હાલમાં મુંબઈમાં જ બે કેસ બન્યા, જેમાં ૧૪ વર્ષના છોકરાને અને ૨૬ વર્ષની સ્ત્રીને આ તકલીફ સામે આવી હતી અને સર્જરીથી તેમને ઠીક કરવામાં આવ્યાં હતાં. અકેલેઝિયામાં અન્નનળીના સ્નાયુઓ જાડા થઈ જાય છે અને એને કારણે એના છેડાઓ સાંકડા બની જાય છે; જેને લીધે ખોરાક જ નહીં, થૂંક પણ ગળે ઉતારવું મુશ્કેલ બને છે. આજે જાણીએ આ રોગ વિશે
૨૬ વર્ષની ગોરેગામમાં રહેતી ગુજરાતી સ્ત્રીને વોમિટિંગની ઘણી વધારે તકલીફ હતી. ખાસ કરીને રાત્રે તેને ઊલટીઓ થતી. તે કંઈ પણ ખાય તો તેને લાગતું કે તે ગળે જ નથી ઉતારી શકતી. જ્યારે ડોક્ટરને બતાવ્યું તો તેમણે તેને કહ્યું કે તને સ્ટ્રેસ-વોમિટિંગની તકલીફ છે. ખૂબ સ્ટ્રેસમાં રહે છે એટલે ઍસિડિટીનું પ્રમાણ વધે છે અને તેને વોમિટ થઈ જાય છે. આ એક સાઇકોલોજિકલ તકલીફ છે. બિચારીએ એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગ બધું ચાલુ કર્યું. સ્ટ્રેસ જેટલું ઓછું કરી શકાય એ કયુંર્, પણ તકલીફ ઓછી ન થઈ. ઘણા વખતથી બાળક માટે તે પ્રયાસ કરતી હતી, પરંતુ એમાં પણ સફળતા મળતી નહોતી. આ બધામાં તેની ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. પરંતુ તેના ડોક્ટરને એ ચિંતા હતી કે આ સ્ત્રી આ જ રીતે ઊલટીઓ કરતી રહી તો પ્રેગ્નન્સી દરમ્યાન કઈ રીતે મેનેજ કરશે. તેમણે એક ગેસ્ટ્રો ડોક્ટર પાસે તેને મોકલી. તેની વ્યવસ્થિત તપાસ થઈ અને એના પરથી ખબર પડી કે આ સ્ત્રીને અકેલેઝિયા (ACHALASIA) છે. એટલે કે અન્નનળીનો એવો પ્રોબ્લેમ જેમાં એ સાંકડી થઈ જાય છે અને ખોરાક અંદર જતો જ નથી, બહાર આવ્યા કરે છે. થોડા દિવસ પહેલાં જ તેનું ઑપરેશન થયું અને હાલમાં તે એકદમ ઠીક છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે બે રોટલી પણ ખાઈ નહોતી શકતી એ આજે ખાઈ શકે છે.
કેસ-૨ : ૧૪ વર્ષના મુલુંડમાં રહેતા એક છોકરાને આટલી નાની ઉંમરમાં સતત ઍસિડિટીની તકલીફ રહેતી હતી. જેટલા ડોક્ટર પાસે જતા તે તેને ઍસિડિટીની દવા આપ્યા કરતા. આ રીતે એ છોકરાની સતત એક વર્ષ સુધી ઍસિડિટીની દવાઓ ચાલી, પરંતુ ફાયદો નહોતો. તકલીફ વધતી જતી હતી અને આખો દિવસ એ બિચારો જે પણ ખાય એ બધું વોમિટ થઈને નીકળી જતું હતું.
આ ચક્કરમાં તેનું ભણવાનું પણ ખૂબ નુકસાન થતું. છેલ્લે-છેલ્લે તો તે ફરિયાદ કરતો કે હું કંઈ પણ ગળે ઉતારી શકતો જ નથી. થૂંક પણ તેનાથી ગળે ઉતારાતું નહોતું. ડોક્ટરોનાં ચક્કર મારીને તેના પેરન્ટ્સ પણ થાકી ગયાં હતાં, પરંતુ ઉપાય જડતો નહોતો. ટેસ્ટ વધુ ને વધુ ચાલ્યા કરતી. આખરે ટેસ્ટમાં પકડાયું કે આ છોકરાને અકેલેઝિયા છે.
