- રાજકોટના પોશ એરિયામાં 8 સોની જુગાર રમતા ઝડપાયા
- યુનિવર્સીટી રોડ પરના શિલ્પન નોવા એપાર્ટમેન્ટમાં ધમધમતા જુગારધામ પર દરોડો : રૂ. 1.55 લાખની રોકડ કબ્જે
રાજકોટ શહેરના પોશ એરિયામાં ધમધમી રહેલા જુગારધામ પર યુનિવર્સીટી પોલીસે દરોડો પાડી 8 જુગારીઓની ધરપકડ કરી છે. પોશ એરિયાના ફ્લેટમાં ધમધમી રહેલા જુગારધામમાંથી ઝડપાયેલા તમામ જુગારીઓ સોનીકામ કરતા હોય તેવું સામે આવતા સોની બજારમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે. યુનિવર્સીટી પોલીસે કુલ રૂ. 1.55 લાખની રોકડ રકમ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર યુનિવર્સીટી પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા યુનિવર્સીટી રોડ પર શિલ્પન નોવા એપાર્ટમેન્ટના એ વિંગના ફ્લેટ નં.1004 ખાતે અમુક ઇસમો જુગાર રમતા હોય તેવી બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે યુનિવર્સીટી પોલીસે પંચને બોલાવી સાથે રાખી હકીકતવાળી જગ્યાએ ખાનગી વાહનમાં જવા રવાના થયેલ હતા.
યુનિવર્સીટી પોલીસની ટીમ રાત્રીમાં અંદાજિત 10 વાગ્યાં આસપાસ શિલ્પન નોવા એપાર્ટમેન્ટ ખાતે પહોંચી ફલેટ નં.1004નો દરવાજો ખખડાવતા એક શખ્સ દરવાજો ખોલવા બહાર આવેલ હતો. જેની ઓળખ રવિ અશોકભાઇ થડેશ્વર રહે, સદરહું ફલેટવાળા તરીકે થઇ હતી. જે બાદ પોલીસે ફ્લેટમાં પ્રવેશ કરતા અંદર સાતેક ગોળ કુંડાળુ વળી બેઠેલા જોવા મળ્યા હતા. તેમજ ગંજીપતા અને રોકડ રકમ પણ ધ્યાને આવી હતી.
જ્યાં રવિ થડેશ્વરને તેની જગ્યાએ બેસાડી પંચો દ્વારા વારાફરતી તમામના નામઠામ પુછતા પ્રથમ રવિભાઈ અશોકભાઈ થડેશ્વર સોની ઉ.વ. 31 ધંધો વેપાર (સોનીકામ) રહે, શિલ્પન નોવા ફલેટવાળો હોવાનું જણાવેલ હતું. આ સિવાય સંજયભાઇ રમણીકભાઇ થડેશ્વર સોની ઉ.વ.54 ધંધો સોનીકામ રહે, ઇન્દિરા સર્કલ પાસે મીચીસ રેસ્ટોરન્ટ ની બાજુમા દેવાલય એપાર્ટમેન્ટ એ/401, દેવાંગભાઇ દિનેશભાઈ જગડા સોની ઉ.વ.34 ધંધો–સોનીકામ રહે રણુજા મંદિર કોઠારીયા રોડ નંદનવન એપાર્ટમેન્ટ એ/302, દર્શનભાઈ રમેશભાઈ ધકાણ સોની ઉ.વ.34 ધંધો સોનીકામ રહે, જીવરાજપાર્ક કાલાવડ રોડ સુવર્ણભુમી એપા ર્ટમેન્ટ બી/503, બ્રીજેશભાઈ અશોકભાઇ ધકાણ સોની ઉ.વ.36 ધંધો સોનીકામ રહે.રૈયાધાર સનસીટી હેવન ઈ/501, વિશાલભાઈ પ્રવિનભાઈ જગડા સોની ઉ.વ.40 ધંધો–સોનીકામ રહે.ગોપાલચોક ગોલ્ડ એપાર્ટમેન્ટ એ/102, આશીષભાઈ પ્રદિપભાઇ ધકાણ સોની ઉ.વ.40 ધંધો સોનીકામ રહે. ચીત્રલેખા એપાર્ટમેન્ટ 504 150 ફૂટ રીંગ રોડ ગીરીરાજ હોસ્પીટલ પાસે, મીલનભાઇ પ્રવિણભાઇ ધાનક સોની ઉ.વ.38 ધંધો–સોનીકામ રહે. અંબીકાપાર્ક મકાન નં.-07 રૈયારોડ એમ કુલ 8 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
જુગારધામ મામલે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, રવિ થડેશ્વર પોતાની માલિકીના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના પુરા પાડી નાલ ઉઘરાવી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમાડતો હતો. પોલીસે તમામ જુગારીઓ પાસેથી રોકડ રૂ. 1,55,000ની મતા કબ્જે કરી છે.
જુગારમાં ખલેલ ન પડે તે માટે જુગારીઓ મોબાઈલ ઘરે મૂકીને આવ્યા’તા?
યુનિવર્સીટી પોલીસના દરોડામાં આખેઆખુ જુગારધામ ઝડપાયું હતું. જેમાં આઠેક જેટલાં સોની જુગાર રમતા ઝડપાતા તેમની પાસેથી રૂ. 1.55 લાખની રોકડ કબ્જે કરવામાં આવી છે પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે, મુદ્દામાલમાં એક પણ મોબાઈલ ફોન કે વાહન કબ્જે કરવામાં આવ્યા નથી. ત્યારે કદાચ જુગાર રમતી વેળાએ જુગારીઓને કોઈ ખલેલ ન પડે એટલે મોબાઈલ ઘરે જ મૂકીને આવ્યા હશે તેવું માની લેવું જ રહ્યું. એવુ પણ માની જ લેવું રહ્યું કે, જુગારીઓની ઓળખ ન થઇ શકે માટે તેઓ પોતાના વાહન લઈને આવવાની જગ્યાએ કદાચ રીક્ષા જેવા જાહેર પરિવહન થકી શિલ્પન નોવા એપાર્ટમેન્ટ સુધી પહોંચ્યા હશે.