એસોસિએશન સ્થાપવાના મુખ્ય ઉદેશ અંગે પત્રકાર પરિષદમાં અપાઈ માહિતી
ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશન ઓફ રાજકોટની સ્થાપના કરવામાં આવી છે. એસોસિએશનનો મુખ્ય હેતુ અને ઉદેશ્ય રાજકોટ શહેર સ્થિત રેસ્ટોરન્ટનાં ઓપરેટર/માલિકને આ એસોસિએશનમાં સમાવેશ કરી, તેમની રોજિંદા ધંધાકીય સમસ્યાઓને ધ્યાનમાં લેવામાં આવશે અને તે સમસ્યાનું યોગ્ય નિવારણ થાય એ સંદર્ભમાં યોગ્ય સલાહ, સુચન અને માર્ગદર્શન આપવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં હોદેદારોએ જણાવ્યું હતું.
ફુડ એન્ડ બેવરેજ એસોસિએશન રાજકોટનાં પ્રેસિડેન્ટ તરીકે શેખર મેહતા, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નંદન પોબારૂ, સેક્રેટરી તરીકે મેહુલ કોટેચા, ટ્રેઝરર તરીકે ઝોહર ભારમલ જયારે કમિટી મેમ્બર્સમાં વિશાલ રૂધાણી, નકુલ કાથરોટીયા, વિરલ નથવાણી અને જયુલ મકવાણાનો સમાવેશ કરાયો છે. શહેર ખાતે ધરાવતા તમામ રેસ્ટોરન્ટ માલિક/ઓપરેટરને આ એસોસિએશન સાથે જોડાવવા હાર્દિક આમંત્રણ છે. નિર્ધારિત ફોર્મ ફીસ અને મેમ્બરશિપ ફીસ ચુકવી, વેપારી મિત્રો આ એસોસિએશનમાં મેમ્બર તરીકે જોડાઈ શકશે. વધુ માહિતી માટે ઉપરોકત કારોબારીનાં સભ્યનો સંપર્ક કરી શકશે.
એસોસિએશનનો મુખ્ય હેતુ દરેક નાના, મધ્યમ તથા મોટા રેસ્ટોરન્ટનાં વેપારીઓને એક સાથે સંગઠિત કરી કોમન પ્લેટફોર્મ પર ભેગા કરવા, એફએસએસએઆઈ તથા અન્ય બોડીનાં રૂલ્સ અને રેગ્યુલેશન્સથી મેમ્બર્સને પરિચિત કરવા અને યોગ્ય રીતે પાલન થઈ શકે તેનું માર્ગદર્શન આપવું જેથી કરી ફુડ ઈન્ડસ્ટ્રીને સ્ટાન્ડરડાયઝડ કરી શકાય. મેમ્બર્સને પોતાનો બિઝનેસ વધુ સારી રીતે કરી શકે તે માટે સમયાંતરે બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સેમિનારનું આયોજન કરવું. શરૂઆતની મીટીંગોમાં ધંધામાં પડતી તકલીફોનું કોમન લિસ્ટ બનાવવામાં આવશે અને સહુ ભેગા મળીને તકલીફોનું નિરાકરણ કઈ રીતે થઈ શકે એ અંગે એસોસિએશન કામ કરશે. ઓનલાઈન સોશિયલ મીડિયા કે અન્ય ડિજિટલ મીડિયા દ્વારા ગ્રાહકો રીવ્યુ આપતા રહે છે, રીવ્યુ આપવાનો હકક કોઈપણને હોય પરંતુ કોઈ રેસ્ટોરન્ટનાં રીવ્યુ સાથે જે રીતે ગ્રાહકો અભદ્ર ભાષા કે ટીપ્પણી કરતા રહેતા હોય તો એવા સંજોગોમાં પડતી તકલીફોનું નિરાકરણ કરવાનો છે.