“સભાપતિએ ફોનથી જાણ કરી કે ઉમિયામાતા રોડ ઉપર આવેલ એડવાસમાં ઘૂંસીને આતંકવાદીઓ ખૂન કરીને નાસી ગયા છે!”
ભયંકર કોમી તોફાનોના સતત બંદોબસ્ત અને તે અંગે બનેલ અસંખ્ય ગુન્હાઓની તપાસો અને તેને આનુસંગીક કાર્યવાહીઓથી લગભગ તમામ પોલીસ અધિકારીઓ ત્રાહીમામ હતા તેના કારણે તેમની માનસિક સ્થિતિ પણ ડામાડોળ હતી. આના કારણે જ નાયબ પોલીસ અધિક્ષક પેન્થરસર અને ઉંઝા પીઆઈ જયદેવને એક જ બનેલા ગુન્હાની બે અલગ અલગ એફઆઈઆર દાખલ થતા ચડસાચડસી થઈ અને ઉગ્રતાથી દલીલો થઈ પેન્થર સરે કહ્યું કે આ અંગે હું ઈન્કવાયરી ચાલુ કરૂ છું આથી જયદેવે તેમને તુર્ત જ કહ્યું કે તો તો સૌ પ્રથમ મારો જ જવાબ લખો. આ બનાવ ભલે ટેકનીકલી મહેસાણા હોસ્પિટલ ડયુટી જમાદારની શરત ચૂકથી બનેલ હોવા છતા આ કહેવાની કસુર માટે પોતાની જ જવાબદારી હોવાનું કહી પોતાનું જ કબુલાત નામુ લખી લેવા જયદેવે કહ્યું.
આ ગોધરા કાંડ અન્વયેના તોફાનોમાં જયદેવ પણ ઓછો હેરાન થયો નહતો હવે તેની સહનશકિતની પણ મર્યાદા આવી ગઈ હતી. તમામ તપાસો, બંદોબસ્તો લગભગ દરરોજ મુસાફરી ઉનાવા, દાસજ ભાખર રાહત કેમ્પો ઉપર અને આરોપીઓની આગોતરા, જામીન અરજીઓ અંગે મહેસાણા સેશન્સ કોર્ટમાં તેને જાતે જ દોડવાનું હતુ તેથી શારીરીક ઉપરાંત માનસીક ક્ષમતા પણ હવે જવાબ દઈ રહી હતી. આથી તેણે મનોમન નકિક કરી લીધું કે આ ઈન્કવાયરી ના બહાને પણ જો ફરજ મોકૂફી (સસ્પેન્શન) મળતી હોય તો તેના કારણે તન અને મન બંનેને આરામ મળશે. અને રાહત થશે અને તેના કારણે કુટુંબ સાથે પણ નિરાંતે રહેવા પમાશે, તે સિવાય હવે આરામ મળે તેમ લાગતુ નથી. તેને થતુ હતુ કે ‘જીંદગી શુ આજ છે?’
જયદેવની આ બીજાની કસુરનું કબુલાત નામુ લખી લેવાની જીદથી પેન્થર સર બરાબર મુંઝાયા તેમને આવી અપેક્ષા ન હતી તેમને એમ હતુ કે ઈન્કવાયરીનું નામ પડતા જયદેવ આજીજી કરી વિનંતી કરશે કે હશે સાહેબ જવાદયો, પણ આતો અવળુ થયું તેમના મુંઝાવાના બે કારણો હતા એક તો આ કહેવાતી બે ફરિયાદો એ કોઈની ભુલ હતી જ નહિ માનો કે તે હોયતો પણ તેના માટે જયદેવની કોઈ ભૂલ હતી જ નહિ વળી આવા કારણોસર આ સંજોગોમાં કોઈ અધિકારી કાંઈ પગલા પણ નલે કે જયારે વિવિધ મીડીયા દ્વારા સત્તાધારી પાર્ટી અને પોલીસ દળ ઉપર કોમી તોફાનો અંગે ગંદા માછલા ધોવાતા જ હતા તેમાં જો આવું બીન જરૂરી પગલુ ભરે તો તમામ ભુંડા લાગે તેમ હતા. અને તેમ છતા પગલા લેવાય તો જયદેવને તો કાંઈ ગુમાવવાનું હતુ જ નહિ તે તો હવે આરામ આરામ જ ઝંખી રહ્યો હતો, પરંતુ આરામ કયાં હતો?
