જામનગર સમાચાર
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી. એ. શાહના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હૉલ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે આગામી તા.૪-૧૧-૨૦૨૩, તા.૫-૧૧-૨૦૨૩, તા.૨-૧૨-૨૦૨૩ તથા ૩-૧૨-૨૦૨૩ને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે દિવસોએ તમામ મતદાન મથકો ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજે પ:૦૦ વાગ્યા સુઘીમાં નાગરિકો બી.એલ.ઓ.ને રૂબરૂ ફોર્મ ભરી જમા કરાવી શકાશે.
કલેક્ટરએ જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને લઈને ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ સમરી રિવિઝન ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૨૭ ઓક્ટોબરથી શરુ થયો છે. જે તા.૯ ડિસેમ્બર સુઘી ચાલશે. તા.૧-૧-૨૦૨૪ નીં લાયકાતના સંદર્ભમાં જેનો જ્ન્મ તા.૧-૧-૨૦૦૬ અથવા તેની પહેલાની કોઇ પણ તારીખે થયો હોય તે તમામ યુવાઓ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે. કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે લોકોને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે જાણકારી મળી રહે અને વધુમાં વધુ લોકો મતદાર યાદીમાં નામ નોંધણી, કમી કે સુધારા કરવી શકે તે અંગે લોકોને માહિતી પહોંચી શકે તે માટે મીડિયાની ભૂમિકા મહત્વની છે.
હાલની સ્થિતિએ ડ્રાફ્ટ રોલ-૨૦૨૩ મુજબ જામનગર જિલ્લામાં કુલ ૧૧,૯૬,૫૪૯ મતદારો નોંધાયા છે. જે પૈકી ૬,૧૪,૮૦૦ પુરુષ મતદારો, ૫,૮૧,૭૩૫ સ્ત્રી મતદારો અને અન્ય ૧૪ મતદારો નોંધાયા છે.
મતદારયાદીમાં તમારું નામ દાખલ કરવા, કમી કરવા કે વિગતો સુઘારા માટે અરજી કરી શકાશે. મતદારયાદીમાં પ્રથમ વખત જ નામ દાખલ કરી નવા મતદાર તરીકે નામ નોંઘણી કરવા માટે ફોર્મ નં.૬, મતદારયાદીમાંથી મૃત્યુના કારણે નામ કમી કરાવવા કે નવા દાખલ કરનાર નામ સામે વાંઘો લેવા માટે ફોર્મ નં. ૭, રહેઠાણનું સ્થળાંતર, મતદારયાદીની વિગતોમાં સુઘારા માટે, જુનું EPIC બદલાવવા માટે કે દિવ્યાંગ મતદાર તરીકે નોંઘ કરાવવા માટે ફોર્મ નં.૮ ભરી શકો છો. તેમજ ચૂંટણીકાર્ડ સાથે આઘાર કાર્ડ લિંક કરવા માટે ફોર્મ નં.૬-ખ ભરી શકો છો.
મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા Voter Helpline Moblie Appથી, www.nvsp.in , તથા www.voterportal.eci.gov.in, www.voters.eci.in વેબસાઈટ દ્વારા ઘરબેઠાં ઓનલાઈન જ ફોર્મ ભરી શકાશે. જામનગર જિલ્લામાં લાયકાત ધરાવતા તમામ યુવાઓ પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરે તે માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. છેલ્લે વસતિ ગણતરી 2011માં થઈ હતી. તે પછી સતાવાર આંકડા કયારેય જાહેર થયા નથી. કાલે આ પત્રકાર પરિષદમાં જામનગર જિલ્લાની વસતિનો સતાવાર પરંતુ અંદાજિત આંકડો જાહેર કરવામાં આવ્યો જે અનુસાર, જિલ્લાની કુલ અંદાજિત વસતિ 18,42,575 છે.પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વગેરે હાજર રહ્યા હતા.