રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરલાઇન કંપનીને ડિજીસીએની લીલીઝંડી
બીગ બુલ તરીકે જાણીતા દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત અકાસા એર વિશે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુરુવારે ઉડ્ડયન નિયમનકાર ડિજીસીએ એ કંપની માટે એરલાઇન લાઇસન્સ મેળવ્યું છે. ત્યારબાદ હવે એરલાઇન વિમાનોનું સંચાલન શરૂ કરી શકે છે.
અકાસા આ વર્ષે જુલાઈથી કોમર્શિયલ પરિચાલન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને એક ’કયુપી’ કોડ આપવામાં આવ્યો છે, જેની જાણકારી તેમણે પોતે થોડાક દિવસો પહેલા આપી હતી. ત્યારબાદ કંપનીએ એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું, ’કયુપી, હવે પાર્ટી શરૂ થઈ ગઈ છે.’ તેની સાથે કંપનીએ કેપ્શન આપ્યું હતું… પોતાની એરલાઇન કોડ ’કયુપી’ જાહેર કરતાં ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે.
એક અહેવાલ મુજબ, એરલાઈને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આ લાઇસન્સ મેળવવું અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમને અમારી ફ્લાઈટ્સનું પરિચાલન અને વ્યવસાયિક કામગીરી શરૂ કરવાની મંજૂરી આપે છે. નિવેદન અનુસાર, એરલાઈને બ્રાનિ્ંડગ માટે સનરાઈઝ ઓરેન્જ અને પેશનેટ પર્પલ કલર પસંદ કર્યો છે, જે હૂંફ અને ઉર્જાને પ્રદર્શિત કરે છે.
એરલાઈને 21 જૂને ભારતમાં તેના પ્રથમ બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટની ડિલિવરી લીધી હતી. તેની સાથે અકાસા એર એ જાહેરાત કરી કે એરલાઇન 72 બોઇંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપી રહી છે. આ ઓર્ડર્સમાં બે વેરિઅન્ટ 737-8 અને 737-8-200 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર એરલાઈન્સનો પહેલો રૂટ ડોમેસ્ટિક હશે.
અકાસા એરે પોતાના ક્રૂ યુનિફોર્મનો ફર્સ્ટ લુક જાહેર કરતા જણાવ્યું છે કે તે પ્રથમ ભારતીય એરલાઇન છે, જેણે કસ્ટમ ટ્રાઉઝર અને જેકેટ્સ રજૂ કર્યા છે. અકાસા એરના ક્રૂ મેમ્બરો માટે બનાવેલા કપડાં ઇકો-ફ્રેન્ડલી છે. વાસ્તવમાં આ ડ્રેસ રિસાયકલ પોલિએસ્ટર ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો છે.