વસુધૈવ કુટુંબકમનો ભારતનો નાદ વિશ્વ સમજી શકશે?
સૌરાષ્ટ્રના રાજવીએ માનવતા ખાતર યુરોપિયન દેશનું આટલું બધું રાખ્યું, છતાં યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓની યુરોપિયન દેશોએ મદદ ન કરી
બીજા વિશ્વ યુદ્ધમાં ખેદાન-મેદાન થઈ ગયેલા પોલેન્ડના નિરાધાર 640 જેટલા બાળકોને અનેક દેશોએ શરણ આપવાની ના પાડી દીધી પણ જામનગરના રાજવી દિગ્વિજયસિંહજીએ ન માત્ર શરણ આપી પણ પોતાના સ્ટેટમાં બાળકો માટે મીની પોલેન્ડ ઉભું કરી દીધું
અબતક, રાજકોટ
પારકા દેશ પોલેન્ડના અનાથ બાળકોને જયારે દુનિયાનો કોઈ દેશ રાખવા તૈયાર ના હતો ત્યારે જામસાહેબે ભાતીગળ ભાઈચારાનો બેનમૂન દાખલો બેસાડ્યો હતો. બ્રિટિશ સરકારની સાડાબારી રાખ્યા વગર બાપુએ પોલેન્ડમાં માં-બાપ વિહોણા લાચાર બની ગયેલા 640 જેટલા બાળકોને પોતાના રાજ્યમાં 9 વર્ષ સુધી આશરો આપ્યો હતો. એમની સંસ્કૃતિ ને અભડાવ્યાં વગર લાલન પાલન કર્યું હતું. “મુંઝાશો નહિ હવે તમે અનાથ નથી” નવાનગર ના નિવાસીઓ છો. તમારી રક્ષા કરવા આ બાપુ જીવતો જાગતો બેઠો છે. તેવા શબ્દો જામસાહેબના હતા. આમ સૌરાષ્ટ્રના રાજવીએ માનવતા ખાતર યુરોપિયન દેશનું આટલું બધુ રાખ્યું.છતાં યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓની યુરોપિયન દેશોએ મદદ ન કરી.
બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડમાં તબાહી મચી ત્યારે લોહીના આંસુ એ રડતા બાળકોને એક વહાણમા બેસાડીને રવાના કરી દેવામાં આવ્યા. પણ ક્યાં જવું, ક્યાં થોભવું, ક્યાં રહેશુ કશુજ નિશ્ચિત ના હતુ. વહાણ ચાલકને એટલુંજ કહેવામા આવ્યુ દુનિયાના જે દેશ મા જવુ હોય જાવ જે ખૂણામાં જવું હોય જાવ જ્યાં આશરો મળે ત્યાં હંકારી મુકો.વહાણ તુર્કી જઈ પહોંચ્યું. તુર્કીએ શરણ આપવાની ઘસીને ના પાડી દીધી.ઈરાને પણ આશરો આપવાની ના પાડી એવામાં આ સમાચાર નવા નગરના રાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજા ના કાને પહોંચ્યા.
એ સમયે સોરઠ ના જામનગરને નવા નગરના નામ થી ઓળખવામાં આવતુ હતુ. બાપુએ કમર કસી અને બાળકોને પોતાના રજવાડામાં આશરો આપવાનો પ્રસ્તાવ મુક્યો. ઉત્તરાયણ ની આજુબાજુના દિવસમા જહાજ જામનગર ના રોજી બંદરે આવી પહોંચ્યું. મહારાજે ખુદ બાળકોની આગતા સ્વાગતા કરી. મોટાભાગના બાળકોને છેલ્લા એક મહિના થી સરખું ખાવાનુ મળ્યું નહતુ આથી શરીર હાડપીંજર થઇ ગયા હતા આંખો ઊંડી ઉતરી ગઈ હતી કેટલાક તો સાવ અશક્ત અને બીમાર થઇ ગયા હતા. બાપુનો ઉષ્માભર્યો અતિથિભવ જોઈને એમને તો જાણે ભગવાન મળ્યા! કપડાંની વ્યવસ્થા કરવામાં આવી રાજમહેલમા ઉતારો આપવામાં આવ્યો.
લાંબા સમય સુધી રહી શકે તે માટે પાકુ મકાન, શાળા, મેદાન તેમજ ભોજનની વ્યવસ્થા બહુ ટૂંકા સમયમાં કરી દીધી. બાપુ જ્યાં ઉનાળા દરમિયાન રહેતા હતા એ બાલાચડીની જગ્યા ખાલી કરી આપી. મહારાજ એ શાળા ઉપરાંત ફૂટબોલ, ટેનિસ, સ્વિમિંગ, લાઈબ્રેરી, સંગીત ની વ્યવસ્થા કરી આપી. પોલેન્ડ ભાષાના જાણકાર કેથોલિક પાદરીને રોકી તેમની ધાર્મિક શિક્ષણ ની સગવડ કરી આપી. બાલાચડીમા રંગે ચંગે પોલેન્ડ ના તહેવારો ઉજવાતા. રંગોળી હરીફાઈ અને વેશભૂસાના કાર્યક્રમો યોજાતા. એક વાર બાપુને ખબર પડી કે બાળકોને પાલક નુ શાક અને ભારતીય વાનગી માકફ નથી આવતી બાળકો ભૂખ્યા રહે છે. બાપુએ તાત્કાલિક ગોવા થી રસોયા તેડાવ્યા અને તેમના ભાવતા ભોજન નુ મેનુ બનાવ્યું. બાપુના માનવતાવાદી કાર્ય ની નોંધ સમગ્ર વિશ્વ એ લીધી બ્રિટિશરો ને આ ગમ્યું નહિ એટલે એ લોકો હવન મા હાડકા ન નાખે એટલે બાપુ એ બધા બાળકોને દત્તક લઇ લીધા અને લખાણ કરાવી નાખ્યું.
બીજું વિશ્વયુદ્ધ સત્તાવાર રીતે પૂર્ણ થયું તેના થોડા સમય પછી અહીંથી બાળકો અને યુવાનોને પોતાના દેશમાં અને અન્ય દેશોમાં જ્યાં તેમના સગા હોય ત્યાં મોકલવાની વ્યવસ્થા કરાઈ. મહારાજ પોતે રેલ્વે સ્ટેશન સુધી વળાવવા ગયા.