પી. વી. સિંધુ, યુવરાજ સિંહ, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ જેવા લોકો આજકાલ એક્સરસાઇઝના જે ફોર્મને અપનાવીને ખુશ છે એ એક્સરસાઇઝને ઘણા સિનિયર સિટિઝન્સ પણ પોતાના સ્નાયુઓ અને હાડકાંની હેલ્થ માટે અપનાવી રહ્યા છે.
બેડ્મિન્ટન પ્લેયર પી. વી. સિંધુ, સ્ક્વોશ પ્લેયર સૌરવ ઘોષાલ, અજુર્નવ અવોર્ડ જીતનાર શૂટર સુમા શિરુર, વલ્ર્ડ નંબર-વન શૂટર હિના સિધુ, ક્રિકેટર યુવરાજ સિંહ અને ઍક્ટર દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, વરુણ ધવન, ફરહાન અખ્તર, જેકલિન ફર્નાન્ડિસ આ બધાંમાં એક વાત સામાન્ય છે અને એ છે તેઓ પોતાના વર્કઆઉટ તરીકે પિલાટેઝનો ઉપયોગ કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક્સરસાઇઝનાં ઘણાં નવાં-નવાં ફોર્મ આપણી સામે આવ્યાં છે; જેમ કે ઝુમ્બા, પાવર યોગ, ઍરોબિક્સ વગેરે. પિલાટેઝ એમાંનું એક ફોર્મ છે. ઉપર સ્પોટ્સર્ પર્સન અને ઍક્ટર્સનાં નામ વાંચીને તમને લાગે કે આ લોકો કરે છે તો ચાલો, આપણે પણ ચાલુ કરીએ પિલાટેઝ કરવાનું. પરંતુ કોઈ પણ ફોર્મની એક્સરસાઇઝ ચાલુ કરતાં પહેલાં એના વિશે જાણકારી મેળવવી પણ જરૂરી છે. આજે જાણીએ એક્સરસાઇઝનું આ ફોર્મ કેવું છે, કોણે કરવું જોઈએ ને એ કરવાથી શું ફાયદો થાય.
હિસ્ટરી
મૂળ જર્મન ફિઝિકલ ટ્રેઇનર એક્સપર્ટસે વીસમી શતાબ્દીમાં જ આ ફોર્મની એક્સરસાઇઝ શરૂ કરી હતી. ધીમે-ધીમે એ જગવિખ્યાત થઈ ગઈ છે. એક્સપર્ટસ એક ખૂબ સરસ વાત કહી ગયા છે કે જો કોઈ માણસ ખુશ રહેવા માગતો હોય તો ફિઝિકલ ફિટનેસ તેના માટે ફરજિયાત છે અને એના માટે તમારા શરીર પર તમારો સંપૂર્ણ કાબૂ હોવો જરૂરી છે. ૩૦ વર્ષની ઉંમરે જો તમારું શરીર સ્ટિફ છે અને શરીરનું બંધારણ શેપમાં નથી તો તમે વૃદ્ધ છો અને જો ૬૦ વર્ષે તમે ફ્લેક્સિબલ અને સ્ટ્રોન્ગ છો તો તમે યુવાન છો. પિલાટેઝ એક્સરસાઇઝ વિશે એક્સપર્ટસ કહેતા કે એ શરીરનો વિકાસ સમાન રીતે કરે છે, ખોટા પોરને સુધારે છે, શારીરિક શક્તિને ફરીથી સ્થાપિત કરે છે, મનને રીફ્રેશ કરે છે અને આત્મબળને જાગ્રત કરે છે.
કોણ કરી શકે?
