વિવિધ પ્રાંતોની કરાયેલી ઝાંખિવાળા સ્ટોલ્સથી વિદ્યાર્થીઓ નવી ટાઉનશીપમાં ખડું કરશે ભારત દર્શન

એસ્સાર ઓઈલ લિ.ના માધ્યમથી રિફાઈનરીની આજુબાજુમાં આવેલી ૧૬ ગામોની ૧૮ સરકારી શાળાના બાળકોને ભારતના વિવિધ પ્રાંતની સંસ્કૃતિને એક જ સ્થળે પ્રદર્શિત કરવાનો અવસર તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના નવી ટાઉનશીપના વિશાળ સમિયાણામાં મળશે. ‘ભારત એક ખોજ’ નામના આ કાર્યક્રમમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ દરેક પ્રાંત-પ્રદેશની સાંસ્કૃતિક, ભૌગોલિક, ઐતિહાસિક પરંપરાને તાદશ્ય કરવા ભારે જહેમત ઉઠાવી ૧૮ મોડેલ્સ તૈયાર કર્યા છે. શિક્ષા કે સાત રંગ સમાન ‘ઈન્દ્રધનુષ’ કાર્યક્રમને અપ્રતિમ સફળતા મળી હતી. સફળતાને હજુ ઉંચાઈ પર લઈ જવા માટે આ વર્ષે ‘ભારત એક ખોજ’ કાર્યક્રમનું નવતર આયોજન રિફાઈનરીની સામે આવેલી નવી ટાઉનશીપના મેદાનમાં ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૯:૩૦ કલાકે કરાયું છે.

આ કાર્યક્રમની વિશેષતા એ છે કે, ‘ભારત એક ખોજ’ કાર્યક્રમ રિફાઈનરીની આજુબાજુમાં આવેલા વાડીનાર, મોડપર, જાંખર, મીઠોઈ, કાઠી દેવળિયા, વડાલિયા સિંહણ, નાના માંઢા, મોટા માંઢા, પરોડિયા, સિંગચ, રાસંગપર, ભરાણા, ટીંબડી, સોઢા તરઘડી, દાંતા ગામોની ૧૮ સરકારી શાળાના આશરે ૫૦૦થી વધુ બાળકો અને ૨૫થી વધુ શિક્ષકોએ તૈયાર કર્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડીશા, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, અ‚ણાચલ પ્રદેશ, નાગાલેન્ડ વગેરે પ્રદેશની પોતપોતાની બોલી, ભાષા, પહેરવેશ, ખોરાક, ઈતિહાસ, સંસ્કૃતિ, ખેતી, વ્યવસાય વગેરે છે, ત્યારે દરેક પ્રાંતની આ શૈલીને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓએ જે તે પ્રદેશની જાણીતી ઐતિહાસિક ધરોહરની માટી તથા બામ્બુથી પ્રતિકૃતિ તૈયાર કરી છે. વિદ્યાર્થીઓ પ્રાદેશિક પહેરવેશ ધારણ કરી અન્ય વિદ્યાર્થીઓને દરેક પ્રાંતની વિવિધતાની સમજ તેઓએ તૈયાર કરાયેલા ચાર્ટ પેપર અને કોમ્પ્યુટરમાં તૈયાર કરાયેલા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વડે આપશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય એ છે કે કાર્યક્રમમાં બાળકો જાતે જોડાય અને સ્વ.અનુભવથી વિવિધ પ્રદેશની લાક્ષણિકતાને અનુભવે. એક સ્કૂલના વિદ્યાર્થીઓ એક પ્રદેશનું નેતૃત્વ કરી એ પ્રદેશ વિશે આશરે ૧૯૦૦થી વધુ બાળકોને માહિતગાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.