બ્લક અને યુનિટ કાર્ગો ૫૨ ટકા, લિકિવડ કાર્ગો ૧૧ ટકા અને થર્ડ પાર્ટી કાર્ગો ટ્રાફિકમાં ૬૦ ટકાનો વધારો નોંધાયો

ભારતના પૂર્વ અને પશ્ર્ચિમ સાગરકાંઠે ટર્મિનલ્સનું સંચાલન કરતી એસ્સાર પોર્ટસના કાર્ગો ટ્રાફિકમાં નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. કંપનીના સંચાલન હેઠળના હાલના પાંચ બંદર હજીરા (ગુજરાત), પારાદિપ (ઓડિશા), વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), સલાયા (ગુજરાત) અને વાડીનાર (ગુજરાત)નો એકંદર ટ્રાફિક ગયા વર્ષના ૫૮.૨૭ મિલિયન ટનની તુલનામાં નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં વધીને ૭૨.૮૬ મિલિયન ટન થયો છે.

ગયા વર્ષના સમાનગાળાના ૧૯.૯૭ મિલિયન ટન સામે નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭માં એસ્સાર પાર્ટસનો ડ્રાય બર્થ કાર્ગો ૩૦.૩૯ મિલિયન ટન થઈને નોંધપાત્ર બાવન ટકાનો વધારો થયો છે. એસ્સાર પોર્ટસનું હજીરા, પારાદીપ અને વિશાખાપટ્ટનમના એંકર કસ્ટમર એસ્સાર સ્ટીલ છે. હજીરા ટર્મિનલના ડ્રાય બ્લક, બ્રેક બ્લક અને પ્રોજેકટ કાર્ગોમાં એસ્સાર સ્ટીલના ૧૦ મિલિયન ટનના હજીરા સ્ટીલ સંકુલનો સમાવેશ થાય છે. આ ટર્મિનલની ક્ષમતા વિસ્તારીને ૫૦ મિલિયન ટન કરવામાં આવી છે.

પારાદીપ ખાતે ૧૬ મિલિયન ટનનું ડ્રાય બલ્ક ટર્મિનલ એસ્સાર સ્ટીલની પેલેટસનું વહન કરે છે. વિશાખાપટ્ટનમ ખાતેનું ૧૬ મિલિયન ટનનું ટર્મિનલ, એસ્સાર સ્ટીલ એનએમડીસી અને અન્ય સ્ટીલ કંપનીઓ માટે આયર્ન ઓર અને પેલેટસ બંનેનુ વહન કરે છે. તેનું ૩૨ મિલિયન ટન સુધી વિસ્તરણ કરાયું છે. આ તમામ બંદરોના કાર્ગો ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો એસ્સાર સ્ટીલની વધેલી પ્રવૃત્તિ અને વધેલો ક્ષમતા વપરાશ દર્શાવે છે.

એસ્સાર પોર્ટસનું વાડીનાર ઓઈલ ટર્મિનલ ખાતે એસ્સાર ઓઈલની ૨૦ મિલિયન ટનની વાડીનાર રિફાઈનરી માટે ફ્રૂડ આવે છે અને ફિનિશ્ડ પ્રોડકટસ રવાના થાય છે. આ ટર્મિનલ ઉપર લિકવિડ કાર્ગોમાં ૧૧ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. નાણાકિય વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૮.૩૦ મિલિયન ટન સામે નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭માં ત્યાં ૪૨.૪૭ મિલિયન ટન થ્રુપુટ થયો છે.

કંપનીની કામગીરી અંગે પ્રતિભાવ આપતા એસ્સાર પોર્ટસના સીઈઓ અને એમડીશ્રી રાજીવ અગરવાલ જણાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં અમારા પોર્ટસ અને ટર્મિનલ્સ ઉપર ટ્રાફિકમાં મજબુત વધારો નોંધાયો છે તેનો મને આનંદ છે. બલ્ક કાર્ગોમાં નોંધપાત્ર વધારો થયો તેનો મને વિશેષ આનંદ છે કારણ કે તેમાં અમારું ભાવિ પડેલું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.