રિવાઈઝડ બજેટમાં પણ 260 કરોડનો લક્ષ્યાંક યથાવત રાખવામાં આવતા ટેક્સ બ્રાંચમાં કચવાટ: ગાડુ 200 કરોડ આસપાસ પહોંચે તો પણ સિદ્ધિ
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે ગત સોમવારે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરેલા રૂા.2275.80 કરોડના બજેટમાં ટેકસ બ્રાંચને તોતીંગ 340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. બીજી તરફ ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલો 260 કરોડનો લક્ષ્યાંક ઓછો કરવામાં આવ્યો નથી. જેના કારણે અધિકારીઓમાં કચવાટ વ્યાપી જવા પામ્યો છે. બીજી તરફ હવે નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે માત્ર 14 દિવસ જ બાકી રહ્યાં છે. આવામાં હવે રોજ 7 કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવે તો પણ ટેકસનો ટાર્ગેટ પૂર્ણ થાય તેવું દૂર-દૂર સુધી દેખાતું નથી. 200 કરોડ સુધી ગાડુ પહોંચે તો પણ એક મોટી સિદ્ધી ગણાશે.
ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.260 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આખુ વર્ષ કોરોના મહામારીમાં પસાર થવાના કારણે ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડ્યું છે. છેલ્લા દસેક દિવસથી હાર્ડ રીકવરીનો દૌર ચોક્કસ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ ટેકસનો ટાર્ગેટ પુરો થાય તેવું કોઈ એંગલથી લાગતું નથી. કારણ કે 260 કરોડના લક્ષ્યાંક સામે આજે બપોર સુધીમાં 176.60 કરોડની વસુલાત થવા પામી છે અને નાણાકીય વર્ષ પૂરું થવાના આડે હવે માત્ર 14 દિવસ બાકી રહ્યાં છે. રવિવાર અને જાહેર રજાઓ બાદ કરવામાં આવે તો રોજ 7 કરોડ જેવી તોતીંગ વસુલાત કરવામાં આવે તો પણ ટેકસનો ટાર્ગેટ પુરો થાય તેવી સંભાવના હાલ દેખાતી નથી. ગત વર્ષે મિલકત વેરા પેટે રૂા.189 કરોડની આવક થવા પામી હતી. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ વર્ષે આ રેકોર્ડ તૂટે તેવી સંભાવના ચોકકસ ટેકસ બ્રાંચના સુત્રો વ્યકત કરી રહ્યાં છે. પરંતુ ટેકસનો ટાર્ગેટ પુરો થાય તેવો તેમને પણ વિશ્ર્વાસ નથી કારણ કે, કોરોના કાળમાં હાલ લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાના કારણે હાર્ડ રીકવરી છતાં ધારી વસુલાત થવા પામતી નથી. બીજી તરફ આવતા વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જે પ્રથમ નજરે જ અકલ્પનીય છે.
મહાપાલિકાની હદમાં ભલે ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હોય પરંતુ આ ચાર ગામોમાં જંત્રીનો દર ખુબજ નીચો હોવાના કારણે ટેકસની આવકમાં જંગી વધારો થાય તેવી સંભાવના ખુબજ ઓછી છે. છતાં ટેકસના ટાર્ગેટને હાસલ કરવા માટે મહેનત ચોકકસ કરાશે તેવું ટેકસ બ્રાંચના સુત્રો હાલ જણાવી રહ્યાં છે પરંતુ આ વર્ષે કોઈપણ ભોગે ટેકસનો ટાર્ગેટ પુરો થાય કે ટાર્ગેટ નજીક પહોંચાય તેવી શકયતા પણ દુર-દુર સુધી દેખાતી નથી.