ઘરેલુ હિંસાના કાયદામાં કયાંય ફરિયાદ માટે ‘ટાઈમ લીમીટ’ અંગે ઉલ્લેખ નથી: હાઈકોર્ટ
જુનાગઢ જિલ્લાના ગુંદાળા ગામની અમીપરા પરિવારની પુત્રવધુ જયોતિબેન અમીપરા ઘરેલુ હિંસાનો સામનો કરવો પડયો હતો. તેણીએ તેના સસરાનું ઘર ૧૪ વર્ષ પહેલા માત્ર પાંચ દિવસ રહીને છોડવાનો વારો આવ્યો હતો. જે મામલે ગુજરાત હાઈકોર્ટે ફરિયાદી જયોતિબેને તેમના સાસરીયા વિરુઘ્ધ ફરિયાદમાં ભરણપોષણ મળવાપાત્ર હોવાનો ચુકાદો સંભળાવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘરેલુ હિંસાના કાયદા હેઠળ જયોતિબેન અમીપરાએ તેમના સાસરિયા વિરુઘ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગેની સુનાવણી ૨૦૦૬ થી શ‚ કરવામાં આવી હતી. જેમાં જયોતિબેન મુળ વંથલી તાલુકાના સાંતલપુરનું સાસરીયાનું ઘર માત્ર પાંચ દિવસના લગ્નજીવન બાદ છોડયું હતું. જયોતિબેન અમિપરાના લગ્ન મહેન્દ્રભાઈ અમિપરા સાથે ૨૦૦૩માં થયા હતા. એક વર્ષ બાદ તેમણે દાખલ કરેલ અરજી ૧૨૫ની સીઆરપીસીની કલમ હેઠળ કરતા તેમને ૨૦૦૬માં ભરણ-પોષણ મળવાપાત્ર હોવાનો કોર્ટે આદેશ જાહેર કર્યો હતો.
૨૦૦૮માં જયોતિબેને ફરીથી વંથલીની કોર્ટનો દરવાજો ખટખટાવી ભરણપોષણની સાથે સાથે ઘરેલું સંપતિમાં હિસ્સો માગ્યો હતો. તેણીએ તેમના સાસરીયાપક્ષના ચાર સભ્યો ભુપતભાઈ, સવિતાબેન, આરતીબેન અને મધુબેન અમીપરા વિરુઘ્ધ ફરિયાદ કરી હતી. તેમના સાસરીયા વિરુઘ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પાછળથી દાખલ કરાયેલી ફરિયાદમાં કોર્ટ દખલ ન કરી શકે તેવી સાસરીયા પક્ષ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. નીચલી કોર્ટમાં સીઆરપીસીની કલમ ૪૬૮ હેઠળ નિષ્ફળતા મળી હતી. કારણકે જયોતિબેને એક વર્ષ સુધી ફરિયાદ ન કરી હોઈ જુનાગઢની સેશન્સ કોર્ટમાં આ અંગે ૨૦૧૩માં વાંધા અરજી રજુ કરી હતી અને આખરે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
આ કેસની સુનાવણી અંતર્ગત ન્યાયધીશ બીરેન વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્ત્રીને ઘરેલુ હિંસા મામલે સ્ત્રી ભુતકાળના લગ્નજીવન માટે પણ ભરણપોષણ મેળવવાને પાત્ર છે. આ અંગે સ્ત્રીને ફરિયાદ જયારે કરવી હોય ત્યારે કરી શકે છે અને આ અંગેના હકક ગમે ત્યારે માગી શકે છે. ઘરેલુ હિંસાના કાયદા હેઠળ કોઈ ટાઈમ-લિમીટ માટે પ્રશ્ર્ન ઉઠાવી ન શકે તેમજ વંથલીની કોર્ટમાં ચાલતા કેસ પર હાઈકોર્ટ દ્વારા જયોતિબેનની ફરિયાદના આધારે વંથલીની કોર્ટમાં નિર્ણય આવે તે પહેલા જ ‘સ્ટે’ દાખલ કરવામાં આવ્યો છે.