ભારે વરસાદના ત્રણ દિવસ બાદ પણ જામનગરના 17 ગામોમાં હજુ અંધારપટ્ટ
નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાના કારણે રીપેરીંગ કામગીરી કરવી વિજકર્મીઓ માટે બની પડકારરૂપ
સૌરાષ્ટ્ર- કચ્છમાં 97 ફીડર બંધ, 2228 વીજપોલ જમીનદોસ્ત અને 79 ટીસી ખોટવાયેલી હાલતમાં
ત્રણ દિવસ પૂર્વે પડેલા ભારે વરસાદથી પીજીવીસીએલને જે મોટું નુકસાન થયું છે. તે હજુ યથાવત હાલતમાં છે. જેમાં જામનગરના 17 જેટલા ગામો હજુ પણ અંધારપટ્ટમાં છે. વધુમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં 97 ફીડર બંધ છે. 2228 વીજપોલ જમીનદોસ્ત હાલતમાં છે. તેમજ 79 ટીસી ખોટવાયેલી હાલતમાં છે.
સૌરાષ્ટ્ર- કચ્છમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે પીજીવીસીએલને નુકસાન પહોંચ્યું હતું. હજુ પણ વીજકર્મીઓ આ નુકસાનને પહોંચી વળવા માટે ઊંધામાથે થઈને કામગીરીમાં જોતરાયેલા છે. જેમાં જામનગરના 17 ગામોમાં હજુ પણ વીજપુરવઠો ખોરવાયેલ હાલતમાં છે. આ તમામ ગામોમાં પાણી ભરાયેલા હોવાથી સમારકામમાં અવરોધ ઉભો થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ સાથે કુલ એગ્રીકલ્ચરના 97 ફીડર બંધ હાલતમાં છે. જેમાં જામનગરના 37, ભુજના 39 અને અંજારના 21ફીડરનો સમાવેશ થાય છે. આ સાથે કુલ 2228 વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં રાજકોટ રૂરલના 226, પોરબંદરના 222, જૂનાગઢના 101, જામનગરના 1577 અને ભુજના 102 વીજપોલનો સમાવેશ થાય છે.
79 વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં રાજકોટ રૂરલના 15, પોરબંદરના 14, જામનગરના 50 મળી કુલ 79 ટીસીનો સમાવેશ થાય છે. આમ વિજતંત્રને થયેલુ ભારે નુકસાન હજુ પણ યથાવત હાલતમાં છે. જેથી વીજકર્મીઓમાં દોડધામ મચી છે.