અમદાવાદ માટે આજનો દિવસ બહુ મહત્વનો છે. આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. 26 ફેબ્રુઆરી 1411માં અમદાવાદની સ્થાપના થઈ હતી. અમદાવાદના 614 દિવસ પર માણેકનાથ મંદિર પર ધજા ચડાવવામાં આવશે. પ્રથમ ઇંટ મુકાઈ ત્યાંં માણેક બુરજ પર માણેક બૂરજના વંશજ દ્વારા જ અમદાવાદની આરતી કરવામાં આવશે. અમદાવાદ આજે 614મા સ્થાપના દિવસની ધૂમધામથી ઉજવણી કરી રહ્યું છે. આજનો દિવસ અમદાવાદ માટે વધુ મહત્વનો છે કારણ કે આજે મહાશિવરાત્રી પર્વની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. ઘણા વર્ષો બાદ અમદાવાદમાં નગર દેવી ભદ્રકાળીનુ ભવ્ય નગરયાત્રાનું આયોજન હાથ ધરાયું છે.
6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે કાંકરિયા-લક્કડિયો પુલ અમદાવાદની ઓળખ ગણાતા અને હવે રિવરફ્રન્ટ-અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ આજે મોલ કલ્ચરમાં તબદીલ થયું છે.
કેવી રીતે પડ્યું અમદાવાદ નામ
અમદાવાદ પહેલા કર્ણાવતી નગર કહેવાતું હતું. અને કર્ણાવતીમાંથી કેવી રીતે અમદાવાદ નામ બદલાયું તેને લઈને અનેક લોકવાયકા છે. અમદાવાદને લઈને એક કહેવત જાણીતી બની હતી. ‘જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા”. અમદાવાદ પહેલા કર્ણાવતી નગરી કહેવાતી અને 14મી સદીમાં બાદશાહ અહેમદશાહે આ નગરી વસાવી હતી. 26 ફેબ્રુઆરીએ અહેમદશાહ બાદશાહે આ શહેર વસાવ્યું. અને એટલે કર્ણાવતી નગરીનું નામ અહેમદશાહ બાદશાહના નામ પરથી અમદાવાદ પડ્યું.
માણેક બુરજનો ઇતિહાસ
અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા માણેક બુરજના ઇતિહાસ પાછળ એક દંતકથા જોડાયેલી છે. અમદાવાદના ઇતિહાસમાં માણેકનાથ બાબાનું વિશેષ મહત્વ છે. આજે ખાણીપીણી માટે ફેમસ માણેકચોકનું નામ પણ ખાસ કારણથી પાડવામાં આવ્યું છે.
બાબા માણેકનાથ પોતાના ચમત્કારને કારણે જાણીતા હતા. લોકો તેમને ગોદડિયા બાવા’ તરીક પણ ઓળખતાં હતા. અહેમદશાહ બાદશાહે શહેરમાં કોટ બનાવની કામગરી શરૂ કરી હતી. બાદશાહની શાન ઠેકાણે લાવવા માટે બાબા માણેકનાથ દરરોજ આખો દિવસ એક ગોદડી બનાવે અને તેમાં દોરા ભરે, ત્યારબાદ રાત પડે એટલે તે ગોદડીના દોરા કાઢી નાખે એટલે બાદશાહે ચણેલી દિવાલો પડી જાય.
આવું લાંબો સમય સુધી ચાલ્યું. કંટાળીને બાદશાહે ચમત્કારી માણેકનાથ બાબાને શોધી કાઢ્યા અને તેમને પૂછ્યું કે તમે આવું કેમ કરી રહ્યા છે અને બીજા તમે શું-શું ચમત્કાર કરી શકો છો? માણેકનાથ બાબા કે કહ્યું કે હું નાળચાવાળા લોટાના મોંઢેથી અંદર પ્રવેશ કરું અને નાળચામાંથી બહાર નીકળી શકું છું. આ ચમત્કાર બતાવવા માટે તેઓ જેવા લોટામાં દાખલ થયા તો બાદશાહે કોઢાને મોંઢે તથા નાળચે બંધ કરી દીધો. ત્યારબાદ માણેકનાથ બાબાએ કહ્યું ‘મને તું નીકળવા દે અને હું તારો કોટ નહીં પાડી નાંખું, પણ મારું નામ રહે એવું કરજે’. બાદશાહે તેમને વચન આપ્યું અને તે પ્રમાણે બાદશાહે કોટ ચણવાની શરૂઆત કરી અને ગણેશબારી પાસે એલિસબ્રિજના છેડે બુર્જનું નામ ‘માણેક બુર્જ ‘ પાડ્યું.