ચીનનાં જિનાન શહેરમાં આવેલા 1080 મીટર (3540 ફૂટ) લાંબા પારદર્શક કોંક્રિટ-સિમેન્ટનાં હાઈ-વે પર પુષ્કળ સોલર પેનલ બેસાડી દેવામાં આવી છે
આગામી વર્ષોની અંદર દુનિયાનાં મોટા ભાગનાં દેશો સેલ્ફ-ડ્રાઇવિંગ સ્માર્ટ કારનો અપરાશ કરતાં થઈ જશે. બસ-ટ્રેન-કાર-એરોપ્લેન જેવાં યાતાયાતનાં સાધનો હવે વધુ ને વધુ સ્માર્ટ બની રહ્યા છે એવા સમયે રોડ-રસ્તાઓની ટેકનોલોજીનો વિકાસ ન થાય તો નવાઈ લાગે! છેલ્લા દસ વર્ષથી ચીન પોતાનાં દેશનાં ડામર-સિમેન્ટનાં રોડને એડવાન્સ લેવલ પર લઈ જવા માટે પ્રયોગો કરી રહ્યું છે. ખૂલ્લા રસ્તા પર સોનર પેનલ બેસાડવાનો વિચાર આવવો પણ જ્યાં અસંભવ છે એવી પરિસ્થિતિમાં ચીને સોલર પેનલની મદદ વડે હાઈ-વે પર ચાલતી ગાડીઓને વાયરલેસ રિચાર્જ કરવાનાં પેંતરા શરૂ કરી દીધા છે! સોલર પેનલ, સેન્સર અને ઇલેક્ટ્રિક બેટરી રિચાર્જર પંપ ધરાવતાં આ ઇન્ટલિજન્ટ હાઇ-વે આગામી સમયમાં વૈશ્વિક પરિવહન ઉદ્યોગમાં જબરદસ્ત ક્રાંતિ લાવવાની તૈયારીમાં છે.
ચીનનાં જિનાન શહેરમાં આવેલા 1080 મીટર (3540 ફૂટ) લાંબા પારદર્શક કોંક્રિટ-સિમેન્ટનાં હાઈ-વે પર પુષ્કળ સોલર પેનલ બેસાડી દેવામાં આવી છે. દિવસનાં 45,000થી પણ વધુ વાહનો જ્યાંથી પસાર થાય છે તેવા આ રસ્તા પર સૌરઉર્જાને કારણે રોડ-લાઈટ અને આજુબાજુનાં 800 ઘરને વીજળી મળી રહી છે. આખા પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલ કંપની ‘કિલુ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ ગ્રુપ’ હજુ પણ રસ્તા પરની તમામ સોલર પેનલને સતત અપગ્રેડ કરી રહી છે જેથી ઇલેક્ટ્રિસિટી સપ્લાય ફક્ત અમુક રહેઠાણ પૂરતો સીમિત ન રહેતાં, સમગ્ર જિનાન શહેરનાં રહેવાસી સુધી પહોંચી શકે.
