- રાજકોટના મતદારો આતિથ્ય ભાવનાને હમેંશા કરે છે ઉજાગર: મુંબઇ, જામનગર, ભાવનગર, ધોરાજી, સુરેન્દ્રનગર, મોરબીના રહેવાસીઓને પણ સાંસદ તરીકે ચૂંટયા છે
- રૂપાલા માટે રાજકોટ કે રાજકોટ માટે રૂપાલા નવા નથી: બન્ને એકબીજાની લાક્ષણીકતાઓથી સારી પેઠે છે વાકેફ
સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા લોકસભાની આગામી ચુંટણી માટે 10-રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કદાવર પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલા પર પસંદગીનું કળશ ઢોળવામાં આવ્યું છે. ભાજપની સ્થાપના કાળથી જ પક્ષમાં રાજકોટનું મહત્વ સવિશેષ રહ્યું છે. રાજકોટ તો ભાજપનો અડિખમ ગઢ છે. તેવું કહેવામાં આવે તો પણ જરા અમસ્થી અતિશિયોકિત નથી. રાજકોટના આંગણે આવતા મહેમાનોને ખભે બેસાડી લેવા તે આ શહેરની ખાસિયત રહી છે. પરષોતમભાઇ ભલે રાજકોટના રહેવાસી ન હોય તેવોએ ચિંતા કરવાની રતિભાર પણ આવશ્યકતા નથી. કારણ કે પોતાના આંગણે અનેક આશાઓ સાથે ચુંટણી લડવા આવેલા રાજનેતાઓને રાજકોટવાસીઓ સહર્ષ સ્વીકારે છે. અને રાજકીય કારર્કીદીને નવો જ શુકનવંતો વળાંક આપે છે.
નરેન્દ્રભાઇ મોદીની જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકિત કરવામાં આવી ત્યારે તેઓ ધારાસભ્ય પણ ન હતા. તેઓ પોતાના જીવનની પ્રથમ ચુંટણી રાજકોટ-ર વિધાનસભા બેઠક પરથી લડવા અને વિજેતા બન્યા આજે રર વર્ષમાં તેઓ એક વૈશ્ર્વિક નેતા બની ચૂકયા છે. રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો મતદારોએ આયતી અર્થાત રાજકોટમાં વસવાટ ન કરતા નેતાને પણ પોતાને સાંસદ તરીકે ચુંટી કાઢયા છે. સૌરાષ્ટ્રના ગામના ન હોય તેવા નેતાને પણ સાંસદ બનાવ્યા છે. 1957માં રાજકોટના સાંસદ તરીકે ચૂંટાયેલા મનુભાઇ શાહનું મુળ વતન જામનગર હતું. જયારે 1963માં લોકસભાની પેટા ચુંટણીમાં મિનુ મસાણી વિજેતા બન્યા હતા. જે પારસી ઉમેદવાર હતા અને તેઓનું મુળ વતન મુંબઇ હતું. છતાં રાજકોટમાં તેઓ 1963માં લોકસભાની પેટા ચુંટણી અને 1967 માં સામાન્ય ચુંટણીમાં વિજેતા બન્યા મુંબઇના હોવા છતાં તેઓને રાજકોટવાસીઓએ સ્વીકારી લીધા હતા.
1971માં લોકસભાની ચુંટણીમાં રાજકોટના સાંસદ તરીકે ચુંટાયેલા ઘનશ્યામભાઇ ઓઝાનું મુળ વતન ભાવનગર અને સુરેન્દ્રનગર હતું. તેઓ ગુજરાતના સી.એમ. બન્યા ત્યારે રાજકોટ સાંસદ તરીકે ચાલુ હતા. જો કે તેઓએ સાંસદ તરીકે રાજીનામુ આપતા યોજાયેલી પેટા ચુંટણીમાં મુળ ધોરાજીના રહેવાસી અરવિંદભાઇ પટેલ રાજકોટના સાંસદ બન્યા 1977માં કેશુભાઇ પટેલને રાજકોટની જનતાએ સાંસદ બનાવ્યા જો કે તેઓએ માત્ર 14 દિવસમાં રાજીનામું આપી દેતા પેટા ચુંટણીમાં ચિમનભાઇ શુકલ વિજેતા બન્યા.
1980માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં મુળ ધોરાજીના રામજીભાઇ માવાણી અને ત્યારબાદ 1984ની ચુંટણીમાં તેઓના ધર્મપત્ની રમાબેન માવાણી સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા હતા. 1989 અને 1991 ની ટર્મમાં શિવલાલભાઇ વેકરીયા અને 1996, 1998, 1999 અને 2004 માં ડો. વલ્લભભાઇ કથીરીયા રાજકોટ સાંસદ બન્યા હતા. બન્ને મુળ રાજકોટના રહેવાસી હતા.
2009માં કોંગ્રેસના પ્રતિક પર ચુંટણી લડેલા કુંવરજીભાઇ બાવળીયા રાજકોટના સાંસદ બન્યા તેઓનું મુળ વતન જસદણ- વીછીંયા હતું. 2014 અને 2019ની ચુંટણીમાંં મોહનભાઇ કુંડારીયા સાંસદ તરીકે ચુંટાયા તેમનું મુળ વતન ટંકારા-મોરબી હતું.
2024 લોકસભાની ચુંટણીમાં ભાજપે કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલાને ટિકીટ આપી છે. તેઓનું મુળ વતન અમરેલી છે. રાજકોટ માટે તેઓ ઉમેદવાર તરીકે નવા છે. બાકી તેમના માટે રાજકોટ અથવા રાજકોટ માટે રૂપાલાજી નવા નથી. ભાજપના અડિખમ ગઢ સમા રાજકોટમાં રૂપાલા એ પરાજયની કોઇ બીક રાખવાની જરૂરીયાત જ નથી કારણ કે અહી ભાજપનું સંગઠન માળખુ ખુબ જ મજબુત છે. રાજકોટ લોકસભામાં જે વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે તે તમામ સાતેય બેઠકો પર ભાજપના ધારાસભ્યો છે જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે. માત્ર ઉમેદવારી ફોર્મ ભરવા માટે એક વખત હાજરી આપે તો પણ રૂપાલાજી જીતી જશે તેવું હાલના સમીકરણો કહી રહ્યા છે.