એસસી, એસટી વર્ગને રાજકીય અનામત ૧૦ વર્ષ માટે વધારવાના કેન્દ્ર સરકારના ખરડાને ગુજરાત વિધાનસભાએ સર્વાનુમતે મંજૂરી
અંગ્રેજોના ૨૦૦ વર્ષના ગુલામીકાળ બાદ ૧૯૪૭માં આઝાદ થયેલા ભારત દેશમાં વર્ણપ્રથા, છુતાછુત, સાક્ષરતા જેવી અનેક સામાજીક અવ્યવસ્થા હતી જેથી આ કચડાયેલા પછાત વર્ગના લોકોને દેશની મુખ્યધારા સામે જોડીને સમાનતાનો હકક આપવા ભારતના બંધારણમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતી જ્ઞાતિઓને ૧૦ વર્ષ માટે અનામત આપવામાં આવ્યું હતુ. જ્ઞાતિઓને શૈક્ષણીક સંસ્થામાં પ્રવેશ અને સરકારી નોકરીમાં અને લોકસભા, વિધાનસભાની બેઠકોમાં અપાયેલા આ અનામતની દર દસ વર્ષે સમીક્ષા, કરવામાં આવે છે તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે સતત સાતમી વખત લોકસભા, વિધાનસભામાં એસસી, એસટી વર્ગ માટે રાખવામાં આવેલી અનામત બેઠકોની જોગવાઈના ખરડાને મંજુરી આપી હતી આ ખરડાને કાયદો બનાવતા પહેલા દેશના ઓછામાં ઓછા ૫૦ ટકા વિધાનસભાની મંજૂરી મળવી જરૂરી છે.જેથી ગઈકાલે ગુજરાત વિધાનસભાના એક દિવસના સત્રમાં આ ખરડાને સર્વાનુમતે મંજુરી આપવામાંઆવી છે.
બંધારણમાં એસસી, એસટી વર્ગનાં લોકોને આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ શિક્ષણ, સરકાર નોકરી, વિવિધ ચૂંટણીમાં અપાતા અનામત સામે સવર્ણોમાં સમયાંતરે રોષ ઉભો થતો રહે છે. આવી અનામતની જોગવાઈને કારણે સવર્ણોનો યોગ્ય લાયકાતવાળાઓને તક મળતી નથી જયારે પછાત વર્ગના ઓછી લાયકાતવાળાઓને તક મળી જાય છે. તેવો આક્રોશ ઉભો થતો રહે છે. પરંતુ કોઈપણ સરકારને અનામત હટાવવું પોસાઈ તેમ નથી. જેથી હવે પાટીદાર સહિત વિવિધ સર્વણ સમાજોને પણ હવે અનામતનો લાભ લેવા આંદોલનો કરવા પડે છે. અને આવા આંદોલનના નામે હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓ રાતોરાત લોકપ્રિય થઈ જાય છે. હાલની અનામતની જોગવાઈ અંગે થયેલા સર્વેમાં એવું બહાર આવ્યું છે કે હાલનો અનામતનો મહત્તમ લાભ એક વખત લાભ લઈને આગળ આવી ને સામાજીક આર્થિક સમૃધ્ધતા મેળવી ચૂકેલા એસસી, એસટી વર્ગનાં પરિવારો લે છે. જેની, એસસી, એસટી વર્ગના કરોડો પરિવારની સ્થિતિ હાલમાં પણ દયનીય છે. જેથી આવા ખરેખર જરૂરીયાતવાળા પછાત પરિવારોને ઓબીસીની જેમ ક્રીમીલેયર, નોનક્રીમીલેયર વર્ગમાં ભાગ પાડીને જરૂરીયાતમંદોને અનામતનો લાભ આપવા માંગો ઉઠવા પામી છે.
અનામત સામે આવા પ્રશ્ર્નાર્થી વચ્ચે એસસી. એસ.ટી.વર્ગને રાજકીય અનામત આપતા ૧૨૬માં બંધારણ સુધારાના વિધેયક ૨૦૧૯ને ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ સાથે જ વિધાનસભા અને સંસદમાં અનુસૂચિત જાતિ ુઅને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે વધુ દસ વર્ષ સુધી અનામત બેઠકો રાખવાનો સિલસિલો ચાલુ રહશે. તેમના પ્રતિનિધિઓને માટે ચોક્કસ બેઠકો અનામત રાખવાનુ યથાવત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંધારણના અનુચ્છેદ-આર્ટિકલ ૩૬૮ની જોગવાઈ હેઠળ આ પ્રસ્તાવ ગઈકાલે વિધાનસભામાં મૂક્યો હતો. સર્વાનુમતે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
લોકસભા અને રાજ્યસભામાં અનુક્રમે ૩૫૨ અને ૧૬૩ મતના સમર્થનથી આ વિધેયકને પસાર કરવામાં આવ્યું તે પછી દેશના કુલ રાજ્યમાંથી ૫૦ ટકા રાજ્યની વિધાનસભાઓએ પણ તેને મંજૂરી આપવી જરૂરી છે વિધાનસભા એક દિવસનુ વિશેષ સત્રમાં આ વિધેયકને મંજૂરી આપી દેવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની ભૂમિકા બાંધતા જણાવ્યુ ંહતું કે આ વ્યવસ્થા દાખલ કરવામાં આવી ત્યારે માત્ર ૧૦ વર્ષ માટે જ આ વ્યવસથાને અમલમાં મૂકવાની શરત રાખવામાં આવી હતી.
સમાજમાં પ્રવર્તતા અસ્પૃષ્યતા સહિતના અનેકવિધ દૂષણોને દૂર કરવા માટે આ વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ દૂષણો આજેય આપણે પૂર્ણપણે દૂર કરી શક્યા ન હોવાથી આ વ્યવસ્થાને સતત સાત દાયકા સુધી અને આજે આઠમા દાયકા માટે લંબાવવાની ફરજ પડી રહી છે. આ વ્યવસ્થા ૨૦૩૦ સુધી અમલમાં રહેશે.રૂપાણીઓ વધુમાં જણાવ્યું હતુ કે આઝાદીના ૭૫ વર્ષ પછીય સમાજમાં સહુને સ્વીકારીને આગળ વધવાની માનસિકતા આવી નથી. જોકે આર્થિક રીતે પછાત વર્ગની પ્રજા માટે અનામતની વ્યવસ્થા લાવીને પરિસ્થિમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ તેમની કેન્દ્ર સરકારે કર્યો છે.
આ ખરડો અંગે પ્રતિભાવ આપતા ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુંક આપણે સંવિધાન સુધારા વિધેયકને સમર્થન આપવા એકઠાં થયા છીએ પરંતુ એસ.સી.-અનુસૂચિત જાતિ, એસ.ટી-અનુસૂચિત જનજાતિ અને ઓબીસી-અન્ય પછાત વર્ગની પ્રજાને તેમના અધિકારો મળતા નથી. આ વર્તમાન સમાજની એક મોટામાં મોટી કઠણાઈ છે.
ખરડા અંગે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અનિલ જોષીયારાએ કહ્યું હતું કે રાજકીય અનામત માટેનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર તો થઈ રહ્યો છે, પરંતુ તેમના વિકાસના કામ થતાં નથી. તેમના કાર્યક્ષેત્રોનો વિકાસ થતો નથી. ટ્રાયબલ સબપ્લાનનો અમલ થતો નથી. આ પ્લાનનો સંપૂર્ણ અમલ કરવામાં આવે તો જ અનમતની જરૂર પડશે નહિ.