ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ વધુ એક સપ્તાહ માટે કવોરેન્ટાઈન થઈ: દિપક ચહરને કોરોના પોઝિટિવ
આઈપીએલની ૧૩મી સીઝન દુબઈ ખાતે સપ્ટેમ્બરમાં રમાવવાની છે તે પૂર્વે આઈપીએલ રમવા આવેલી તમામ ટીમ દુબઈ પહોંચી એક સપ્તાહ માટેનો કવોરન્ટાઈન પીરીયડ ભોગવી રહી છે ત્યારે સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ચેન્નઈ સુપર કિંગ્સના સભ્યોને કોરોના પોઝીટીવ આવતા ટીમ વધુ એક સપ્તાહ માટે કવોરન્ટાઈન થઈ છે. જેમાં અન્ય કોઈ સભ્યના નામ સામે આવ્યા નથી પરંતુ ફાસ્ટ બોલર દિપક ચહરને પોઝીટીવ આવ્યો હોવાની પૃષ્ટિ થઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ ચેન્નઈની ટીમ દુબઈ પહોંચ્યા બાદ જ સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ૨૧ ઓગસ્ટે દુબઈ પહોંચી હતી. ટીમે આઈપીએલ ગર્વનીંગ કાઉન્સીલ દ્વારા બનાવવામાં આવેલા નિયમો અંતર્ગત ૬ દિવસનો ફરજીયાત કવોરન્ટાઈન સમય પુરો કર્યો હતો. હાલ આઈપીએલનો પ્રારંભ ૧૯મી સપ્ટેમ્બરથી થવાનો છે ત્યારે ચેન્નઈ ટીમના સભ્યોનો રીપોર્ટ પોઝીટીવ આવતા ટીમમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ટીમના સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ સહિત સમગ્ર ચેન્નઈ ટીમનો ચોથો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ આઈપીએલમાં રમનારી તમામ ટીમ યુએઈ પહોંચે ત્યાં સુધીમાં ત્રણ કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવ્યા છે ત્યારબાદ જ ટીમો પ્રેકટીસ શરૂ કરી શકશે. આઈપીએલ ગર્વનીંગ કાઉન્સીલના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દુબઈ પહોંચવા સુધીના ચેન્નઈની ટીમે જરૂરીયાત મુજબની તમામ તકેદારી રાખી હતી જયારે યુરોપમાં ફુટબોલની શરૂઆત થઈ ત્યારે પણ અનેક ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો જેથી આઈપીએલમાં કુલ ૮ ટીમો છે અને કુલ મળી ૧૦૦૦થી વધારે સભ્યો હોવાથી પણ ટીમને કોરોના થઈ શકે છે પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના સભ્યોનો રીપોર્ટ પોઝીટીવ આવતા જ અન્ય ટીમોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.