મેન્યુફેક્ચરિંગ સેકટરમાં સૌથી વધુ 1.24 કરોડ કર્મચારીઓ શિક્ષણ ક્ષેત્રે રોજગારીનો આંક 69.26 લાખે પહોંચ્યો
કોરોના મહામારી બાદ દેશમાં રોજગાર ક્ષેત્રને સૌથી વધુ અસર થઇ હતી. જોકે, હવે મહામારી થોડી હળવી પડતા દેશની ખોરવાયેલી અર્થવ્યવસ્થા (પણ પાટા પર આવવા લાગી હોય તેવું જણાય રહ્યું છે. અર્થવ્યવસ્થામાં સુધારાની સાથે રોજગાર મોરચે સારા સમાચાર આવવા લાગ્યા છે. નવી ભરતીઓમાં વધારો થઈ રહ્યો છે અને બેરોજગારોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. રોજગાર વધારવાનો આ ટ્રેન્ડ આગામી મહિનાઓમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે.
સરકારી ડેટા અનુસાર, નવ મોટા સંગઠિત ક્ષેત્રોએ ડિસેમ્બર 2021 ના ક્વાર્ટરમાં 4 લાખ લોકોને નવી નોકરીઓ આપી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ બહાર પાડતી વખતે આ માહિતી આપી હતી.
આ આંકડાઓ મુજબ સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં સંગઠિત ક્ષેત્રમાં કામદારોની સંખ્યા 3.10 કરોડ હતી, જે ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં વધીને 3.14 કરોડ થઈ ગઈ છે.
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, “તે જણાવતા આનંદ થાય છે કે ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણના ત્રીજા રાઉન્ડમાં (ઓક્ટોબર-ડિસેમ્બર 2021) 9 સંગઠિત ક્ષેત્રમાં 10 કે તેથી વધુ કામદારોના રોજગારમાં વધારો થયો છે.” મંત્રાલયના રોજગાર સર્વેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન કામદારોની સંખ્યા વધીને 3 કરોડ 14 લાખ 54 થઈ ગઈ છે.
સર્વે અનુસાર, આ સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામદારોની સંખ્યા સૌથી વધુ 1.24 કરોડ હતી. આ સંગઠિત ક્ષેત્રના કુલ કામદારોના 39 ટકા છે. આ પછી, શિક્ષણ ક્ષેત્રમાં કામદારોની સંખ્યા 69.26 લાખ રહી હતી. આ કુલ કામદારોના 22 ટકા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન આઈટી-બીપીઓ સેક્ટરમાં 34.47 લાખ હેલ્થ સેક્ટરમાં 32.86 લાખ, વેપારમાં 16.81 લાખ, ટ્રાન્સપોર્ટમાં 13.20 લાખ અને ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં 8.85 લાખ લોકો નોકરી કરી રહ્યા હતા. હોટેલ અને રેસ્ટોરન્ટ સેક્ટરમાં કામદારોની સંખ્યા 8.11 લાખ અને ક્ધસ્ટ્રક્શન સેક્ટરમાં 6.19 લાખ છે.
સર્વેનો આ ડેટા 9 સંગઠિત ક્ષેત્રોની તે કંપનીઓ પર આધારિત છે જે 10 કે તેથી વધુ લોકોને રોજગારી આપે છે. આ ક્ષેત્રોમાં ઉત્પાદન, બાંધકામ, વેપાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને રેસ્ટોરન્ટ્સ, આઈટી-બીપીઓ અને નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે.