અખબારના માલિક તરીકે ઓળખ આપતા અશોક જોષી સહિત ચાર સામે બોગસ સાટાખત તૈયાર કરી કૌભાંડ આચર્યુ: જમીન માલિકનો વિશ્ર્વાસ કેળવી ભેજાબાજે બોગસ સાટાખત ઉભુ કરી ષડયંત્ર આચર્યુ: એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે તપાસ આદરી
શહેરની ભાગોળે આવેલા કુવાડવા નજીકના કુચીયાદડની કરોડોની કિંમતની જમીનનો હેતુ ફેર કરવા આપેલા ડોકયુમેનના આધારે બોગસ સાટાખત તૈયાર કરી જમીન કૌભાંડ આચર્યાની એસ્ટેટ બ્રોકર અને અખબારના માલિક તરીકે ઓળખ આપતા અશોક જોષી સહિત ચાર સામે પોલીસમાં ફરીયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. અનેક જમીન વિવાદમાં સંડોવાયેલા મનાતા જમીન-મકાનના ધંધાર્થી અશોક જોષી સહિત ચારેય શખ્સોની એરપોર્ટ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ફરિયાદની વિગતો મુજબ કુચિયાદડ ગામ રેવન્યુ સર્વેના 805 પૈકીની બીનખેતી 63,223 ચોરસ મીટર જમીન વાણિજ્ય હેતુની જમીન ઈન્દ્રજીતસિંહ રાણા પાસેથી તા.26-4-2010ના રોજ નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા અને બહેનવૈશાલીબાના નામે ખરીદ કરાઈ હતી. જમીન ઔદ્યોગિક હેતુ માટે હેતુફેર કરવાની હતી જેથી જમીન- મકાન લે-વેચનું કામ કરતા અશોક દલસુખભાઈ જોષીને વાત કરેલી અને જમીન માલિક વૈશાલીબાએ તેમના પિતા મહેન્દ્રસિંહ જાડેજાને પાવર ઓફ એટર્ની અને અન્ય ડોકયુમેન્ટસ અશોક જોષીને કરી આપ્યા હતા. અશોક જોષી દ્વારા કામગીરી માટે 50 લાખ જેવો ખર્ચ થશે જે-તે સમયે 30 લાખ રૂપિયા અશોક જોષીને રોકડા આપ્યા હતા. અશોકે જણાવ્યું કે, કલેકટર કચેરીનો જે હુકમ થશે તે હુકમ મુજબના રૂપિયા તમારે ચૂકવવાના રહેશો નક્કી થયા મુજબ જમીન બીનખેતી થતાં સરકારમાં 17,70,244 રૂપિયા ભરવાનો હુકમ થયો હતો. અશોકે કહ્યું કે 20 લાખ રૂપિયા જેવો વહીવટ ખર્ચ થયો છે.
જયારે 10 લાખ રૂપિયા પોતાની પાસે પડયા છે તે મહેન્દ્રસિંહના બેન્ક ખાતામાં જમા કરાવી આપુ કહી બીનખેતીના હુકમ પહેલા 10 લાખ રૂપિયા આરટીજીએસથી અશોકે તા.4-7-16ના રોજ મહેન્દ્રસિંહના અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બીનખેતી સરકારના હુકમના ભરવાના થતાં 17,70,244 રૂપિયા તા.11-7-16ના રોજ મહેન્દ્રસિંહના એકાઉન્ટમાંથી ચેક મારફતે ચૂકવાયા હતા અને જમીન ઔદ્યોગિક હેતુ માટેની બીનખેતી થઈ હતી. બીનખેતી થયાના પાંચ માસ બાદ અશોક દ્વારા એડવોકેટ મારફતે 20- 12-17ના રોજ કરારનામા પાલન અંગેની લીગલ નોટિસ મોકલાઇ ત્યારે વળતી નોટિસથી કોઈ કરારનામા કરાયા નથી જેના પરથી ખ્યાલ આવ્યો કેજમીનના અશોક જોષીએ બોગસ સાટાખત કરાર ઉભા કર્યા છે.
કૌભાંડમાં નયનાબા એમ.જાડેજાનાં નામનો 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર ખરીદનાર તરીકે ફરીદનું નામ હતું. સાટાખત કરારમાં વેચનાર તરીકે વૈશાલીબા મહેન્દ્રસિંહ જાડેજાના ફોટા, સહી કે અંગુઠાના નિશાન નહોતા. કુલમુખત્યાર મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ આવો કોઈ સાટાખત કરાર કરાયો નહોતો. સાટાખત કરારમાં એફ.એચ. પઠાણ તથા વાળા ભગીરથસિંહના નામની સાક્ષી તરીકે સહીઓ કરાઈ હતી મહેન્દ્રસિંહ અને નયનાબાની ભળતી સહીઓ કરાઈ હતી. સાટાખત કરારમાં 30 લાખ રૂપિયા રોકડા મળી ગયાનો ઉલ્લેખ કરાયો હતો. કરારમાં વેચનાર તરીકે ફકત એક વ્યક્તિની સહી કરાઈ હતી. સહિતના આરોપો ફરિયાદમાં મુકાયા છે. તપાસ એરપોર્ટ પોલીસે હાથ ધરી છે. અશોક જોષી અગાઉ પણ વિવાદમાં આવી ચૂકયાનું જાણવા મળે છે.