ફ્લિપકાર્ટ 2000 ઇલેક્ટ્રિક વાહનો મેદાનમાં ઉતારી તેનાથી ડિલિવરી કરશે : એમેઝોન 14 શહેરોમાં 35 સ્થળોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે
અબતક, નવી દિલ્હી : ફ્લિપકાર્ટ અને એમેઝોન દિવાળીએ ધમાકેદાર ઓફર્સ લાવી રહ્યું છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં આ ઓફર્સ મુકવામાં આવે તેવો અંદાજ છે. જેને લઈને બન્ને ઇ કોમર્સ પ્લેટફોર્મ સજ્જ પણ થઈ ગયા છે. આ માટે ફ્લિપકાર્ટ ડિલિવરી માટે 2000 ઇલેક્ટ્રિક વાહનો મેદાનના ઉતારવાનું છે. તો સામે એમેઝોન 14 શહેરોમાં નવી 35 જગ્યાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે.
બન્ને ઇ કોમર્સ પ્લેટફોર્મ દિવાળીની ઓફર્સમાં ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, હોમ અપ્લાયન્સિસ, ફેશન, ગ્રોસરી સહિતની પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ મળશે
બન્ને ઇ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકો આકર્ષવા એકબીજાથી ચડિયાતી ઓફર્સ આપવા પ્રયત્નો કરી રહ્યા છે. એમેઝોન પર ‘ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ’ અને ફ્લિપકાર્ટ પર ‘ધ બિગ બિલિયન ડેઝ’ નામનો સેલ શરૂ થવાનો છે. બંને સેલ 3 ઓક્ટોબરથી શરૂ થશે.
વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે બુધવારે જાહેર કર્યું હતું કે તે તહેવારોની સીઝન અને બિગ બિલિયન દિવસો પહેલા તે ડિલિવરી માટે 2,000 થી વધુ ઇલેક્ટ્રિક વાહનો તૈનાત કરશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ 2,000 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર્સ ભારતના 90 શહેરોમાં તૈનાત કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં, ફ્લિપકાર્ટે ધ ક્લાયમેટ ગ્રુપના EV100 અભિયાન સાથેના સહયોગના ભાગરૂપે 2030 સુધીમાં તેની સપ્લાય ચેઇનમાં 100 ટકા વાહનો એટલે કે 25 હજાર જેટલા વાહનો ઇલેક્ટ્રિક રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બીજી તરફ એમેઝોન ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તેણે તેના ‘ફ્રેશ’ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોસેસિંગ ક્ષમતાને ગત વર્ષ કરતા બમણી કરી દીધી છે, અને હવે ભારતના 14 શહેરોમાં તેની 35 સમર્પિત સાઇટ્સ છે. ગયા વર્ષે કંપનીની પ્રોસેસિંગ ક્ષમતા બમણીથી વધુ છે અને હવે 14 શહેરોમાં નવી દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, મુંબઈ, થાણે, વાશી, અમદાવાદ, જયપુર, પુણે, બેંગલુરુ, મૈસુર, ચેન્નઈ, હૈદરાબાદ અને કોલકાતામાં 35 સમર્પિત સાઇટ્સ છે.કંપનીએ અન્ય પ્રકારની ઇમારતોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ વિસ્તરણ કર્યું છે જે ગ્રાહકોના ઓર્ડરની પરિપૂર્ણતાને સક્ષમ કરે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ સ્થાનિક નોકરીની તકો ઉભી કરે છે, જેના માટે ભરતી શરૂ થઈ ચૂકી છે.