દરેક તાલુકા મથકે પડેલા વૃક્ષો અને બંધ થયેલા રોડ રસ્તા ક્લિયર કરાવવા આર એન્ડ બી તથા ફોરેસ્ટની ટિમ તૈનાત : 759 હોસ્પિટલો સજ્જ
બિપરજોય વાવાઝોડાને પગલે રાજકોટ જિલ્લામાં 7 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત વાવાઝોડાની વધુ અસરને પગલે જો જાન હાનિ થાય તો તેના માટે 50 મેડિકલ ટિમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં બીપરજોય વાવાઝોડાની આજે સાંજથી અસર શરૂ થાય તેવી શકયતા છે. જેને પગલે ભારે પવન અને ભારે વરસાદ પડી શકે છે. ત્યારે જાનમાલની શક્ય તેટલી ઓછી નુકસાની થાય તે માટે તંત્ર એલર્ટ મોડ ઉપર કામ કરી રહ્યું છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે.
આ માટે જિલ્લા કલેકટર દ્વારા ડિઝાસ્ટર પ્લાનને આધારે જિલ્લામાં તમામ આગમચેતીના પગલાઓ લઈ લીધા છે. પ્રથમ તો નીચાણવાળા વિસ્તારો તથા કાચા મકાનમાં રહેતા 7 હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વધુમાં જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે દરેક તાલુકા મથક ખાતે કંટ્રોલ રૂમ ધમધમી રહ્યા છે. ઉપરાંત તાલુકા મથકે રોડ રસ્તા ખુલ્લા કરાવવા તથા પડેલા વૃક્ષોનો નિકાલ કરવા અર્થે આર એન્ડ બી અને ફોરેસ્ટ વિભાગને તૈનાત કરવામાં આવ્યા છે.
વધુમાં જિલ્લામાં 759 હોસ્પિટલો સજ્જ રાખવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય સેવા માટે 54 ટિમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ઉપરાંત જિલ્લામાં એક મલ્ટી નેશનલ રેસ્ક્યુ ટિમ પણ તૈનાત રાખવામાં આવી છે અને સાથે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 100 સફાઈ કામદારોની ફૌજ પણ તૈયાર રાખવામાં આવી છે.
ક્યા તાલુકામાંથી કેટલા લોકોનું સ્થળાંતર ?
- ધોરાજી – 325
- ગોંડલ – 1007
- જામકંડોરણા – 310
- જસદણ- 395
- જેતપુર – 1200
- કોટડા સાંગાણી – 350
- લોધિકા -260
- પડધરી – 560
- રાજકોટ -240
- ઉપલેટા – 730
- વીંછીયા – 130
કંટ્રોલ રૂમમાં વૃક્ષ પડયાની ફરિયાદોનો મારો ચાલ્યો
રાજકોટ જિલ્લામાં ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને પગલે કંટ્રોલ રૂમમાં વૃક્ષ પડવાની ઢગલાબંધ ફરિયાદો મળી. કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી વિગત અનુસાર મોટાભાગની ફરિયાદ શહેરમાંથી મળી છે. આ ઉપરાંત જામકંડોરણાના ચાવડી ગામે એક ટીસીમાં શોર્ટ સર્કિટ થતા બળદનું મોત થયું હતું.