- અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન કઈ રીતે કામ કરે છે તે વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ એ.જોગસણ દ્વારા માહિતી આપવામાં આવી
આઝાદીના વર્ષો પછી પણ આજેપણ આપણો સમાજ અંધશ્રદ્ધાના ખાડામાંથી બહાર આવી શક્યો નથી. ધીરે ધીરે આપણો દેશ એ પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે ત્યારે તેનાથી વિપરિત અંધશ્રદ્ધાના નામે બનતી હેરાનગતિ અને મારપીટની ઘટનાઓ આપણા દેશના ઘણા લોકોની પોકળ માનસિકતા છતી કરે છે. એક તરફ અવકાશ તરફ ગતિ કરવાના સમાચાર આપણને ખુશ કરી રહ્યા છે તો બીજી તરફ અંધશ્રદ્ધાના સમાચાર આપણી ખુશીને દુ:ખમાં બદલી રહ્યા છે. આ એક વિચિત્ર દુવિધા છે જેમાં આપણો સમાજ અને દેશ કચડાઈ રહ્યો છે.એ પણ વિચારવા જેવી છે કે સમયની સાથે વિજ્ઞાનના વિકાસ પછી જે ઠાઠમાઠ અને અંધશ્રદ્ધા ખતમ થવી જોઈતી હતી તે આજ સુધી થઈ નથી. બલ્કે એ દુ:ખની વાત છે કે આધુનિક અને શિક્ષિત પેઢી પણ આ માર્ગનું આંધળું અનુકરણ કરી રહી છે. કાળો જાદુ, ભૂતપ્રેત, માનવ અને પશુઓની બલિ, મેલીવિદ્યા, બાળ લગ્નથી માંડીને કાચ તોડવા, બિલાડીનો રસ્તો, બિલાડીની પીઠ અને અનેક ગાણિતિક સંખ્યાઓ પણ અંધશ્રદ્ધાના દૃષ્ટિકોણથી ચકાસવામાં આવી રહી છે. અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન કઈ રીતે કામ કરે છે તે વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ એ.જોગસણ દ્વારા માહિતી આપવામાં આવી.
અંધશ્રદ્ધા શું છે ?
અંધશ્રદ્ધા એ એક માન્યતા છે, જેમાં કોઈ તર્ક કે દલીલો પર સહમત થયા વિના જ સહમતી અપાતી હોય છે. જેમ કે કોઈ નવી જગ્યાએ પહેલા જમણો પગ મુકવો અથવા અમુક રંગના કપડાઓ અમુક પ્રસંગમાં ન પહેરવા વગેરે જેવી માન્યતાઓ જોવા મળે છે.
સામાન્ય રીતે, અંધશ્રદ્ધા સારા નસીબ લાવવા અથવા ખરાબ નસીબને દૂર કરવાનો પ્રયાસ કરે છે. સફળતાને આકર્ષિત કરવા અથવા નિષ્ફળતાથી બચવાનો આ સરળ માર્ગ માનવામાં આવે છે. આ વર્તન કરવાથી જીવન સરળ બનશે અને ખૂબ પૈસા, પ્રેમ અથવા સફળતા મળશે. તેવી માન્યતાઓ જોવા મળે છે.
અંધશ્રધ્ધા કઈ રીતે શરુ થાય છે?
તેના વિશે જાણવા માટે મનોવૈજ્ઞાનિક સ્કીનરનો પ્રયોગ સમજવા જેવો છે જેણે કબુતર પર પ્રયોગ કરેલ હતો. જે પ્રયોગ કર્યો હતો તેમાં એક પ્રકારનું જોડાણ કે સાહચર્ય સ્થાપિત થતું જોવા મળ્યું અને અંતે જેટલા કબૂતરો હતા તેમાંથી ત્રીજા ભાગના કબૂતરો અંધવિશ્વાસી જોવા મળ્યા. સતત અમુક બાબતો વારંવાર આપણી સામે આવે અને તેમાં અમુક વર્તન જોવા મળે ત્યારે મન એ બાબત કરવા માટે સ્વીકાર કરતુ હોય છે.
અંધશ્રદ્ધાની ભયાનકતા
અંધશ્રદ્ધા એવા સમયે ભયાનક સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે આપણે અંધશ્રદ્ધાના નામે સ્ત્રીને ડાકણ કે ચુડેલ સાબિત કરીએ છીએ. માનસિક બીમારીઓને ભૂતની છાયા તરીકે વર્ણવવામાં આવી છે. આપણે સમાચારોમાં વાંચીએ છીએ કે ક્યારેક અંધશ્રદ્ધાના નામે લોકોને મારી પણ નાખવામાં આવે છે. અભણ પરિવારોમાં જ થાય છે, એવું નથી, ભણેલા-ગણેલા લોકો પણ કરે છે.
