પર્સનલ લોમા સુધારા કરો સમાન સિવિલ કોડની જરૂર નથી: કાયદા પંચની સલાહ
કાયદાપંચે સમાન સિવિલ ધારા ઘડવાના વિચારનો છેદ ઉડાવી દીધો છે. હાલ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર નથી. પરંતુ પર્સનલ લોમાં સુધારા કરવાની જરૂરિયાત હોવાનું કાયદાપંચનું માનવું છે. કાયદાપંચની ભલામણના અનુસંધાને હવે પર્સનલ લોમાં સુધારા કરવા મામલે ગણગણાટ શરૂ થયો છે.
પેનલના ચેરમેન નિવૃત જજ બી.એસ. ચૌહાણે અગાઉ જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોર્ડની ભલામણને બદલે પેનલ પર્સનલ લોમાં સુધારાની ભલામણ કરશે. લો કમિશનના અંતીમ દિવસે તેણે યુનિફોર્મ સિવિલ કોર્ડને લાગુ કરવાની કોઇ જ ભલામણ નથી કરી અને માત્ર વિમર્શ પત્ર જ રજુ કર્યો છે. સમયના અભાવે કમિશને આમ કર્યું હોવાનું મનાઇ રહ્યું છે. જેને પગલે હવે દેશમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ પરનો રિપોર્ટ આગામી ૨૨મા લો કમિશન પર નિર્ભર રહેશે.
કાયદા મંત્રાલયે જૂન, ૨૦૧૬ના રોજ લો કમિશનને કહ્યું હતું કે તે યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા પર ધ્યાન આપે, જેને બે વર્ષ વિત્યા બાદ લો કમિશને એક વિમર્શ પત્ર રજુ કર્યો છે જેમાં જણાવ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો બહુ જ વ્યાપક છે અને તેના સંભવીત પરીણામોને હજુ ભારતમાં પારખવામાં નથી આવ્યા. જેને પગલે બે વર્ષ દરમિયાન કરેલ વિસ્તૃત ચર્ચા અને વિમર્શ બાદ લો કમિશને ભારતમાં ફેમેલી લોમાં સુધારાને લઇને આ વિમર્શ પત્ર જારી કર્યો છે.
આ વિમર્શ પત્રમાં મુખ્યત્વે દરેક ધર્મના લોકોના પર્સનલ કે પરીવારના કાયદાને આવરી લેવામાં આવ્યા છે. જેને પગલે હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી દરેક ધર્મના લોકોના પરિવારના કાયદામાં કેટલાક સુધારાની સલાહ આપી છે. લો કમિશને પોતાના વિમર્શ પત્રમાં કહ્યું છે કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની કોઇ જરૂર નથી અને ન તો ઇચ્છનીય છે. વર્તમાન પર્સનલ લોમાં સુધારાની જરૂર છે. ધાર્મિક રીતી રિવાજો અને મૌલિક અધિકારો વચ્ચે સદભાવ જાળવી રાખવાની જરૂર છે.
હાલ જે વિમર્શ પત્ર જારી કરવામાં આવ્યો છે તેમાં લો કમિશને કેટલાક સુધારા કરવાની સલાહ આપી છે અને તે હિંદુ, મુસ્લિમ દરેક ધર્મના લોકોને આવરી લે છે. ખાસ કરીને મહિલાઓના અધિકારો પર ભાર મુકવામાં આવ્યો છે.