જયદેવના આ પ્રત્યાઘાત સાંભળીને પેન્થર સરે વાત વાળવાની કોશિષ કરી પરંતુ જયદેવે હવે જીદ જ પકડી કે મારૂ કબુલાત નામુ જ લખો આખરે પેન્થર સરે કહ્યું કે મારી વાત કરવાની પધ્ધતિ ખોટી છે તે કબુલ કરૂ છું તમે જે રીતે ઉંઝાના તોફાનો અને પરિસ્થિતિને હલ કરી છે તે ખરેખર પ્રસંશનીય છે. વિગેરે જયદેવ પણ જાણતો હતો કે પેન્થરસર સજજન છે. પણ સ્વભાવથી મજબૂર છે, તેમના અતિ ચિકાસવાળા અને ભવિષ્યની ચિંતાવાળ સ્વભાવને કારણે આવું બનવા જોગ છે. તેમ માન્યુ અને મામલો ત્યાંજ પૂરો થયો.
જયદેવે તોફાનો દરમ્યાન જે હુલ્લડખોરો હતા તેમને બરાબર સબક મળે અને ભોગ બનનારને ન્યાય મળે તે માટે ધરપકડ કરવા પૂરાવા મેળવવા સઘન તપાસો ચાલુ કરી તપાસના ભાગરૂપે જયદેવે ગુન્હાવાળી જગ્યાઓથી વૈજ્ઞાનિક તપાસણી માટે ફોરેન્સીક મોબાઈલ વાન ને જરૂર પડયે ગમે ત્યારે લગભગ દરરોજ બોલાવતો અને મહેસાણા ફોરેન્સીક નિષ્ણાંત મોદી પણ આવીને ગુન્હાવાળી જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ પરિક્ષણ કરતા હતા. એક વખત વાતવાતમાં આ એફએસએલ નિષ્ણાંત મોદીએ જયદેવને કહ્યું ‘સાહેબ તમે જે રીતે કામ કરો છો તે જોતા એવું લાગે છે કે’ મૃત્યુ તમારી તરફ નહિ, તમે મૃત્યુ તરફ દોડી રહ્યા છો. મોદી સમગ્ર મહેસાણા જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનોમાં આ કોમી તોફાનોના ગુન્હાઓની જગ્યાઓનાં પરિક્ષણ માટે જતા હતા અને તમામ જગ્યાએથી તેમણે લોકોની પરિસ્થિતિ અને પોલીસની કાર્યપધ્ધતિની વિગત જાણી હતી. જયદેવ જેરીતે સતત કામ કરતો હતો તે મોદીના જણાવ્યા પ્રમાણે શારીરીક રીતે ઘણુ જ ઘાતક હતુ. જયદેવે તેમને કહ્યું ‘નસિબમાં જ યુધ્ધ કર્મ લખ્યું હોય પછી શું ? વળી પેલા શેરની માફક ‘મર્દ વો કબ હૈ જો ભંવર સે ઉભરતા નહિ, હકક જીનેકા નહી ઉસકો જો મરસકતા નહી’ એ મર્દ શાનો કહેવાય જે આફત રૂપી વમળમાંથી બહાર ઉભરી આવે નહીં? કયારેય જોખમ ખેડતો નથી તેને જીવવાનો અધિકાર જ નથી !
આથી રાત્રીનાં ઘેર જતા રસ્તામાં જયદેવે ડોકટર હેમંત જાવીયાનો સંપર્ક કર્યો, અને આ બાબતે સામાન્ય ચર્ચા કરી આથી ડોકટરે જયદેવનું બ્લડ પ્રેસર માપ્યું જે ઉમર પ્રમાણે તો બરાબર હતુ પરંતુ તેમણે કહ્યું સાહેબ આમ નહિ તમે સવારે ઘેરથી નિકળો ત્યારે અહિં બીપી મપાવતા જજો અને સાંજના કે રાત્રીનાં ઘેર પાછા જતી વખતે ફરી બી.પી.મપાવતા જજો, જેથી જો બંને વચ્ચે કેટલો તફાવત આવે છે તે ઉપરથી કાંઈક ખબર પડે.
