નિકાસ ઉપર 40 ટકા જંગી ડ્યુટી બાદ સરકારે બફર સ્ટોક 3 લાખ મેટ્રિક ટનથી વધારીને 5 લાખ મેટ્રિક ટન કરવાનો નિર્ણય લીધો
ડુંગળી રડાવે તે પહેલાં જ સરકાર હરકતમાં આવી છે. સરકારે રૂ. 25 પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવા કાઢી છે. આ ઉપરાંત નિકાસ ઉપર 40 ટકા જંગી ડ્યુટી બાદ સરકારે બફર સ્ટોક 3 લાખ મેટ્રિક ટનથી વધારીને 5 લાખ મેટ્રિક ટન કરવાનો નિર્ણય લીધો છે.
ટામેટા બાદ ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે. દેશમાં અમુક જગ્યાએ ડુંગળી 40 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહી છે. આવી સ્થિતિમાં સરકારે ટામેટાં બાદ સસ્તા દરે ડુંગળી વેચવાનો નિર્ણય લીધો છે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા આજથી રાષ્ટ્રીય રાજધાનીમાં સરકારી બફર સ્ટોકમાંથી 25 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કરશે. એનસીસીએફ પહેલેથી જ કેન્દ્ર સરકાર વતી સબસિડીવાળા ટામેટાંનું વેચાણ કરી રહ્યું છે અને હવે તેને બફર ડુંગળીનું છૂટક વેચાણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે 3 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક બનાવ્યો છે. આ વર્ષે બફર માટે વધારાની 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ ડુંગળીની નિકાસ ઉપર 40 ટકા જેટલી જંગી ડ્યુટી નાખી હતી. જેથી નિકાસનું પ્રમાણ ઘટે અને દેશના ડુંગળીના ભાવ કાબુમાં રહે. એક તરફ આગામી વર્ષે ચૂંટણી છે. ત્યાં સુધી ડુંગળીના ભાવ કાબુમાં રહે અને તેના કારણે ફુગાવો વધે નહિ તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.
એનસીસીએફએ ઓએનડીસી પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન ડુંગળી વેચવાની પણ યોજના બનાવી છે અને તે મોડલીટીઝ પર કામ કરી રહી છે. સરકારે બજારના હસ્તક્ષેપ માટે દિલ્હી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને આસામની ઓળખ કરી છે. આ પાંચ રાજ્યોમાં જથ્થાબંધ અને છૂટક બંને બજારોમાં ડુંગળીના ‘બફર સ્ટોક’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બફર ડુંગળી જથ્થાબંધ બજારોમાં મંડીના દરે વેચવામાં આવી રહી છે, જ્યારે છૂટક બજારોમાં તે 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વેચાઈ રહી છે. દિલ્હીમાં છૂટક વેચાણ સોમવારથી શરૂ થશે, જ્યારે અન્ય ચાર રાજ્યોમાં તે બે દિવસ પછી શરૂ થશે. સત્તાવાર માહિતી અનુસાર, રવિવારે ડુંગળીનો દેશવ્યાપી છૂટક ભાવ વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂ. 29.73 પ્રતિ કિલો હતો. ગયા નાણાકીય વર્ષમાં તે જ દિવસે તે 25 રૂપિયા પ્રતિ કિલો હતો.