અધિકારીઓને જવાબદારી ફાળવી દેવાય: નિચાણવાળા વિસ્તારોમાં સતત ફેરણી
બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીરૂપે સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ આજે ત્રણેય ઝોન કચેરીઓ અને તમામ વોર્ડ ઓફિસો 24 કલાક ચાલુ રાખવા તથા સંબંધિત અધિકારીઓ / કર્મચારીઓને ફરજ સોંપવા હુકમ કર્યા છે.
અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિવિધ કામગીરી જેવી કે લોકોનું સ્થળાંતર, હોર્ડિંગ / બેનરો ઉતારવા, આશ્રયસ્થાનો અને સ્કૂલો ખાતે સ્થળાંતરિત કરાયેલો નાગરિકો માટે મધ્યાહન ભોજન કિચન અને સેવાકીય સંસ્થાઓ મારફત ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, સ્વાસ્થ્ય ચકાસણીની વ્યવસ્થા, બાંધકામ સાઈટો બંધ કરાવી શ્રમિકોનું સ્થળાંતર કરાવવું, ધરાશાયી થયેલ વૃક્ષોનું ટ્રીમીંગ કરી વૃક્ષ હટાવવું, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા સતત લોકોને એનાઉન્સમેન્ટ કરી જાણકારી આપવી વિગેરેની સમીક્ષા કરવામાં આવી હતી.
કુલ 1552 અસરગ્રસ્તોનું મહાનગરપાલિકાની સિટી બસ મારફત નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવેલ છે તેમજ આ લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા હાલ 6427 બોર્ડ / બેનરો ઉતારી લેવામાં આવ્યા છે અને 227 જેટલા હોર્ડિંગ જે-તે એજન્સી મારફત ઉતરાવી લેવામાં આવ્યા છે અને હાલ પણ આ કામગીરી ગતિવંત છે. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરની 483 ક્ધસ્ટ્રકશન સાઈટ ખાતે બે દિવસ બાંધકામ કામગીરી બંધ રાખવા સુચના આપવામાં આવી છે
તેમજ બાંધકામ કામગીરી કરતા શ્રમિકોને જરૂરિયાત જણાય તો સલામત સ્થળે લઈ જવા અને ભોજનની વ્યવસ્થા કરી આપવા પણ સુચના આપેલ છે. બાંધકામ સાઈટ ખાતેના બોર્ડ બેનરો તેમજ બાંધકામના માચડા ઉતારી લેવા જણાવવામાં આવેલ છે. ગાર્ડન શાખા દ્વારા ભયગ્રસ્ત કુલ 191 વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે તેમજ ભારે પવનને કારણે 36 વૃક્ષો ધરાશાયી થયા હતા રસ્તા પરથી તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.