બીજે દિવસે સવારે પોલીસ સ્ટેશને જતી વખતે રસ્તામા જ ડોકટર પાસે બી.પી. મપાવ્યું જે સાવ સામાન્ય હતુ સાંજના વળતા પાછા ઘેર જતા બી.પી. મપાવ્યું તો તે ખૂબજ ઉંચુ હતુ તેમાં અસામાન્ય વધારો હતો. ડોકટરે જયદેવને કહ્યું કે ઉંચુ બીપી તો ઠીક પણ આ સવાર સાંજનો મોટો તફાવત ખૂબ ગંભીર ગણાય. પરંતુ નોકરી જ એવી હતી કે ‘કાજી કયું દુબલે કે સારે શહર કી ફીકર’ માફક સ્વભાવને કારણે આ વિષમ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં જયદેવ તમામ જગ્યાએ પહોચી વળવા તમામ ને ન્યાય આપવા કોશિષ કરવા તમામને સાંભળીને તેમને સમજાવવા સતત બોલવાનું આ પરિણામ હતુ પરંતુ તેનો કોઈ ઉપાય ન હતો.
વિક્ટ સંજોગોમાં જયદેવ હંમેશા ધર્મશાસ્ત્રનો સહારો લેતો તેને કુરૂક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલ સલાહ યાદ કરી.
‘હતો વા પ્રાપ્યસિ સ્વર્ગમ્ જિત્વા વા ભોક્ષ્યસે મહિમ્
તસ્માદુતિષ્ઠ કૌન્તેય, યુધ્ધાય કૃત નિશ્ર્ચય: ॥
અર્થાત: કાંતો તું યુધ્ધમાં હણાઈ (મૃત્યુ પામી)ને સ્વર્ગ પામીશ અથવા તો યુધ્ધમાં જીતીને ભૂમંડળનું રાજય ભોગવીશ, માટે હે અર્જુન, તું યુધ્ધ કરવા માટે નિશ્ર્ચય કર.
‘સુખ દુ:ખ સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ
તતો યુધ્ધાય યુજસ્વ નૈ વં પાપમવાપ્સ્યસિ ॥
અર્થાત: જય પરાજય, લાભહાની અને સુખ દુ:ખને સમાન સમજવા પછી યુધ્ધ માટે કટિબધ્ધ થઈ જા, આ પ્રમાણે યુધ્ધ કરવાથી તું પાપ ને પામીશ નહીં.’
જોકે જયદેવને તો ભૂમંડળનું રાજયનહિ પરંતુ થાણેદારી જ કરવાની હતી અને તે પણ નસિબ સંજોગો પ્રમાણે કેમકે હાલના ભૂપતિઓ (રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓ) તેતો પોતાના કહ્યાગરા અને માનીતા જ થાણેદારો જોઈતા હતા. જેમાં જયદેવ બંધ બેસતો નહતો અને તેથી જ તેને વારંવાર અનિચ્છનીય બદલીઓ અને નિમણુંકો મળતી હતી.
વળી ફરી જયદેવને શ્રી કૃષ્ણએ આવા સંજોગોમાં શું કરવું તે અંગે અર્જુનને આપેલ બોધ યાદ કર્યો.
‘અનાશ્રિત: કર્મફલમ્, કાર્યમ્ કર્મ કરોતિ ય:
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિય: ॥
અર્થાત: જે માણસ કર્મ ફળનો આશ્રય લીધા સિવાય કરવા યોગ્ય કર્મ (કર્તવ્યકર્મ) કરે છે તે જ સંન્યાસી પણ છે અને યોગી પણ છે જયારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓ (કર્મો)નો ત્યાગ કરનારો યોગી નથી.
