સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા મેઘાને કારણે જળાશયો છલકાયા છે, નદીઓમાં પૂરના પાણીથી ખેતરો જળબંબાકાર થઇ ગયા છે.
પ્રથમ રાઉન્ડમાં સમયસર અને માપે વરસાદ પડતા જિલ્લામાં કુલ ૫.૭૫ લાખ હેકટર જમીનમાં ખેડૂતોએ વિવિધ પાકોનું વાવેતર કરી દીધુ હતુ. જેમાં સૌથી વધુ ૩.૩૦ લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં પડેલા વરસાદથી તલ, મગફળી અને કઠોળ જેવા પાકને ખૂબ
નુકસાન થયું છે.ત્યારે બીજા રાઉન્ડમાં વરસેલા મેઘાએ ઝાલાવાડમાં વાવેલા કપાસના પાક માથે પણ જોખમ ઊભુ કરી દીધું છે. હાલ વરસાદે તો વિરામ લીધો છે. પરંતુ પાણીનો માર ખેડૂતો માટે વસમો બની ગયો છે. હજુ ૧૦ દિવસ સુધી પાણીનો નિકાલ થાય તેવી સ્થિતિ નથી.ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ખેતી કામ કરી રહ્યા છે.
તેમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં કયારેક અતીવૃષ્ટી તો કયારેક અનાવૃષ્ટીનો સામનો કરતા જગતના તાતની મુશ્કેલી વધારી દીધી છે.
ત્યારે જિલ્લામાં સતત બીજા વર્ષે પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે તાત્કાલિકપણે સરકાર દ્વારા ખેડૂતો માટે પેકેજ જાહેર કરી આવા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે હવે જરૂરી બન્યું છે અને ખેડૂતો આગેવાનો પણ માંગ કરી રહ્યા છે ત્યારે જો સરકાર આર્થિક સહાય ચૂકવશે તો ખેડૂતો ની આર્થિક પરિસ્થિતિ વળશે તેવુ હાલ ખેડૂત આગેવાનો અનુમાન લગાવી રહ્યા છે.