- વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2025 બિલ પસાર કરાયું
- બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ–મિલકતને નિયમિત કરાશે
- જે કિસ્સાઓમાં હજુ ખેતીની જમીન મૂળ ખાતેદારોના નામે છે અને તે જમીન લઈ બાંધકામો કરવામાં આવ્યા છે ત્યાં ગૂંચવણો ઉભી જ રહેશે
તમારી માલિકીની જગ્યામાં બિનખેતીની શરતો પુરી ન થઈ હોય તો પણ ’હક અબાધિત’ રખાશે. વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2025 બિલ પસાર કરાયું છે. જેમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ–મિલકતને નિયમિત કરાશે. પરંતુ જે કિસ્સાઓમાં હજુ ખેતીની જમીન મૂળ ખાતેદારોના નામે છે અને તે જમીન લઈ બાંધકામો કરવામાં આવ્યા છે ત્યાં ગૂંચવણો ઉભી જ રહેશે તેનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
વિધાનસભા ગૃહ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2025 બિલ રજૂ કર્યું હતું.આ સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાથી ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવાં બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના ઉમદા હેતુ સાથે આ સુધારો કરવામાં આવનાર છે.
તેમણે જણાવ્યું કે જે–તે સમયે કાયદાની અજ્ઞાનતાના કારણે જરૂરી હોય તેવી કાયદાકીય મંજૂરી લીધા વિના રહેણાકનાં બાંધકામો કરવામાં આવ્યાં હતાં. જેનું યોગ્ય અવેજ આપીને મકાનો ખરીદવામાં આવ્યાં અને રહેણાકના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આથી આવા મકાનોમાં રહેતા નાગરિકોના રહેઠાણને કાયદેસરતા આપવાની જરૂરિયાત હતી.
આવા વિસ્તારોને પરિવર્તનીય તરીકે જાહેર કરી વિનિયમિત કરવા અંગે ગુજરાત અધિનિયમ ક્રમાંક–23થી ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ–2017ને તા.18 એપ્રિલ, 2017ના રાજપત્રથી પ્રસિદ્ધ કર્યું છે અને આ અધિનિયમ તા. 9 મે, 2017થી અમલમાં આવ્યો છે. આ અધિનિયમના પ્રકરણ–9(ક)ની કલમ–125(છ)(1)ની જોગવાઇઓમાં વખતોવખત બદલાયેલા સંજોગો, વર્તમાન પરિસ્થિતિ તેમજ આ કાયદાનો વધુ સારી રીતે અમલ થાય, તે માટે તેમજ પારદર્શી અને લોકાભિમુખ વહીવટને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મંંંત્રીએ જણાવ્યું કે વર્ષ ર017નો સુધારા કાયદો લાવવાથી ફેરફારના રજિસ્ટર અને હક્કપત્રકને તેની વર્તમાન સ્થિતિમાં લાવવા પૂરક સેટલમેન્ટ દાખલ કરી, પરિવર્તનીય વિસ્તારમાં આવેલી જમીનો બાબતેના ફેરફાર રજિસ્ટર તૈયાર કરવા અને અદ્યતન કરવા તેમજ આવી જમીનો પરના મહેસૂલી કાયદાના ઉલ્લંઘન બાબતે કાર્યવાહી સુનિશ્ચિત કરવા તથા બીજા સરકારી લેણાં, માંડવાળ ફી, પ્રિમિયમ વગેરેની નિયમોનુસારની વસૂલાત કરી સાચી સ્થિતિ મુજબનો રેકર્ડ બનાવવા આવતો હતો.
