૧૦૦ બેડની મુવેબલ હોસ્પિટલનું પણ ટુક સમયમાં થશે લોકાર્પણ

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ઓમીક્રોન કેસ નોંધાતા રાજકોટનું આરોગ્ય તંત્ર સજ્જ થયું છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં બે આઈ.સી.યુ. વૉર્ડમાં ૪૨ બેડની સુવિધાથી ઓમીક્રોન વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ હવે સૌપ્રથમ વાર આકાર લઈ રહેલી મુવેબલ હોસ્પિટલનું પણ ટુક સમયમાં લોકાપર્ણ કરવામાં આવશે.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ દ્વારા હાલ બે આઈ.સી.યુ વોર્ડમાં ૪૨ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.

વેન્ટીલેટર સહીત તમામ સુવિધાઓ સાથેના બન્ને વોર્ડને સૅનેટાઇઝ કરી ખાસ આઇસોલેટડ રાખવામાં આવ્યા છે. બંને વોર્ડમાં તમામ જરૂરી દવાઓ ઉપલબ્ધ રખાઈ છે.

પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓને આ વોર્ડમાં અલાયદા રાખવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું સિવિલ સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. ૬ ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની સૂચના  મુજબ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધા સિવિલ ખાતે ઉપલબ્ધ કરવા માર્ગદર્શક મિટિંગ યોજાઈ હતી.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જિલ્લા અને શહેર તેમજ સિવિલના તબીબોની કલેક્ટર અરૂણ મહેશ બાબુએ બેઠક બોલાવી હતી આ મામલે તેઓએ જણાવ્યું હતું કે, ‘બસૌથી પહેલા સર્વેલન્સ અને ટેસ્ટિંગ મજબૂત બનાવવા કહ્યું છે. જે લોકો વિદેશથી આવ્યા છે તેમના બીજી વખત સેમ્પલ લેવાઇ રહ્યા છે. આ ઉપરાંત એવા લોકો કે જેઓ પહેલા મુંબઈ અથવા દિલ્હી જેવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા છે અને ત્યારબાદ ફ્લાઈટ મારફત રાજકોટ પહોંચી રહ્યા છે તેમને શોધવા માટે એરપોર્ટ પર હેલ્થની ટીમ સાથે એક પોલીસની પણ ટીમ હશે.’

તો બીજી તરફ હવે સિવિલ હોસ્પિટલ પાસેના ચૌધરી ગ્રાઉન્ડ ખાતે ખાસ સુવિધાઓ સાથે ૧૦૦ બેડનું મુવેબલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવ્યું છે. તેનું લોકાપર્ણ ટુક સમયમાં જ આરોગ્યમંત્રી હસ્તે કરવામાં આવશે.

જરૂર પડે સમરસ હોસ્ટેલમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાશે: સિવિલ તબીબી અધિક્ષક

સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનની તૈયારીને લઈ તબીબી અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓને કોવિડ દર્દીઓ કરતા અલગ રાખવાની ગાઈડલાઈન છે.જેને લઈને કોવિડ હોસ્પિટલમાં પહેલા માળે ૧૦૦ બેડનો ઓમિક્રોન આઈસોલેશન વોર્ડ ઊભો કરાયો છે. ઉપરાંત સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં પણ દર્દીઓ દાખલ કરવાની તૈયારી છે.

ઉલ્લેખનીય છે કે ત્રીજી લહેર સામે સાવચેતી સંદર્ભે રાજકોટ કલેક્ટર તંત્રના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઈન્ડો-અમેરિકન સ્ટાઈલથી ત્રણ કરોડના ખર્ચે પોર્ટેબલ હોસ્પિટલ ઊભી કરાઈ છે, જેમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે ૧૦૦ બેડનું પોર્ટેબલ હોસ્પિટલનું આખું પ્લેટફોર્મ ઊભું કરી દેવામાં આવ્યું છે.જેમાં ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર પર મુકવામાં આવશે આગામી તૈયારીને આ હોસ્પિટલને સજ્જ કરવામાં આવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે,સિવિલમાં હોસ્પિટલમાં હાલ ૮૪૦ બેડ, ૭ ઓક્સિજન પ્લાન્ટ અને ૪૦૦ જેટલાં વેન્ટિલેટર સાથે સજ્જ છે અને જરૂર પડશે તો સમરસ હોસ્ટેલ પણ શરૂ કરવામાં આવશે.અને નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થપાવાને કારણે દરરોજ ૭-૮ ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.