રાજકોટમાં બેડની વ્યવસ્થા વધારવા તંત્ર સતત પ્રયત્નશીલ: રેમડેસીવીર ઈંજેકશનનો જથ્થો પણ પુરતો, દર્દીઓ માટે જરૂરિયાત પ્રમાણે જ ઈંજેકશન લઈને સ્ટોક કરવાનું ટાળવાની તંત્રની અપીલ
કોરોના સામે તંત્ર સજ્જ છે જો લોકોને કોઈપણ તકલીફ હોય તો તુર્ત જ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સંચાલિત હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરે. હેલ્પલાઈન નંબર પરથી તમામ માહિતી સચોટ રીતે આપવામાં આવી રહી છે તેમ રાજકોટ જિલ્લાના કોરોનાના નોડલ અધિકારી ડો.રાહુલ ગુપ્તાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન રેકોર્ડબ્રેક રીતે વધી રહ્યું છે. સામે તંત્ર પણ વ્યવસ્થા ગોઠવવાના તનતોડ પ્રયાસમાં લાગી ગયું છે. સ્થિતિ અત્યંત ભયાનક હોય બેડની જરૂરિયાત દિવસે ને દિવસે વધી રહી છે. સામે વહીવટી તંત્ર દ્વારા બેડની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરરોજ બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ રાજકોટ જિલ્લાની વ્યવસ્થા અંગે રાજકોટ જિલ્લાના કોરોનાના નોડલ અધિકારી ડો.રાહુલ ગુપ્તાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, લોકોને કોઈપણ તકલીફ હોય કે બેડ અથવા તો રેમડેસીવીર ઈંજેકશન અંગેની માહિતી મેળવવી હોય તો તુર્ત જ જિલ્લા કલેકટર કચેરી સંચાલીત હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરે. વધુમાં ડો.રાહુલ ગુપ્તાએ ‘અબતક’ના હેલ્પલાઈન નંબર જાહેર કરી જનસેવાના આશયને બિરદાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડોક્ટર રાહુલ ગુપ્તા દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનના વિતરણ અંગે જણાવ્યું છે કે રાજકોટ જિલ્લામાં જથ્થો પૂરતો છે. કોઇપણ દર્દીએ ચિંતા કરવાની જરૂર નથી. જરૂરીયાત મુજબનો જથ્થો દર્દીઓને મળી જ રહેશે. ઉપરાંત અંતમાં તેઓએ જણાવ્યું કે જો કોઇ દર્દીને કોઇ પ્રશ્ર્ન કે તકલીફ હોય તો તેઓ તંત્રને હેલ્પલાઇન નંબર મારફત જાણ કરે જેથી તંત્ર પ્રશ્ર્નનું નિરાકરણ લાવે.
કલેકટર ઓફિસના હેલ્પલાઈન નંબર
94998 04038
94998 06486
94998 01338
94998 06828
94998 01383
દર્દી પોતાની પસંદગી મુજબની હોસ્પિટલમાં દાખલ થવાની હઠ ન રાખે
‘અબતક’ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, દર્દી પોતાની પસંદગી મુજબની હોસ્પિટલમાં દાખલ થવાની હઠ રાખે નહીં. ‘અબતક’ દ્વારા જે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે તેમાં અનેક કોલ એવા પણ આવ્યા છે કે, દર્દીને નિશ્ર્ચિત હોસ્પિટલમાં દાખલ થવું હોય છે પરંતુ ત્યાં જગ્યા હોતી નથી. માટે ‘અબતક’ દ્વારા વાંચકોને અપીલ કરાઈ છે કે, હાલ બેડની વ્યવસ્થા વધારવા માટે તંત્ર પુરા પ્રયાસ કરી રહ્યું છે, આ મહામારીમાં સારવાર મુખ્ય છે, હોસ્પિટલ કઈ છે તે ગૌણ છે માટે લોકોએ જ્યાં જગ્યા ખાલી હોય તે જ હોસ્પિટલમાં સારવાર લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
‘અબતક’ના હેલ્પલાઈન નંબર
કોરોનાના દર્દીને જો બેડ ન મળતો હોય અથવા તો કોઈ અવ્યવસ્થા નો ભોગ બનવું પડે તો તુર્ત જ ‘અબતક’નો સંપર્ક કરી શકાય છે. ‘અબતક’ના હેલ્પલાઈન નંબર 70482 30007 અને 70481 30001 છે. આ હેલ્પલાઈન નંબરનો સંપર્ક કર્યા પૂર્વે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સંચાલીત હેલ્પલાઈનનો સંપર્ક કરવા ‘અબતક’ દ્વારા અપીલ કરવામાં આવી છે. ‘અબતક’ દ્વારા આ હેલ્પલાઈન શરૂ કરવાનો ઉદ્દેશ લોકોને સાચી અને સચોટ માહિતી પૂરી પાડવાનો છે. ઉપરાંત જરૂર પડયે ‘અબતક’ની ટીમ દ્વારા પણ લોકોને મદદ પૂરી પાડવામાં આવશે. આ હેલ્પલાઈન નંબર શરૂ કરીને ‘અબતક’ દ્વારા તંત્ર અને દર્દી વચ્ચેની મહત્વની કડી બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.