એસ્સાર એ ૧૨ મોટી કંપનીઓ પૈકી એક છે જેને આરબીઆઇના નિર્દેશ બાદ બેન્કરપ્સી કોર્ટમાં રિફર કરવામાં આવી છે
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ એસ્સાર સ્ટીલની ધિરાણકારોએ રુઇયાબંધુએ આપેલી પર્સનલ ગેરંટી વટાવવાનો નિર્ણય લીધો છે. કંપની સામે બેન્કરપ્સી પ્રક્રિયા ચાલે છે ત્યારે બેન્કો તેના પ્રમોટર્સની ગેરંટી વટાવશે.
એસ્સાર સ્ટીલને આપેલી લોનમાંથી શક્ય એટલાં નાણાં રિકવર થઈ શકે તે માટે ધિરાણકારોની કમિટીએ ગયા સપ્તાહે આ નિર્ણય લીધો હતો. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇએ બેન્કરપ્સી કોર્ટમાં રિફર કરાયેલા તમામ કેસમાં પર્સનલ ગેરંટી જપ્ત કરવાનો સૌથી પહેલાં નિર્ણય લીધો હતો. જે કેસ નેશનલ કંપની ટ્રિબ્યુનલ લો (એનસીએલટી)માં હજુ સ્વીકારવામાં નથી આવ્યા તેમાં પણ ગેરંટી વટાવવામાં આવશે.
રવિ અને પ્રશાંત રુઇયાએ એસ્સાર સ્ટીલની લોન માટે કેટલીક બેન્કોને ગેરંટી આપી છે. જ્યારે એસ્સાર ઇન્વેસ્ટમેન્ટ અને એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગે કોર્પોરેટ ગેરંટી આપી છે. એક સૂત્રે કહ્યું કે, એવો અંદાજ છે કે પર્સનલ અને કોર્પોરેટ ગેરંટી હેઠળ લગભગ ₹૭,૦૦૦ કરોડની લોન કવર કરવામાં આવે છે.શશી અને રવિ રુઇયાએ એસ્સાર જૂથની સ્થાપના કરી હતી. પ્રશાંત એ શશી રુઇયાના પુત્ર છે.
પ્રશાંત રુઇયાએ બેન્ક ઓફ બરોડા, એચડીએફસી, કોર્પોરેશન બેન્ક અને પંજાબ નેશનલ બેન્કની લોન માટે તેમની પર્સનલ ગેરંટી આપી હતી. તેમણે અને રવિ રુઇયાએ યુનિયન બેન્ક, આઇડીબીઆઇ બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને લક્ષ્મી વિલાસ બેન્કની લોન માટે પર્સનલ ગેરંટી આપી હતી. એસ્સાર એ ૧૨ મોટી કંપનીઓ પૈકી એક છે જેને આરબીઆઇના નિર્દેશ બાદ બેન્કરપ્સી કોર્ટમાં રિફર કરવામાં આવી છે. ફેબ્રુઆરીના મધ્યમાં કંપનીનું વેચાણ થવાની શક્યતા છે જેના માટે ટાટા, વેદાંત અને આર્સેલરમિત્તલ જેવાં જૂથ હરીફાઈમાં છે.
કાનૂની નિષ્ણાતો કહે છે કે કંપનીને બેન્કરપ્સી કોર્ટમાં રિફર કરવામાં આવે પછી સ્ટેન્ડસ્ટીલ ક્લોઝ લાગુ થાય છે. પરંતુ એસબીઆઇ માને છે કે આવું મોરેટોરિયમ કંપનીને લાગુ થાય છે, ગેરંટરને નહીં. એક બેન્કરે કહ્યું કે, કંપનીની સ્થિતિ માટે પ્રમોટર જવાબદાર હોય છે. નવા રોકાણકાર કંપની ખરીદવા સહમત થાય અને બેન્કોએ ભારે નુકસાન સહન કરવું પડે તેમ હોય તો પ્રમોટરને શા માટે છોડી મૂકવા જોઈએ જેઓ ગેરંટર હોઈ શકે છે?
રિઝોલ્યુશન મેળવવાની યોજના સાથે કંપનીને એનસીએલટી સમક્ષ લઈ જવામાં આવે છે અને તેમાં સફળતા ન મળે તો કંપનીનું લિક્વિડેશન થાય છે. ઈનસોલ્વન્સી અને બેન્કરપ્સી કોડમાં એવું નથી જણાવાયું કે કંપનીને એનસીએલટી સમક્ષ લઈ જવાય તો પર્સનલ ગેરંટર સામે મોરેટોરિયમ લાગુ પડશે. કંપનીએ ફાઇનાન્શિયલ ક્રેડિટર્સને ₹૪૯,૧૩૮ કરોડની ચુકવણી કરવાની છે. તેમાંથી એસબીઆઇના સૌથી વધુ ₹૧૩,૧૩૧ કરોડ, આઇડીબીઆઇએ ₹૪,૭૩૯ કરોડ, કેનરા બેન્ક ₹૩,૭૯૮ કરોડ અને આઇસીઆઇસીઆઇ બેન્કના ₹૨,૪૮૧ કરોડ નીકળે છે.