અંધશ્રદ્ધાની શરૂઆત
અંધશ્રદ્ધા ત્યારે રચાઈ હશે જ્યારે કોઈ ઘટના વિશે લોકોને સાચી સમજ નહી હોય તે સમયે તેનો જવાબ મળ્યો નહી હોય. ત્યારે એ બાબત વિશે ખોટી વાતો કે અંધ વિશ્વાસ ફેલાયેલ હશે.
અંધશ્રદ્ધા અને માનસિક બીમારી
કેટલીકવાર આ અંધશ્રદ્ધાઓ માણસની અંદર એટલી ઊંડી ઉતરી જાય છે કે તે જીવલેણ સાબિત થઈ શકે છે. ભારતમાં લોકો માનસિક બીમારીના કિસ્સામાં ડોક્ટરો તરફ ઓછા અને તાંત્રિકો તરફ વધુ દોડે છે. અંધશ્રદ્ધાના કારણે ઘઈઉ જેવા રોગો ક્રોનિક સ્ટેજમાં જાય છે. જેને જાદુઈ વિચાર કહેવામાં આવે છે.
અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન
અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન માનવતા સાથે સંકળાયેલ રહ્યું છે કારણ કે માનવીમાં ચેતના છે. હંમેશા અંધશ્રદ્ધાળુની એક પ્રથા ચાલી રહી છે અને તે એકબીજાને મળતી રહેતી હોય છે જેમ કે કોઈ એક પ્રથા કોઈ એક સમાજમાં પ્રચલિત હોય તે પોતાના આગળના લોકોને પણ તે વિશે માહિતગાર કરતા જાય છે.આપણી સંસ્કૃતિમાં ઘણી છુપી અંધશ્રદ્ધાઓ છે જે છૂપી રીતે કામ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે કાળી બિલાડી રસ્તામાં જતા વચ્ચે ઉતરે તો અપશુકન અને અરીસો તૂટવો શકુન દર્શાવે છે. જેની પાછળ તર્કનો અભાવ જોવા મળે છે.
વ્યક્તિ અંધવિશ્વાસી શા માટે બને છે?
(1)પરિસ્થિતિ પર નિયંત્રણ મુકવા માટે
(2) પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે
(3) લાચારી અને શક્તિહીનતાની લાગણી ઓછી કરવા માટે
(4) મુશ્કેલીનો સામનો કરવા કરતા અંધવિશ્વાસનો રસ્તો સરળ થઈ જાય છે
(5) પોતાનાથી નબળા લોકો પર પોતાનો હુકમ ચલાવવા
(6) ખાસ કરીને સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા
અંધશ્રદ્ધાના મનોવિજ્ઞાનની સમસ્યાઓ
સામાન્ય રીતે અમુક માન્યતાઓ ખરાબ નથી લન ટેન્ક અતિરેક અને ઉપયોગ કરવાની રીતો ખરાબ છે.અંધશ્રદ્ધા એ ખોટી માન્યતાઓ અને વિચારો છે જેનો કોઈ તાર્કિક આધાર નથી. અજાણ્યા ડરથી લોકો ડરે છે. એવું કહેવાય છે કે આપણા વડવાઓએ આપણને કોઈપણ નુકસાનથી બચાવવા માટે બનાવ્યા હશે. તેમની વિશેષતા એ છે કે આપણે જાણીએ છીએ કે આપણે જે માનીએ છીએ તેવુ શક્ય નથી, છતાં પણ આપણે માનીએ છીએ.મનોવિજ્ઞાન અનુસાર માણસ ઝડપથી અને નિરાંતે વિચારી શકે છે. ઝડપી નિર્ણયો લેતી વખતે, અંતર્જ્ઞાન અને અધીરાઈ તેમાં સામેલ છે. શાંત ચિત્તે અથવા નિરાંતે વિચાર કરતી વખતે તર્ક સાથે વિચાર કરે છે. આપણે જાણીજોઈને અંધશ્રદ્ધા સ્વીકારીએ છીએ કારણ કે કંઈક અઘટિત થવાની આશંકાથી ઉદ્ભવતી ચિંતામાં રાહત મળે છે.
કેવી રીતે વિકસે છે અંધશ્રદ્ધા ?
કોઈ વ્યક્તિ ચોક્કસ વર્તન સાથે વિધાયક અથવા નિષેધક પરિણામને જોડી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ ચોક્કસ તારીખે નવું કામ શરૂ કરવાથી જો સફળતા મળે છે તો કોઈ પણ નવું કામ એ જ તારીખે શરૂ કરવું. કોઈ કલર પહેરવાથી વારંવાર અસફળતા મળે તો એ કલર ટાળવો આવા વિચારો વિકસિત થતા જોવા મળે છે.