માતાજીની મૂર્તિ પર રહેલા સોના ચાંદીના રૂ.1.97 લાખના દાગીના તફડાવી ગયા
રાપર તાલુકાના મોટા હમીપર ગામે આવેલા નાગેશ્વરી માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કરતાં શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ મંદિરના તાળા તોડી માતાજીની મૂર્તિ પર રહેલા રૂ.1.97 લાખના આભૂષણોની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાપર તાલુકાના મોટા હમિપર ગામે રહેતા અને નાગેશ્વરી માતાજીના મંદિરમાં સેવા પૂજા કરતા જગદીશપૂરી ધ્યાનપુરી ગોસ્વામી નામના 33 વર્ષીય યુવાને આડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.26મી ડિસેમ્બરના રોજ પોતે સવારે વહેલા મંદિરે ગયા ત્યારે મંદિરના તાળા તૂટેલા જોતા તેઓએ સરપંચ અને આગેવાન સહિતનાઓ પણ મંદિરે દોડી આવ્યા હતા.
જ્યાં તપાસ કરતા મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિ પર રહેલા સોના અને ચાંદીના જુદા જુદા આભુષણો કોઈ ચોરી ગયું હતું. જેની તપાસ કરતા મંદિરમાંથી રૂ.1.97 લાખના કુલ દસ આભૂષણોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.