ગ્રામ્ય કક્ષાની ચૂંટણી માત્ર ચૂંટણી નહિ પણ પ્રતિષ્ઠાનો મોટો જંગ બની જતી હોય છે ત્યારે હાર કે જીતને ખેલદિલી પૂર્વક સ્વીકારી કોઈ ગજાગ્રહ ન રાખવો ગામના વિકાસ માટે જરૂરી

એક સમય એવો હતો કે સેવાના એક માત્ર હેતુથી સરપંચ પદ માટે કોઈ ગામનો મજબૂત ઉમેદવાર સરપંચ બનવા માટે તૈયાર થતો હતો. ગામની સેવામાં હમેશા તત્પર રહેતા સરપંચને આખું ગામ માનભેર જોતું, કોર્ટ કચેરી બધું પછી આવતું પહેલા તો સરપંચ કહે તે જ સાચું. આવો મોભો સરપંચનો રહેતો હતો. દિવસ હોય કે રાત, ટાઢ હોય કે તડકો ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં લોકોની મદદે દોડતું રહેવું પડતું. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે સરકાર પછી પહેલા પોતાના જોરે સમસ્યા હલ કરવાના પ્રયાસો કરવા પડતા. પણ હવે સમયની સાથે પરિસ્થિતિ પણ બદલાઈ છે.

ઠેર ઠેર સરપંચ બનવાની હોડ જામી છે. ગામના સરપંચ બનવા માટે ઉમેદવારોનો રાફડો જામી પડે છે. પછી ઉમેદવારોની સંખ્યા ઘટાડી હરીફાઈ ઘટાડવા માટે અનેક કાવાદાવા થતા હોય છે. બાદમાં ચૂંટણીનો સાચો જંગ શરૂ થતો હોય છે. આવો જ જંગ સૌરાષ્ટ્રભરમાં જામ્યો હતો. પણ હવે પરિણામો જાહેર થઈ ગયા છે. ઉમેદવારોએ પોતાની હાર જીત ખેલદિલી પૂર્વક સ્વીકારી ભૂતકાળને ભૂલીને હવે ગામના વિકાસને જ કેન્દ્રમાં રાખવો ગામ માટે અને સમાજ માટે હિતાવહ છે.

જો કે અનેક ગ્રામ પંચાયતોમાં આગેવાનો સમજુ હોય તો ગ્રામ પંચાયતને સમરસ બનાવી દેતા હોય છે એટલે આવી પંચાયતોમાં ચૂંટણી યોજવાની નોબત જ આવતી નથી. પણ જે ગ્રામ પંચાયતમાં ચુટણી યોજાઈ છે. ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. તેઓએ હવે જંગને ભૂલી જઈને ચુંટણી બાદમાં ગામમાં સમરસ વાતાવરણ જાળવવાના પ્રયત્નો કરવા જોઈએ. હારેલા ઉમેદવારોએ પોતાની હાર સહર્ષ સ્વીકારી અને જીતેલા ઉમેદવારોએ ગ્રામજનોના વિશ્વાસને જીવંત રાખવા ગામના વિકાસને જ કેન્દ્રમાં રાખવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.