5 જૂન સુધીમાં બાકી રહેલા ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી

રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં એગ્રીકલ્ચરના 978 ફીડરો બંધ, તમામને વહેલી તકે ચાલુ કરવા રાઉન્ડ ધ કલોક કામગીરી કરતા વીજકર્મીઓ

અબતક, રાજકોટ : સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાએ સૌથી વધુ પીજીવિસીએલને નુકસાન કર્યું છે. સેંકડો ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પીજીવીસીએલને કરોડો રૂપિયાનું નુકસાન પણ સહન કરવું પડ્યું હતું. વાવાઝોડાના 14 દિવસ બાદ પણ 154 ગામોમાં વીજ પૂવરઠો ખોરવાયેલી હાલતમાં છે. જ્યાં 4 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવા પીજીવીસીએલના કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડું આવ્યાને 14 દિવસ થવા છતાં હજુ 154 ગામડાંમાં વીજળી ગુલ હોવાને કારણે અંધારપટ છવાયેલો છે. આ ગામડાંના લોકોને લાઈટ ન હોવાથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બાઈકની બેટરીમાંથી એકસાથે બેથી વધુ મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઉના, ગીરગઢડા, જાફરાબાદ સહિતનાં ગામોમાં પણ લોકો બાઈકની બેટરીમાંથી અથવા નજીકનાં જે ગામોમાં જનરેટર મુકાયાં છે ત્યાં જઈને પોતાના મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. ગ્રામજનો કહે છે કે બાઈકની બેટરીમાંથી ડીસી ચાર્જરના પ્લસ અને માઈનસ પોઈન્ટ બેટરી સાથે કનેક્ટ કરવાથી મોબાઈલ ચાર્જ કરી શકાય છે.

તાઉતે વાવાઝોડાના કારણે અમરેલી સર્કલ હેઠળના 154 ગામોમાં વીજપૂવરઠો ખોરવાયેલી હાલતમાં છે. આ સાથે  એગ્રીકલ્ચર ફીડરમાં રાજકોટ ગ્રામ્યના146 ફીડર, જૂનાગઢના 97 ફીડર, ભાવનગરના 233 ફીડર, અમરેલીના 500 ફીડર, સુરેન્દ્રનગરના 2 ફીડર મળી કુલ 978 ફીડર બંધ હાલતમાં છે. જ્યોતિગ્રામમાં અમરેલીના 53 ફીડર બંધ છે. આ ઉપરાંત પોલ ડેમેજની વિગતો જોઈએ તો રાજકોટ ગ્રામયમાં 3004, જૂનાગઢમાં 6953, ભાવનગરમાં 6808, બોટાદમાં 2086, અમરેલીમાં 49,486 અને સુરેન્દ્રનગરમાં 560 મળી કુલ 68897 વીજ પોલ ડેમેજ છે.

પીજીવીસીએલમાંથી મળતી વિગત અનુસાર ગઈકાલે સાંજ સુધીમાં 191 ગામોમાં વીજપુરવઠો ખોરવાયેલી હાલતમાં હતો પણ સવારે આ આંકડો 154એ પહોંચી ગયો છે. આ 154 ગામોમાં 5 જૂન સુધીમાં વીજ પુવરઠો પૂર્વવત કરવા પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે એગ્રીકલ્ચરના જે ફીડરો બંધ છે.તે પણ વહેલામાં વહેલી તકે શરૂ કરવા વીજ કર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.