ગણપતિ આયો બાપ્પા રિદ્ધિ સિદ્ધિ લાયો…
બેન્ડવાજા, આતશબાજી અને વિવિધ કાર્યક્રમો સાથે દુંદાળા દેવનું આગમન
આજથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. દુંદાળા દેવનું ઠેર ઠેર સ્થાપન કરવામાં આવશે. ગણેશચતુર્થીથી શહેરો, ગામોમાં ચોક ચોકે ગણપતિ સ્થાપન થશે. અધભૂત સાજ સજાવટ સાથેના પંડાલોનાં વાજતે ગાજતે અબિલ ગુલાલની છોળો વચ્ચે વિઘ્નહર્તાનું દબદબાભેર સ્થાપન થશે. દિવસભર ગણપતિ બાપા મોરીયાનો નાદ ગુજશે તથા લોકો ગણેશ ભકિતમાં લીન બનશે. અસંખ્ય પરિવારો પણ પોતાના ઘરોમાં ગણેશ સ્થાપના કરશે.
ભગવાન ગણેશ બાળકોનાં અતિપ્રિય છે. અને બાળકો પણ તેમના જન્મદિવસે અતિ ઉત્સાહીત છે. બાળકોનાં પ્રિય ફેન્ડ ગણેશાના જન્મદિવસે તેમનું સ્થાપન કરવા બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવનો પ્રારંભ થતા જ સમગ્ર શહેર ગણપતિ દાદાની ભકિતના રંગે રંગાઈ જશે. ઠેર ઠેર ગણેશ સ્થાપનાના ભવ્ય પંડાલો, અદભૂત રોશની અને વિવિધ થીમ પર આધારીત પંડાલો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સાથે જ ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજીક સદભાવનાના કાર્યક્રમોનું પણ આ ૧૦ દિવસ દરમિયાન આયોજન કરવામાં આવશે. પ્રથમ પૂ. શ્રી ગણેશના આગમનને પગલે મેઘરાજા પણ મનમૂકીને વરસી રહ્યા છે. ગણેશ નિષ્કપટતા,વવેકશીલતા, અબોધતા તેમજ નિષ્કલંકતા પ્રદાન કરનાર દેવતા છે. ગણપતિ દાદાને લાડુ અતિપ્રિય છે. અને બાળકોને પણ લાડુ ખૂબજ પ્રિય હોય છે. માટે ગણપતિ બાપાને રીઝવવા અવનવા લાડુ કે મોદકનો ભોગ ધરાય છે. પૌરાણીક કથા પ્રમાણે દાદાની પેટની અગ્નિ શાંત કરવા તેમને દુર્વા ચઢાવવામાં આવી માટે આ પર્વમાં દુર્વા ચઢાવવામાં આવે તો ગણપતિબાપાક રાજી થાય છે અને જીવનમાં શાંતીનો સંચાર થાય છે.