પિલાટેઝ કોઈ કાર્ડિયો કે ઍરોબિક એક્સરસાઇઝ નથી. એમાં શરીર પરનો ક્ધટ્રોલ ખૂબ જ જરૂરી છે અને એની સાથે બ્રીધિંગનું પણ એમાં ઘણું મહત્વ છે. એ દેખાવમાં એકદમ સરળ એક્સરસાઇઝ છે, પરંતુ એકદમ ધ્યાનપૂર્વક કરવી પડે છે; કારણ કે આ એક્સરસાઇઝમાં ટેક્નિકનું મહત્વ ઘણું વધારે છે. અઠવાડિયાના ૩ દિવસ ૮ વર્ષથી લઈને ૮૮ વર્ષ સુધીની વ્યક્તિ પિલાટેઝ કરી શકે છે, પણ સાવ કોઈ દિવસ એક પણ એક્સરસાઇઝ ન જ કરી હોય એવા લોકો માટે પિલાટેઝ થોડો હેવી ડોઝ બની શકે છે. એટલે થોડું તો ફિટનેસ-લેવલ હોવું જરૂરી છે. આમ જોઈએ તો આ ફોર્મ યોગ જેવું જ છે. જે વ્યક્તિઓને યોગ કરવામાં મજા આવતી હોય તેમને પિલાટેઝમાં પણ ખૂબ મજા આવશે જ, પરંતુ સામાન્ય યોગ કરતાં આ એક્સરસાઇઝ થોડી કઠિન ગણી શકાય છે. આ બાબતે સ્પક્ટતા કરતાં ફિઝિયોશ્યોર, જુહુનાં ફિઝિયોથેરપિસ્ટ ડોકટર કહે છે, જેમને કોઈ તકલીફ હોય; જેમ કે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ કે આથાર્ઇટિસ જેવા રોગોમાં પણ પિલાટેઝ કરી શકાય છે. પરંતુ પહેલાં એ જોવું જરૂરી છે કે એ વ્યક્તિનું ઓવરઑલ ફિટનેસ-લેવલ કેવું છે, તેણે ક્યારેય એક્સરસાઇઝ કરી છે કે નહીં એ જોઈને જ નિર્ણય લઈ શકાય છે. આમ જોઈએ તો વીસ વર્ષની ઉંમરે આ એક્સરસાઇઝ શરૂ કરી દેવી જોઈએ, જેથી ૬૦ વર્ષની ઉંમર થઈ જાય તો પણ કોઈ જાતની તકલીફ ન રહે.
પોર સુધરે
પિલાટેઝ જેના પર કામ કરે છે એ છે તમારા કોર મસલ્સ. ભારતીય લોકોમાં કોર મસલ્સ નબળા હોય છે. સમજવા જેવી વાત છે કે પિલાટેઝમાં મૂળભૂત રીતે જેના પર કામ કરવામાં આવે છે એ છે પેટના સ્નાયુઓ, જેને અંદર ખેંચવામાં આવે તો કરોડરજ્જુ આપોઆપ સીધી થઈ જાય છે. હિપ્સ પોતાની જગ્યા પર આવે છે અને ઘૂંટણ પર બિનજરૂરી સ્ટ્રેસ આવતું નથી અને પીઠ, ગરદન બધા જ સ્નાયુઓ વ્યવસ્થિત રહે છે; કારણ કે એનાથી પોર સુધરી જાય છે. આ એક મોટી ઉપલબ્ધિ છે, જે વિશે જણાવતાં ડોકટર કહે છે, હું આ એક્સરસાઇઝનો ઉપયોગ પ્રિવેન્ટિવ ફિઝિયોથેરપીમાં કરું છું. એટલે કે આ એવી એક્સરસાઇઝ છે, જેને કારણે વ્યક્તિ ઘણીબધી તકલીફોથી બચી શકે છે. સૌથી મોટો એનો ફાયદો એ છે કે એ પોર સુધારે છે અને પોર સુધરવાને લીધે બેકપેઇન, ઘૂંટણનું પેઇન, સર્વાઇકલ પેઇન વગેરે ટાળી શકાય છે.
