રેલવે કોચને જરૂર પડ્યે ઉપયોગમાં લેવાશે: કોચમાં તમામ સુવિધા, વહીવટી તંત્રનો આદેશ છૂટે એટલે કોચમાં મીની કોવિડ કેર સેન્ટર કાર્યરત થઈ જશે
રેલવે યાર્ડમાં 20 ખાસ કોચ તૈયાર કરીને રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ 20 કોચમાં કુલ 200 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા જેવો આદેશ કરવામાં આવશે તુરંત જ આ કોચ મીની કોવીડ કેર સેન્ટર તરીકે કાર્યરત કરી દેવામાં આવશે તેવુ જાણવા મળ્યું છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. જેને ધ્યાને લઈને રેલવે દ્વારા 20 કોચ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં હોસ્પિટલ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બેડ ગત કોરોનાની લહેર વખતે જ તૈયાર કરવામાં આવ્યા હતા.
જેને હાલ કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈને સેનેટાઇઝ કરીને સજ્જ કરી દેવામાં આવ્યા છે. આ એક કોચમાં 8થી 10 બેડ રાખવામાં આવ્યા છે. દર્દીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રકારે અહીં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 20 કોચમાં કુલ 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આ કોચ જનસેવા માટે રેલવે યાર્ડ ખાતે સજ્જ રાખવામાં આવ્યા છે. બસ હવે જિલ્લા કલેકટર તંત્રની લીલીઝંડી મળે એટલે આ કોચ મીની કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત થઈ જશે.