ગ્લોબલ વોર્મિંગનો વધતો પ્રશ્ન વિશ્વને કઈ લઈ જશે તેની કલ્પના પણ ડરામણી છે. આની ઉપર હોલિવુડના અનેક મુવી પણ બન્યા છે. હવે એ મુવીઓ જોઈને પણ લોકો શાનમાં સમજતા નથી. વર્તમાન સ્થિતિ ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે વરવા ભવિષ્યની કલ્પનાથી નહિ હવે વાસ્તવિકતાથી જ આજનો માણસ પાઠ ભણશે. પણ સમસ્યા એ હશે કે વાસ્તવિકમાં જ્યારે પરિણામો સામે આવશે ત્યારે ઉકેલ નહિ હોય, ખૂબ મોડું થઈ ગયું હશે.
જો કે અત્યારે ઘણા ખરા પર્યાવરણ પ્રેમીઓ એવા પણ છે જે સમજે છે કે ભવિષ્યને સુરક્ષિત કરવું જરૂરી છે. આવો જ એક કિસ્સો ઝારખંડમાં સામે આવ્યો છે. ત્યાંના એક નાનકડા ગામડા ટોડાંગકેલમાં 6 વૃક્ષ કાપવાના વિરોધમાં ગામના લોકો તંત્રની સામે રસ્તા પર ઉરી ગયા છે.જેના
પગલે તંત્ર દ્વારા પોલીસ કાફલો ઉતારીને ગામને છાવણીમાં ફેરવી નાંખ્યા હતુ.જોકે એ પછી પણ લોકો હટવા માટે તૈયાર નહોતા.
વિરોધ કરનારા ગામના લોકોનુ કહેવુ હતુ કે, માથુ કપાય તો ભલે પણ વૃક્ષ નહી કપાવા દઈએ અને એ પછી તંત્રને ઝુકવુ પડ્યુ હતુ અને હવે વધારે વૃક્ષ નહીં કપાય તેવી લેખિત ખાતરી આપવી પડી હતી.
મળતી વિગતો પ્રમાણે લોકોએ પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા.આ પહેલા તંત્ર દ્વારા આંબાના 6 મોટા ઝાડ કાપી નાંખવામાં આવ્યા હતા.તેની સામે લોકો નારાજ થઈને રસ્તા પર ઉતર્યા હતા.
હવે તંત્ર દ્વારા બીજા વૃક્ષ કાપવા પર રોક લગાવાઈ હોવાથી હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે.જોકે લોકોની જાગૃતિ જોઈને ઉચ્ચાધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.આ ગામ જે જિલ્લામાં આવેલુ છે ત્યાંની 90 ટકા વસતી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે .આમ છતા લોકોની પર્યાવરણ માટે ભારે જાગૃતિ દેખાઈ રહી છે.
હાલ સમગ્ર વિશ્વ પર્યાવરણ જાળવણી તરફ જઈ રહ્યું છે. અઢળક વિકાસ સાધ્યા બાદ હવે વિશ્વને સમજાયું છે કે પહેલા પર્યાવરણને જાળવવું ખૂબ જરૂરી છે. જો પ્રદુષણથી પર્યાવરણને થયેલા નુકસાનની અસર આવવાની શરૂઆત થઈ જશે તો બધો વિકાસ એમનમ રહેશે. પણ માણસ નહિ રહે. આ માટે જ હવે વિશ્વના દેશો પર્યાવરણને લઈને ગંભીર બન્યા છે. ત્યારે હવે લોકોએ પણ પર્યાવરણ અંગે જાગૃત થવાની જરૂરિયાત ઉભી થઇ છે.