તેમણે ઉમેર્યું કે આ કાયદા મુજબ ગણોત ધારાની કલમ–43, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ–1958ની કલમ–57 તથા જમીન મહેસૂલ કાયદાની કલમ–65 અને કલમ–68 વાળી જમીનો ઉપર સરકારની પૂર્વમંજૂરી વગર ગેરકાયદે થયેલા બાંધકામવાળી મિલકતોને પૂરક સેટલમેન્ટ તરીકે મહેસૂલી રેકર્ડ પર લાવવા તથા આ મિલકતોના હિતધારકોને તેમની મિલકત કે જે લાંબા સમયગાળાની હોય (2005 પહેલાંની) તેવી મિલકતના હક્કો આપી શકાય તેવા આશયથી આ કાયદો 2017માં લાવવામાં આવ્યો હતો.
વધુમાં, મંત્રી રાજપૂતે જણાવ્યું કે હાલ આ કાયદાનો લાભ ગણોત ધારા–1948ની કલમ–43, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ–1958ની કલમ–57 તથા જમીન મહેસૂલ અધિનિયમ–1879ની કલમ–65 અને કલમ–68 વાળી જમીનોમાં આવેલી મિલકતોને જ લાભ મળે છે, પરંતુ આ બિલનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય તેવા આશયથી કાયદામાં સુધારા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.
આ સુધારાથી નાગરિકોને મિલકતના હક્કો પ્રાપ્ત કરાવી, તેમને વધુ આર્થિક સધ્ધરતા પ્રદાન કરી શકાય તથા રહેણાંકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક્ક તેઓને પ્રાપ્ત થાય અને તેમની મિલકતો ઉપર બેંકો દ્વારા આપવામાં આવતી લોન મેળવી શકાય તથા પરોક્ષ રીતે તેમનાં બાળકોનાં શૈક્ષણિક તેમજ સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવાના આશયને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે.
બિનખેતી થયેલી જમીનમાં થયેલા બાંધકામને પ્રોપર્ટી કાર્ડ પણ મળશે
મંત્રીએ જણાવ્યું કે આ બિલથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે જ રાખી ગેરકાયદે પ્લોટિંગ કરી કે મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ? તેવી કોઈ સાબિતી તેમની પાસે ન હોવાના કારણે તેમાં રક્ષણ મળશે. બિનખેતીની પરવાનગી લીધી ન હોય અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તો તેને બિનપરવાનગી માટે ગેરકાયદે ન
ઠરાવવા માટે રક્ષણ મળશે. બિનપરવાનગીની મિલકતના માલિકને સલામત અહેસાસ થતો ન હોવાના કારણે તેમાં એક મહેસૂલી રેકર્ડમાં એટલે કે પ્રોપર્ટીકાર્ડ મળવાથી સલામતી મળશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
23 હજારથી વધુ મિલકતોને સુધારા બીલના દાયરામાં મળશે લાભ
મંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધી કુલ 23,000થી પણ વધુ મિલ્કતો આ સુધારા અધિનિયમથી નિયમિત કરી શકાય છે તેમજ અંદાજે રૂ. 381 કરોડ જેટલી માંડવાળથી અને અન્ય સરકારી ફીની વસૂલાત થઇ શકે તેમ હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.મંત્રીએ કહ્યું કે આ કાયદામાં સમય પ્રમાણે કેટલાક સુધારા લાવવા જરૂરી જણાતા ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879ના પ્રકરણ–9(ક)ની કલમ–125(છ)(1)ની જોગવાઈને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સૂચિત સુધારા બિલ ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, પ્રવર્તમાન કાયદાની કલમ–125 (છ)(1)માં સુધારો કરીને કલમ–125 (છ)(1)(1),
કલમ–125 (છ)(1)(2) અને કલમ–125 (છ)(1)(3) ઉમેરવામાં આવી છે.આ નવી જોગવાઈઓ વિશે જણાવતાં મંત્રીએ કહ્યું કે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1879ની કલમ–66 અને કલમ 79(ક)- કારણ કે તે અનુક્રમે કલમ–65 અને કલમ 68ના શરતભંગ બદલ થતી પરિણામ સ્વરૂપની કાર્યવાહી છે.