આથી જયદેવે હવે કોઈ ફળ કે પરિણામ કે પ્રશંસાની અપેક્ષા વગર પોતાનું આ યુધ્ધ કર્મ કર્યે જવાનું હતુ અહિં પ્રશંસાનો ઉલ્લેખ ખાસ એટલા માટે કર્યો કે હવે તપાસોમાં, નિવેદનો લેવા કે બંદોબસ્તમાં જુદા જુદા ગામોમાં જતા તેને આ કોમી તોફાનો અંગે અનેક કપોલ કલ્પીત અને ઉપજાવી કાઢેલી વાતો પણ સાંભળવા મળતી હતી. ખાસ તો વિવિધ મિડીયામાં જે રીતે સરકારની અને પોલીસ દળની મનફાવે તે રીતે ચર્ચાઓ અને ટીકાઓ થતી હતી કેસરકારે અમુક તમુક હુકમો કરેલા હતા. (ખરેખર સરકારે એવા કોઈ હુકમો કરેલા જ ન હતા) અને પોલીસ સરકારનો હાથો બની હતી, પોલીસે આમ કરવાની જરૂર હતી. પોલીસે તેમ કરવાની જરૂર હતી વિગેરે ચર્ચાઓ અને અફવાઓ ચાલતી હતી. પરંતુ ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારનાં આદર્શ ઉદાહરણ રૂપ બનાવો, વરવાડા ગામે, પળી ગામે અને ઉંઝા કોટકુવા વિસ્તારમાં બંગાળી મુસ્લીમ કુટુંબને સાચવવા અને ઉંઝા બ્રાહ્મણ શેરી જેવા કિસ્સાઓ જે રીતે આ તોફાનોની એક તરફી ચર્ચામાં ઢંકાઈ ગયા હતા તેમ આ ટીકાઓ ચર્ચાના વાવાઝોડામાં સારૂ કામ કરનારા પોલીસ અધિકારીઓ પણ ઢંકાઈ ગયા હતા. અને સમગ્ર રાજયનાં પોલીસ દળને એક સામટુ ટીકાઓથી ઝુડવામાં આવી રહ્યું હતુ જે ખરેખર લોકશાહિના મુકત અભિવ્યકિત સ્વાતંત્રનો અતિશયોકતી ભર્યો દૂરૂપયોગ હતો. ખરેખર તો ખરાબ કામની ટીકા થવી જ જોઈએ અને થઈ હશે પરંતુ સાથે સાથે સારા કાર્યોની પણ પ્રશંસા થવી જોઈતી હતી.
હવે તમામ ગુન્હાઓની તપાસો સાથે આવી રહેલા વિવિધ બંદોબસ્તો જેવા કે શિવરાત્રી તથા અયોધ્યા ખાતે યોજાયેલા શિલાદાન અંગેનાં કાર્યક્રમ અંગે પોલીસ દળે જેમ ‘દુધ નો દાઝયો છાસ પણ ફૂંકીને પીએ’ તેમ ફરી કોઈ બનાવ ન બને તે માટે જડબે સલાક બંદોબસ્ત કરવાનો હતો.
આ બધુ ચાલતું હતુ ત્યાં ઉપરથી હુકમ આવ્યો કે જે જે ધાર્મિક સ્થાનોને નુકશાન થયું હોય તેની ફોટોગ્રાફી કરી મોકલી આપવી જયદેવ માટે મોટો પ્રશ્ર્ન એ હતો કે આ તમામ બાબતો સાથે સાથે તપાસ કેમ કરવી તે પણ ઠીક પરંતુ આ બધી માથાકૂટમાં તપાસ માટેની કેસ ડાયરીમાં સમય કઈ રીતે ફાળવવો તે પણ કાયદેસરનો પ્રશ્ર્ન હતો જે ભવિષ્યે કોર્ટમાં કોઈ આરોપી પણ પડકારે તો પોલીસ ખાસ તો તપાસ કરનાર અધિકારી માટે સંકટ ઉભુ થાય તેમ હતુ. પરંતુ ઈશ્ર્વર કૃપા અને આ બાબતની પોલીસ દળની છપ્પનની છાતીને કારણે બધુ ચાલ્યું જતુ હતુ હજુ રાહત કેમ્પોની વી.વી.આઈ.પી.ઓની મુલાકાતો ચાલુ હોય તે બંદોબસ્ત પણ સાથે સાથે ચાલુ જ હતા તેવામાં તારીખ અઢારમી માર્ચથી એસ.એસ.સી. અને હાયર સેક્ધડરી પરીક્ષાઓ ચાલુ થઈ.