દિવસે ને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે. એમાંય ચીનની વસ્તી હાલ સૌથી વધારે છે. ત્યાંની સરકારે એલાન કર્યુ છે કે 2030 પહેલા દેશની ઓછામાં ઓછી 10 ટકા ગાડીઓ સેલ્ફ-ડ્રાઇવિંગ હશે! પરંતુ હવે તેઓ આ માટે ખાસ પ્રકારનાં રોડ બનાવવા માંગે છે જે અત્યાધુનિક હોવા ઉપરાંત, વાહનોની વધી રહેલ સંખ્યાનો મહત્તમ ઉપયોગ કરી દેશને પ્રદૂષણની સમસ્યાથી બચાવી શકે. તેમણે જિનાનનાં એડવાન્સ હાઈ-વેનો સમાવેશ ‘જનરેશન-1’ કેટેગરીમાં કર્યો છે. હાલ, ‘જનરેશન-2’ અને ‘જનરેશન-3’ કેટેગરી પર કામ ચાલી રહ્યું છે. આ નવી કેટેગરીમાં વૈજ્ઞાનિકો રોડ-રસ્તા પર ખાસ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ અને નર્વસ સિસ્ટમ બેસાડવા માંગે છે. એ ભવિષ્ય હવે દૂર નથી જ્યાં રોડ-રસ્તા પાસે પોતાની બુધ્ધિક્ષમતા હશે અને સેલ્ફ-ડ્રાઇવિંગ વ્હિકલ્સ પણ તેમનાં નિયમોને અનુસરીને ચાલતાં હશે! જિનપિંગ સરકાર ‘મેડ ઇન ચાઇના 2025’ હેઠળ ચીનને ફક્ત કપડાં, રમકડાં જેવી પ્રોડક્ટ્સનાં નિકાસ પૂરતું સીમિત ન રહેવા દઈને ઉચ્ચસ્તરીય વીજળી ઉત્પાદક દેશ બનાવવા માંગે છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી, રોબોટિક્સ અને એનર્જી-વ્હિકલ્સની જેવી દસ શાખાઓ પર હાલ તેઓ પોતાનાં દેશને આગળ લાવવા મથી રહ્યા છે.
અત્યારનાં આંકડાઓ એવું કહે છે કે ચીનમાં બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક કાર તેમજ હાઇબ્રિડ-ફ્યુલ સેલ કારની સંખ્યા એક કરોડથી વધુ છે, જે 2020 સુધીમાં સાત કરોડને આંબી ગઈ!
ચીનને 2030 સુધીમાં પ્રાથમિક આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ શોધખોળ કેન્દ્ર બનાવવા માટે સેલ્ફ-ડ્રાઇવિંગ કાર અને ઇન્ટલિજન્ટ-રોડ સિસ્ટમ પર સૌથી વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. કદાચ પહેલી વખત એવું બન્યું હશે કે રોડ-રસ્તાનાં બાંધકામમાં દેશનાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોની ટીમ કામ પર લાગી હોય! કારણકે આખા સોલર એક્સપ્રેસ હાઇ-વેનું બાંધકામ ત્રિસ્તરીય છે. ઉપરનાં ભાગમાં મજબૂત પારદર્શક મટીરિયલ, ત્યારબાદ સોલર પેનલ્સ અને આખરી સ્તરમાં મોટરકારને રિચાર્જ કરવા માટેનાં વાયરનાં ગુંચળા અને (તાપમાન, ટ્રાફિક-ફ્લો, રસ્તા પરનાં કુલ વજનનો અંદાજ લગાડવા માટેનાં) સેન્સર ગોઠવાયેલા છે.
વાહનચાલકોને કોઇ જુદા પ્રકારનાં રોડ પર વાહન હંકારી રહ્યાનો અનુભવ ન થાય એ માટે આ ટુ-લેન હાઇ-વેની જાડાઇ 1 યુઆન (10 રૂપિયા)નાં સિક્કા જેટલી રાખવામાં આવી છે. પરંતુ અત્યારે અહીં વાયરલેસ ચાર્જિંગ માટેની ટેકનોલોજી નથી વિકસાવાઈ, જેનાં લીધે અમુક-અમુક અંતરે પેટ્રોલ-પંપની માફક ઓટોમેટિક રિચાર્જ-પંપ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં કાર-ચાલક ગાડીની બેટરી ચાર્જ કરી શકે! ડેટા અને પાવર ટ્રાન્સમિટ કરી શકે તેવા કોંક્રિટ-રોડ બનાવવામાં હજુ કદાચ થોડો સમય લાગી શકે. 2016ની સાલમાં ફ્રેન્ચ ક્ધસ્ટ્રક્શન કંપની ‘બોયેજીસ’ દ્વારા પહેલી વખત સોલર પેનલ રોડ બનાવાયો હતો પરંતુ તેનું બાંધકામ થોડું અલગ રીતે થયેલુ! એક કિલોમીટરનાં એ ટ્રાયલ-રોડ પર સોલર પેનલ્સને ઉપરી સ્તરમાં બેસાડવામાં આવી હતી. હાલ, તેમનો આ પ્રોજેક્ટ અન્ય 20 સ્થળો પર કાર્યરત છે. તેમનો મુખ્ય ધ્યેય ખૂબ મોટા પ્રમાણમાં વીજશક્તિ પેદા કરવાનો છે.