તેનું પણ તાજેતરમાં જ ઑપરેશન થયું અને હાલમાં તે બિલકુલ ઠીક છે. રોગ અકેલેઝિયા નામ અને રોગ ખૂબ ઓછા જાણીતા છે અને સામાન્ય કહી શકાય એવા રોગમાં એની ગણતરી થતી નથી. હદ તો ત્યાં છે કે સામાન્ય માણસને તો ઠીક, દરેક ડોક્ટરને પણ આ રોગ વિશે જાણકારી હોતી નથી. આ રોગ માટે અમુક આંકડાઓ કહે છે કે ૧૦,૦૦૦ વ્યક્તિએ એક વ્યક્તિ આ રોગનો ભોગ બને છે તો અમુક આંકડાઓ કહે છે કે બે લાખ વ્યક્તિએ એક વ્યક્તિ આ રોગનો ભોગ બને છે. આમ તાગ મેળવવો મુશ્કેલ છે કે આ રોગ કેટલો અસામાન્ય છે. આ રોગ વિશે સમજાવતાં ઝેન હોસ્પિટલના ફાઉન્ડર ડિરેક્ટર તથા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડોકટરકહે છે, જ્યારે ખોરાકને જઠર સુધી લઈ જતી અન્નનળીના સ્નાયુઓ જાડા થઈ જાય અને એને કારણે આ નળીના છેડા સાંકડા થઈ જાય ત્યારે એમાંથી ખોરાક કે અન્ય કોઈ પદાર્થ પસાર થવાનું અઘરું બનતું જાય છે. એને લીધે અન્નનળીમાં જ જે પણ ખાઓ એ ફસાતું જાય છે, જે અંદર ન જઈ શકવાને લીધે ઊલટી કે ખાટા ઓડકાર સ્વરૂપે બહાર નીકળે છે. પેટમાં જરૂરી ખોરાક જતો નથી એટલે ઍસિડિટીનું પ્રમાણ વધે છે. આ તકલીફ જ્યારે આગળ વધે ત્યારે વ્યક્તિને થૂંક ગળવું પણ મુશ્કેલ થઈ જાય છે. કશું અંદર જતું જ નથી, જે તકલીફદાયક પરિસ્થિતિ છે.
ઍસિડિટીને સમજો
ઍસિડિટી એક સામાન્ય તકલીફ છે. સામાન્ય રીતે એની પાછળ લાઇફ-સ્ટાઇલ રિલેટેડ કારણો હોય છે, પરંતુ હકીકત એ છે કે ઍસિડિટી એક રોગ નહીં; એક લક્ષણ પણ છે. વ્યક્તિને સતત ઍસિડિટી રહેતી હોય અને એની દવાઓથી એ સરળતાથી દૂર ન થતી હોય તો એનો અર્થ એ થાય છે કે એ ઍસિડિટી થવા પાછળનાં કારણો જુદાં છે. આ સંબંધે વાત કરતાં કહે છે, જો વ્યક્તિને સતત ઍસિડિટી રહેતી હોય તો એ ઍસિડિટી પાછળનાં જુદાં-જુદાં કારણો તપાસવાં જોઈએ અને એક નિદાન પર પહોંચવું જરૂરી છે કે વ્યક્તિને કયાં કારણોસર આટલી ઍસિડિટી રહે છે. જુદાં-જુદાં કારણોમાં એક કારણ છે અકેલેઝિયા. આ રોગ પાછળનું કારણ હજી સુધી વિજ્ઞાન શોધી શક્યું નથી. કારણ ખબર નથી એટલે એને કઈ રીતે રોકી શકાય એ પણ જ્ઞાત નથી. આ રોગ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, પરંતુ ૩૦-૫૦ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે.
સર્જરી જ ઇલાજ
આ રોગમાં દવાઓ કામ કરતી નથી. આ વાત સ્પક્ટ કરતાં ડોકટર કહે છે, અન્નનળીના સ્નાયુઓ જાડા થઈ જાય છે એને દવાઓ વડે ઠીક કરી શકાતા નથી. એના માટે એન્ડોસ્કોપિક કે લેપ્રોસ્કોપિક સર્જરી કરવી અનિવાર્ય છે. આ સર્જરી સરળ છે અને કોમ્પ્લીકેશનની શક્યતા નહીંવત્ છે. આમ ઇલાજ એનો સરળ છે, પરંતુ નિદાન અઘરુંં છે. એનાં ચિહ્નોને સમજીને જરૂરી ટેસ્ટ કરાવીને એના નિદાન સુધી પહોંચવાનું જરૂરી છે.
ચિહ્નોને ઓળખો
અકેલેઝિયાનાં ચિહ્નો સૌથી મહત્વનાં છે જેના વડે આ રોગને ઓળખી શકાય છે. આવો જાણીએ ડો. રોય પાટણકર પાસેથી આ રોગનાં ચિહ્નો.
૧. વ્યક્તિને સતત ઍસિડિટી રહેતી હોય, જે દવા વડે ઠીક ન થતી હોય. આ રોગમાં દવા કામ ન કરવાનું કારણ સમજી શકાય એમ છે, કારણ કે અન્નનળીથી નીચે ખોરાક પણ ન જતો હોય તો દવા કઈ રીતે પહોંચે?
૨. આ ઉપરાંત સતત ઊલટી થતી રહેતી હોય કે ખાટા ઓડકાર આવતા હોય. ખાસ કરીને ઊલટી રાત્રે થતી હોય.
૩. વ્યક્તિને એવું લાગે કે તેનો ખોરાક ગળામાં ફસાય છે, અંદર જતો જ નથી અથવા તો ચાવવા છતાં એમ લાગે છે કે ગળે ઊતરવું શક્ય નથી.
૪. વ્યક્તિનું વજન ખાસ્સું ઊતરી ગયું હોય ત્યારે એમ થઈ શકે છે. કોઈ પણ પ્રકારની ઍસિડિટીની તકલીફમાં વ્યક્તિનું વજન ઊતરતું નથી. પરંતુ આ રોગમાં ખોરાક શરીરને મળતો નથી એટલે વ્યક્તિનું વજન ઊતરી જાય છે.