વર્ષ 1990માં નોંધાયેલી ફરિયાદમાં 32 વર્ષ બાદ પણ ચુકાદો નહીં આવતા સુપ્રીમે 6 માસમાં મામલાનો નિકાલ કરવા આદેશ આપ્યો
ફિલ્મ દામીનીનો એક ડાયલોગ ’તારીખ પે તારીખ’ ભારતીય ન્યાયપ્રણાલી સાથે વણાઈ ગયો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સુપ્રીમ કોર્ટ આ ઉક્તિને ન્યાયતંત્રથી દુર કરવા તરફ આગળ વધી રહ્યું છે. તારીખ પે તારીખને દૂર કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમની તમામ બેન્ચને દરરોજ 10 જામીન અરજી અને 10 ટ્રાન્સફર પિટિશનની સુનાવણી કરવા આદેશ આપ્યા છે. બંધારણીય બેન્ચ દરરોજ વધુમાં વધુ મામલાઓનો નિકાલ કરે તે દિશામાં પણ પગલાંઓ લેવામાં આવ્યા છે. દેશમાં અનેક મામલાઓ દાયકાઓથી પેન્ડિંગ છે તે તરફ હવે સુપ્રીમ કોર્ટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેવા સમયમાં સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં એક એવો મામલો સામે આવ્યો છે જે છેલ્લા ત્રણ દાયકાથી પેન્ડિંગ છે. સુપ્રીમે 6 માસમાં આ મામલાનો નિકાલ કરવા ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે.
વર્ષ 1990માં આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120બી/419/420/467/468/471/477એ હેઠળ છેતરપિંડીના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આરોપીએ ટ્રાયલ કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી. તેની સામે તેણે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેણે નીચલી અદાલતના આદેશને યથાવત રાખ્યો હતો.આપણે થોડીક વિચારણા સાથે એ નોંધવું જોઈએ કે એફઆઈઆર વર્ષ 1990 એટલે કે 32 વર્ષ પૂર્વે નોંધવામાં આવી હતી તો પણ ટ્રાયલ પૂર્ણ થઈ નથી, જસ્ટિસ સંજય કિશન કૌલ અને અભય એસ. ઓકાની સર્વોચ્ચ અદાલતની બેન્ચે આરોપી દ્વારા દાખલ કરેલી વિશેષ રજાની અરજીને ફગાવી દેતી વખતે અવલોકન કર્યું હતું.
બેન્ચે ટ્રાયલ કોર્ટને લગભગ રોજેરોજ ટ્રાયલ આગળ વધારવા અને છ મહિનાના મહત્તમ સમયગાળામાં ટ્રાયલ પૂર્ણ થાય તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો.ગયા વર્ષે જસ્ટિસ કૌલની આગેવાની હેઠળની બેન્ચે પુણેની એક કોર્ટને 26 વર્ષથી પેન્ડિંગ રહેલા પાર્ટીશનના દાવાની સુનાવણી ઝડપી કરવા નિર્દેશ આપ્યો હતો. અમે ભાગ્યે જ એવી પરિસ્થિતિની કલ્પના કરી શકીએ છીએ કે જ્યાં 26 વર્ષથી પ્રથમ તબક્કે એક દાવો પેન્ડિંગ હોય, અને અમારે અપીલ અને ત્યારપછી ઊભી થતી બીજી અપીલનો નિર્ણય લેવાનો હોય તેવુ અવલોકન કર્યું હતું.