આમ તો દરેક જાણે જ છે. કે પરિક્ષાઓ કેમ યોજાય છે અને શિક્ષણ વિભાગ તથા તેની સાથે સંકળાયેલ તંત્રોની તેમાં કેવી ભૂમિકા હોય છે. પરંતુ આ વખતે વાત જૂદી હતી તેનું કારણ એ હતું કે, કોમી તોફાનો ને કારણે લોકોની ટોળાશાહી દાદાગીરીની માનસીકતા તો તૈયાર થઈ જ હતી. તેમા પણ ખાસ કરીને અસામાજીક તત્વો અને ધંધાદારી રાજકારણીઓ કે નેતાઓ આવા માહોલનો દુબુધ્ધીપૂર્વક ખાસ દૂરૂપયોગ કરતા હોય છે. વળી તેમાં પણ ઉંઝાની ટોળાશાહીની ખાસ માનસીકતા જે અંગે અગાઉના પ્રકરણમાં ઉલ્લેખ થઈ જ ગયો છે. જુઓ પ્રકરણ ૧૮૭ મહેસાણા-ઉંઝા, તેમ છતા જયદેવ તો આ મુકાબલા માટે પણ પૂરે પૂરો તૈયાર જ હતો. પરંતુ વિકટ અને કઠીન પ્રશ્ર્ન એ હતો કે સરકારના આદેશ પ્રમાણે આ કોમી તોફાનોમાં વિસ્થાપિત થયેલા અને રાહત કેમ્પોમાં રહેલા કુટુંબોનાં બાળકો જેને આ પરીક્ષાઓ આપવાની હતી તેમને પોલીસે રાહત કેમ્પથી લઈ ને પરીક્ષા કેન્દ્ર સુધી અને કેન્દ્રમાં પરીક્ષા પૂરી કરે ત્યાં સુધી અને કેન્દ્રથી રાહત કેમ્પ સુધી પહોચાડવાની જવાબદારી પોલીસ દળની હતી અને સાથે તમામ તપાસો પણ કરવાની દરમ્યાન જ તા. ૨૪ થી માર્ચથી ૨૬મી માર્ચની મધ્ય રાત્રી સુધી મહોરમનો તહેવાર હોઈ તે અંગે ઉપલી કચેરીએથી આપેલી ઢગલાબંધ સુચનાઓ મુજબ આ પરીક્ષા બંદોબસ્ત સાથે જ આ બંદોબસ્ત પણ રાખવાનો હતો આમ જયદેવે એક સાથે અનેક અને તે પણ સમય મર્યાદાની કપરી ફરજોરૂપી ઘોડાઓ ઉપર સવારી કરીને દોડી રહ્યો હતો.
પરંતુ તારીખ ૩૧મી માર્ચના ખરા બપોરે જયદેવ હોટલ ઉપર જમવા જવાની જ તૈયારી કરતો હતો ત્યાં ઉંઝા સભાપતિ પટેલે જયદેવને મોબાઈલ ફોન ઉપર જાણ કરી કેઉમીયા માતા રોડ ઉપર આવેલ ઓડવાસમાં ઘૂસીને આતંકવાદીઓ ખૂન કરીને નાસી ગયા છે. હજુ કોમી તોફાનો નો તાવો ઠંડો પડયો નહતો ત્યાં આ સમાચાર !
જયદેવ તાબડતોબ પોતાના કાફલા સાથે ઓડવાસમાં આવ્યો એક રહેણાક મકાનમાં દસબાર વર્ષના છોકરાની તિક્ષણ હથીયાર વડે ઘાતકી હત્યા કરેલી લાશ પડી હતી આ બનાવ નજરે જોનાર કોઈ હતુ નહિ, પરંતુ અફવા એટલે અફવા કે તોફાનો નો બદલો લેવા ત્રાસવાદીઓએ જ આ ખૂન કરેલું છે. જયદેવ અને પોલીસ દળ માટે પણ પ્રશ્ર્ન એ હતો કે જોઆ ખૂન નો ગુન્હો વણશોધાયેલો રહે તો આ બાબતના ફરીથી પ્રત્યાઘાત ખરાબ પડે તેમ હતા વાતાવરણ તંગ થઈ ગયું હતુ.
તેમ છતા આ વિકટ સંજોગોમાં પણ જયદેવે ભગવાન શ્રી કૃષ્ણની કુરૂક્ષેત્રના યુધ્ધમાંની મનોસ્થિતિ જેવી મનોસ્થિતિ રાખી નિર્લેપ ભાવે કોઈ ઉશ્કેરાટ કે લાગણીમાં આવ્યા સિવાય જગ્યાનું નિરીક્ષણ કર્યુ લાશની ઈજાનું નિરીક્ષણ કર્યું ફરીયાદ તો મરનારની વિધવા માતાની જ લેવાથી હતી. જયદેવે આજુબાજુના રહીશો સાથે ચર્ચા કરી. લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. અને બોલતા હતા કે આમ કેમ ચાલે વિધવા માના એકના એક દિકરાનું આમ કાસળ કઢાય જ કેમ? વિગેરે વિગેરે ત્રાસવાદીના નામે