ચલો દિલદાર ચલો, ચાંદકે પાર ચલો…
૨૦૨૩ બાદ જાપાનના જેકસા અને ભારતના ઈસરો દ્વારા ચંદ્ર મિશનના લોન્ચીંગની તૈયારી થશે
કોરોનાના કપરા કાળમાં પણ ભારતનું ઈસરો અવકાશ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા પૂરી તાકાતથી કામ કરી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં જાપાનની સ્પેસ એજન્સી જેકસા સાથે મળી ઈસરો દ્વારા ચંદ્ર મિશન હાથ ધરવામાં આવશે. આ ચંદ્ર મિશન ૨૦૨૩ બાદ લોન્ચ થશે. વર્તમાન સમયે ભારતનું સમાનવ અવકાશ યાન (ગગન યાન) માટેની તૈયારી થઈ રહી છે. જાપાન સાથેના મિશનમાં લેન્ડીંગ માટેનું મોડલ તેમજ રોવર જાપાન બનાવશે. જ્યારે લેન્ડર સીસ્ટમ ઈસરો દ્વારા વિકસાવવામાં આવશે.
ચંદ્ર મિશન જાપાનમાંથી લોન્ચ થશે. વ્હીકલને એસ-૩ રોકેટના માધ્યમથી અવકાશમાં લોન્ચ કરાવશે. આ રોકેટ મિત્સુબીશી દ્વારા બનાવવામાં આવશે. આ રોકેટ ૬ ટનનું રહેશે. જ્યારે પેલોડ ૩૫૦ ટનનો રહેશે જેમાં રોવરનો પણ સમાવેશ થઈ જાય છે. ચંદ્ર પર ઉતર્યા બાદ ચંદ્રની સપાટી પર પાણી શોધવાનો પ્રયાસ થશે. ચંદ્ર પરના બર્ફીલા વિસ્તારોમાં વિગતો મેળવાશે. ચંદ્ર ઉપર પાણી શોધવા માટેનું આ મિશન ખુબજ મહત્વનું સાબીત થઈ જશે.
આ મિશનમાં જાપાનની જેકસા અને ભારતના ઈસરો દ્વારા વોટર ડિટેકટર, સાયન્સ ઈન્સ્ટ્રુમેન્ટ, ઈનવાયરમેન્ટ માપવાના સાધનો પણ સમાવિષ્ટ થશે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ ૨૦૧૮માં જાપાનની મુલાકાત લીધી હતી. તે સમયે ભારત અને જાપાન વચ્ચે મહત્વની સંધીઓ થઈ હતી. જેમાં ભારતના ઈસરો અને જાપનના જેકસા ભવિષ્યમાં વિવિધ અવકાશ મિશન પાર પાડશે તેવા સંકલન પણ કરવામાં આવ્યા હતા.