રાજકોટમાં પ્રથમ વખત આયોજિત એટ હોમ કાર્યક્રમ સંપન્ન: મુખ્યમંત્રી, રાજ્યપાલ, મુખ્ય સચિવ, મંત્રીઓ સહિતનાં ૬૦૦થી વધુ આમંત્રીત મહેમાનોની ઉપસ્થિતિ
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે ૭૧માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ ખાતે યોજાયેલાં એટહોમ કાર્યક્રમમાં નાગરિકોને શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે આજના પાવન પર્વે રાષ્ટ્રને ઉન્નત શિખરે સ્થાપિત કરી શહિદોએ સેવેલાં સપનાંને સાકાર કરવા સૌ સંકલ્પબધ્ધ બનીએ.
રાજકોટ ખાતે ૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉપસ્થિતિમાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહૂતિ આપનારા શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રાજયપાલે જણાવ્યુ હતુ કે ક્રાંતિકારી વીર શહિદોની શહાદતને કારણે આપણે સ્વતંત્રતાનું સુખ પ્રાપ્ત કર્યુ છે. રાજયપાલે જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય પર્વોની ઉજવણી એ રીતે કરીએ કે જેથી આવનારી પેઢી આપણી સાંસ્કૃતિક પરંપરા અને સ્વાતંત્ર સંગ્રામના શહિદોના યોગદાનને જાણી શ્રેષ્ઠ નાગરિક બનવાની પ્રેરણા મેળવે.
તેમણે જણાવ્યુ હતુ કે એટહોમ કાર્યક્રમ અંગ્રેજ કાળથી રાજભવનમાં યોજાતો રહયો છે. અંગ્રેજો તેમની અનુકુળતા પ્રમાણે પોતાની સત્તાને મજબૂત બનાવનારા લોકોને આમંત્રિત કરી લોક માહિતી મેળવતા હતા. આ પ્રથાને બદલાવીને શહિદોની રાષ્ટ્રભકિતનું સ્મરણ કરવાના સમારોહ તરીકે એટહોમ કાર્યક્રમનું આયોજન થવું જોઇએ.
રાજયપાલે રાષ્ટ્રીય પર્વોની રાજયકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવાના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિર્ણયને આવકાર્યો હતો . તેમણે જણાવ્યુ હતુ કે આવા પ્રયાસોના કારણે રાષ્ટ્રીય પર્વો ખરા અર્થમાં લોકોત્સવ અને વિકાસોત્સવ બની રહયા છે. રાજયપાલે રાષ્ટ્રના વિકાસમાં સૌરાષ્ટ્ર પ્રદેશના ઉદ્યોગશ્રેષ્ઠીના યોગદાનને આ તકે બિરદાવ્યુ હતું. આ પ્રસંગે રાજયપાલે રાજ્ય સરકારની જનકલ્યાણની નીતિ પ્રત્યેક જનમાનસ સુધી પહોચાડી સૌનો સાથ સૌનો વિકાસના કર્મમંત્ર દ્વારા રાજય અને રાષ્ટ્રને વિકાસના ઉન્નત શિખરે સ્થાપિત કરવા સંકલ્પબધ્ધ થવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો. એટહોમ કાર્યક્રમમાં લેડી ગવર્નર દર્શનાદેવી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અંજલીબહેન રૂપાણી, સહિતના મહાનુભાવો, નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં રાજકોટના સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમે રાષ્ટ્રભકિત ગીતો પ્રસ્તુત કર્યા હતા.