ફરી મામલો બીચકે નહિ માટે લાશને તાત્કાલીક હોસ્પિટલ મોકલવી જરૂરી હતી આથી જયદેવે પોતાના રાયટર પુનાજીને બરાબર સમજાવીને ઈન્કવેસ્ટ પંચનામું (લાશનું) કરવાનું કહ્યું અને પોતે મરનાર કિશોરની માતાની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી ત્યાં હાજર એવા એક પડોશી બહેનને સાથે રાખી જયદેવે જાતે જ એફઆઈઆર લખવાનું ચાલુ કર્યું દરમ્યાન ફરિયાદીબેન અતિશય વિલાપ અને કાળજુ કંપાવી દે તેવા વિલાપ કરતા હતા, બીજી બાજુ ટોળાઓનો ત્રાસ ચાલુ હતો પરંતુ જયદેવે સમય મર્યાદામાં તમામ કાર્યવિધિ પૂરી કરવાની હતી દરમ્યાન ફરિયાદી બહેને રડતા રડતા જયદેવને કહ્યું કે સાહેબ બે મીનીટ હું મારા દિકરાને ઓરડામાં જોતી આવું ? આવા કરૂણાસભર બનાવમાં ગમે તેટલી મુશ્કેલી હોય પણ એક માતાને કઈ રીતે નાપાડી શકાય? ફરિયાદી બહેન ઓરડામાં ગયા જયદેવ અને પડોશી બહેન ફળીયામાં એક બાજુ ઉભા હતા આથી જયદેવે મુત્સદીપૂર્વક પણ લાગણીસભર અને આત્મીયતાથી પડોશી બહેન સાથે વાત ચાલુ કરી કે ભગવાને બીચારી આવિધવા બહેનના એકના એક સંતાનનું ખૂન થતા કેવો અન્યાય કર્યો છે? આથીઆ અભણ જેવા પણ કોઠાસુઝ વાળા પડોશી બહેન કહ્યું ‘સાહેબ આમાં ભગવાન ને દોષના આપો આ બાઈ પણ કાંઈ ઓછી નથી, તમે વિગતે તપાસ કરો તેણે પોતાના મકાનનો અમુક ભાગ ભાડે આપ્યો છે. બસ મારે વધારે કાંઈ નથી કહેવું’ જેમ તેજીને ટકોરો તેમ જયદેવને ગુન્હાની તપાસની લાઈન મળી ગઈ.
જયદેવે મૃતકની માતાની ફરિયાદ લીધી તેમાં તેના મકાનમાં કોણ ભાડે રહે છે વિગેરે હકિકતનો પણ ઉલ્લેખ કરી લીધો. આ બાજુ એફઆઈઆર પૂરી થઈ, પુનાજીએ ઈન્કવેસ્ટ પંચનામું પૂરૂ કર્યું આથી મરનાર કિશોરની લાશને હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી એફઆઈઆર પીએસઓને ગુન્હો દાખલ કરવા આપી તે હાઈવે ઉપર લોજમાં જમવા આવ્યો ત્યાં એક બીલ્ડર કોન્ટ્રાકટર પણ જમવા આવ્યા હતા હોટલના મેનેજરે આ આજના આતંકવાદી બનાવની ચર્ચા ચાલુ કરી. જયદેવે ટુંકમાં વાત કરી અને મૃતકની માતાએ મકાનનો એક ઓરડો પરપ્રાંતી ચૌહાણને આપ્યા અંગેની વાત કરતા આ વાત સાંભળતા બીલ્ડરે કહ્યું ‘અરે સાહેબ આ ચૌહાણતો અમારી ઉનાવા સાઈટ ઉપર જ કામ કરે છે. સવારનો ટીફીટ લઈને આવી જાય તે સાંજ સુધી ઉંઝા પાછો ઘેર જતો નથી. પરંતુ આજે દસેક વાગ્યે તે ઉનાવાથી ઉંઝા આવી એકાદ કલાકમાં પાછો ઉનાવા આવી ગયો હતો’
આમ જયદેવનું પોલીસ કામ પૂર્ણ થયું. સાંયોગીક પૂરાવાથી ગુન્હો ડીટેકટ થયો અને પછી કેસ ચાલતા આરોપીને જન્મટીપની સજા થઈ અને જેલમાં જ મરણ ગયેલો. પરંતુ પોલીસને જે આતંકવાદીના નામે ઉપાધી આવેલી તે પડોશી બહેન અને બીલ્ડરે માહિતી રૂપ મદદ કરતા ઉપાધી દૂર થયેલી.
આમ જો પોલીસ જનતાનો સહયોગ મેળવે અને જનતા પોલીસને સહયોગ આપે તો પોલીસ દળના મોટાભાગના કાર્યો સરળ થઈ જાય અને પરિણામ સ્વરૂપ જનતાને જ શાંતિનો અહેસાસ થાય.(ક્રમશ:)