યો છે.
રાજકોટ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. કે.જી. મોઢના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં 18 સરકારી આયુર્વેદિક દવાખાના તથા 9 સરકારી દવાખાના કાર્યરત છે. તમામ દવાખાનામાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા સંશમની વટી તથા આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવે છે.
20 હજારથી વધુને સંમસની વટી અને 18 હજારથી વધુ લોકોને આર્સેનિક આલ્બમની વહેંચણી
છેલ્લા ત્રણ માસમાં આર્યુવેદિક શાખા દ્વારા 141 નિદાન કેમ્પ કરવામાં આવ્યા છે જેનો 9,020 લોકોએ લાભ લીધો હતો, પી.એચ.સી. સેન્ટર ખાતે 89 જેટલા યોગ કેમ્પમાં 5,190 લોકોએ લાભ મેળવ્યો છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે પ્રતિ સપ્તાહમા એક દિવસ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોને દિનચર્યા અને ઋતુચર્યા પ્રમાણે રહેણી કરણી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આવી 134 જેટલી સ્વસ્થવૃત્ત શિબિરમાં 10,555 જેટલા લોકોએ જોડાઈ સ્વાસ્થ્યના પાઠ ભણ્યા છે. આ ઉપરાંત જરૂરી ઉકાળા અને દવાઓ રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં આપવામાં આવેલ છે. આ દવાઓનો જથ્થો વહીવટી તંત્ર દ્વારા ધન્વંતરિ મારફતે ગ્રામ્ય કક્ષાએ લોકોને પહોંચાડવામાં આવી રહયો છે.