શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્સ પાસે વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં 25થી વધુ લોકોને ઇજા થવા પામી છે. જે પૈકી ચાર ઇજાગ્રસ્તોની હાલત નાજુક છે. આ ઘટના બાદ તકેદારીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા તાત્કાલીક અસરથી શિવમ કોમ્પ્લેક્સ-1 અને કોમ્પ્લેક્સ-2 ખાલી કરાવી દેવામાં આવ્યા છે. એશોસિએશનને સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ કરવા માટે કોર્પોરેશન દ્વારા તાકીદ કરવામાં આવી છે.
14 વોંકળાઓ પરના બાંધકામની મજબૂતાઇ ચકાસવાનો આદેશ આપતા પદાધિકારીઓ
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોકમાં શિવ ડેવલોપર્સ દ્વારા 37 વર્ષ પૂર્વે ટીપી શાખાની મંજૂરી લઇ બે કોમર્શિયલ બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ 14 વોંકળાઓ પર સ્લેબ બનાવી બાંધકામની મંજૂરી આપવામાં આવી છે અને વોંકળાનું વેંચાણ જાહેર હરાજી કરી આપવામાં આવ્યું છે. ગઇકાલે વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ તકેદારીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા આજે શિવમ કોમ્પ્લેક્સ-1 અને 2 ની તમામ ઓફિસો ખાલી કરાવવામાં આવી છે. સાથોસાથ બંને બિલ્ડીંગના એશોસિએશનને તાત્કાલીક અસરથી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ બિલ્ડીંગનું બાંધકામ કે પિલર નબળા નથી. માત્ર વોંકળા પરના સ્લેબનું બાંધકામ જુનું હોવાના કારણે ધરાશાયી થયું હોવાનું અનુમાન છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 14 વોંકળાઓ પર બાંધકામ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન ટીપી શાખાને આ તમામ 14એ વોંકળા પરની મિલકતોની મજબૂતાઇ તપાસવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થયાની ઘટના બાદ વોર્ડ નં.3ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આશવાણીએ મ્યુનિ.કમિશનરને પત્ર લખી શહેરભરના વોંકળા પર ભરતી-ભરણી માટે અપાયેલી જમીનની વિજીલન્સ તપાસ કરાવવા માટેની માંગણી કરી છે.
વર્તમાન પદાધિકારીઓને બદલે મુખ્યમંત્રીએ પૂર્વ મેયર પાસેથી જાણી વિગતો
સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કોર્પોરેશનના વર્તમાન પદાધિકારીઓ પાસેથી વિગતો મેળવવાને બદલે પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ સાથે ટેલીફોનિક ચર્ચા કરી હતી. પાંચ મિનિટ સુધી મોબાઇલ પર વાત કરી તેઓએ સમગ્ર ઘટના અંગે ઝીણવટ પૂર્વકની માહિતી મેળવી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ છે કે કેમ? ઇજાગ્રસ્તોની હાલત અંગે પણ જાણકારી મેળવી હતી. સામાન્ય રીતે સીએમ વર્તમાન પદાધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવતા હોય છે પરંતુ મેયર સહિતના વર્તમાન પદાધિકારીઓને હજુ માંડ એક પખવાડીયું થયું હોય તેઓ સીએમ સાથે કોઇ સંપર્ક ધરાવતા ન હોવાના કારણે પૂર્વ મેયર પાસેથી માહિતી મેળવી હતી.