અત્યારનાં આંકડાઓ એવું કહે છે કે ચીનમાં બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક કાર તેમજ હાઇબ્રિડ-ફ્યુલ સેલ કારની સંખ્યા એક કરોડથી વધુ છે, જે 2020 સુધીમાં સાત કરોડને આંબી ગઈ! આખો પ્રોજેક્ટ પોતાનાં પ્રાઇમરી ફેઝમાં હોવાને લીધે ચીન સરકારે હાલ ઘણો વધુ ખર્ચ ભોગવવાની તૈયારી દાખવવી પડશે. પરંતુ વૈજ્ઞાનિકોને આશા છે કે જેમ-જેમ ઇલેક્ટ્રિક સાધનો અને ક્ધસ્ટ્રક્શન પ્રોડક્ટ્સની કિંમત ઓછી થતી જશે એમ સોલર એક્સપ્રેસ હાઇ-વેનો નિર્માણ ખર્ચ પણ ઘટી જશે.
સંશોધકોએ આજથી 10 વર્ષ પહેલા સોલર હાઇ-વે પર કામ શરૂ કર્યુ હતું. અત્યારનો 1 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં તેમને 55 દિવસનો સમય લાગ્યો! ગમે એટલો મજબૂત અને ટકાઉ રોડ પણ થોડા વર્ષો બાદ તો ખરાબ થઈ જ જાય છે. આથી જિનાનનાં સ્નો (વોટર) પ્રુફ હાઈ-ટેક રસ્તા વિશે પણ આવી શંકા મનમાં ઉદભવે એ સાવ સ્વાભાવિક છે. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે 15 વર્ષ સુધી તેની કાર્યક્ષમતામાં કોઈ ફેર નહી પડે! સોલર-એક્સપ્રેસ હાઈ-વે પ્રોજેક્ટ આવતાં વર્ષે સામાન્ય જનતા માટે ખૂલ્લો મૂકી દેવાશે. જિનાન સિવાયનાં અન્ય સ્થળોએ પણ આવા નાના-નાના રસ્તાઓ બનાવી તેનાં પર પ્રયોગાત્મક સ્તર પર ટ્રાફિક ઉભો કરવામાં આવે તેવું ચીન સરકાર ઇચ્છે છે. જેનું મુખ્ય કારણ એ છે કે 2025 સુધીમાં નવા પ્રકારની ટેકનોલોજી અને સાધનો ધરાવતાં 3 કરોડ વાહનો ચીનનાં રસ્તા પર દોડતાં થઈ જશે. આથી સ્વાભાવિક રીતે, જેમ-જેમ ગાડીઓ અપગ્રેડ થતી જાય તેમ-તેમ દેશનાં રસ્તાઓ પણ અપડેટ થવા જોઈએ ને!? કાશ ભારત સરકાર પણ ચીન પ્રેસિડન્ટ જિનપિંગ જેવી માનસિકતા ધરાવતી હોત!
વાઇરલ કરી દો ને
આ સેલ્ફ ડ્રાઇવિંગ કાર ભટકાય તો કેસ કોના પર કરવાનો?
તથ્ય કોર્નર
સાત હજાર યુઆન (70,000 રૂપિયા) પ્રતિ ચોરસફૂટનાં હિસાબે કુલ 41 કરોડનાં ખર્ચે બનેલો જિનાનનો સોલર-એક્સપ્રેસ હાઈ-વે, પોતાની કૃત્રિમ બુધ્ધિક્ષમતાને કારણે આગામી ભવિષ્યમાં માણસજાતની માફક રસ્તા પર લદાયેલા વજન (જેમકે કાર-ટ્રક-બસ વગેરે)નાં માપ સહિત અન્ય ડેટાનો અંદાજ લગાવી શકશે..!