અઢળક ફાયદાઓ
પોર સુધારવા સિવાયના પણ બીજા અઢળક ફાયદા છે; જે વિશે જણાવતાં હ્યુઝ રોડ, સાંતાક્રુઝ, અંધેરી અને અમદાવાદમાં ધ પિલાટેઝ સ્ટુડિયો ધરાવતાં ફાઉન્ડર નમ્રતા પુરોહિત કહે છે, પોર સુધરવાની સાથે-સાથે એ સ્પાઇનની હેલ્થ પણ સારી કરે છે. એની ફ્લેક્સિબિલિટી વધારે છે. સ્નાયુઓને ટોન કરે છે, જેને લીધે એની ફ્લેક્સિબિલિટી પણ વધે છે. તમારા કોર મસલ્સને તાકતવર બનાવે છે. આ સિવાય સ્નાયુઓ તાકતવર બનવાને લીધે ઇન્જરીથી બચી શકાય છે અને શરીરનું બેલેન્સ સારું જળવાઈ રહે છે. ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં હાડકાંની ડેન્સિટી ઇમ્પ્રૂવ થાય છે, હાડકાં, સ્નાયુઓ અને સંપૂર્ણ શરીર સારી રીતે કામ કરે છે એટલું જ નહીં; ફેફસાંની ક્ષમતા પણ વધે છે અને લોહીનું પરિભ્રમણ પણ સરસ થાય છે.
રિઝલ્ટ
નમ્રતાના પિતા અને ધ પિલાટેઝ સ્ટુડિયોના કો-ફાઉન્ડર કહે છે, એક્સપર્ટસ કહેતા કે આ એક્સરસાઇઝનાં ૧૦ સેશન તમે ભરો તો તમે તમારી અંદર બદલાવ મેહસૂસ કરી શકો છો, વીસ સેશન્સ ભરો તો એ બદલાવને તમે જોઈ શકો છો અને ૩૦ સેશન્સ ભરો તો તમારું આખું શરીર જ બદલાઈ ગયેલું હશે. સેલિબ્રિટીઝથી લઈને સ્પોર્ટ્સ પર્સન, ઍથ્લીટસ, જિમ્નેસ્ટ્સ, ડાન્સર્સ, પોસ્ટ-નેટલ વુમન, સિનિયર સિટિઝન બધાને આ એક્સરસાઇઝથી લાભ થઈ શકે છે. આ એક્સરસાઇઝને લીધે તમે ફક્ત સારા દેખાતા જ નથી, અંદરથી પણ હેલ્ધી ફીલ કરો છો. કોઈ પણ બીજી એક્સરસાઇઝની જેમ એ સ્ટ્રેસ અને ટેન્શનથી પણ મુક્તિ અપાવે છે અને મન, શરીર અને આત્માને જોડે છે; જેને લીધે વ્યક્તિ સારું જીવન જીવી શકે છે.
કોમ્બિનેશન
પિલાટેઝ આમ તો બે પ્રકારે હોય છે. એક, જે મેટ પર કરવામાં આવે છે અને બીજું મશીન પર. ઘરે ટ્રેઇનર બોલાવીને કે DVDપર જોઈને કરો તો મેટવાળા પિલાટેઝ બેસ્ટ છે નહીંતર જિમ કે સ્ટુડિયોમાં જઈને કરવા હોય તો મશીનવાળા પિલાટેઝ પણ થઈ શકે છે. આજકાલ જેટલી પણ એક્સરસાઇઝ છે એમાં ફક્ત એક જ પ્રકારની એક્સરસાઇઝ કરતા લોકો ઘણા ઓછા જોવા મળે છે. ફક્ત આ જ એક્સરસાઇઝ ચાલે કે એની સાથે બીજી કોઈ એક્સરસાઇઝ કરવી જરૂરી છે? આ પ્રશ્નના જવાબમાં કહે છે, આમ તો પિલાટેઝ પોતાનામાં જ એક સંપૂર્ણ ફોર્મ ગણી શકાય, પરંતુ એની સાથે કાર્ડિયો એક્સરસાઇઝ જેમ કે વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ વગેરે કરવું વધારે ફાયદાકારક ગણાશે.