પ્રમૂખપદે ગીતાબેન કંજારિયા અને ઉપપ્રમૂખપદે ભરત જારિયાની નિમણૂંક
મોરબી નગર પાલિકામા આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના બાગી સભ્યો અને વિકાસ સમિતિ ના ટેકાથી ૩૫ વિરુદ્ધ ૧૫ મત ની બહુમતીથી પાલિકાની શાસન ધુરા હસ્તગત કરી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી પાલિકામાં કેસરિયો લહેરાવી દીધો છે.
આજે ડેપ્યુટી કલેકટર કેતન જોશી ના અધ્યક્ષ સ્થાને મળેલી સાધારણ સભામાં પ્રમુખ પદે વોર્ડ નં ૧૩ના કાઉન્સિલર ગીતાબેન કિશોરભાઈ કંજારીયા અને ઉપપ્રમુખ પદે વોર્ડ નં ૧૩ કાઉન્સિલર ભરત જારીયા વિજય બન્યા હતા. ભાજપે પોતાના ૨૦ સભ્યો ઉપરાંત અન્ય ૧૫ કોંગ્રેસના બાગી સભ્યોના ટેકાથી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશીઓ પર કબ્જો મેળવી પાલિકાની સત્તા હાંસલ કરી છે.
મોરબી પાલિકાના કાઉન્સિલર હોલમાં આજે બપોરે ૧૨ વાગ્યે ડે. કલેક્ટર કેતન જોશીની હાજરીમાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પૂર્વે ભારે રાજકીય ઉથલપાથલ અને હાઈ વોલ્ટેજ ડ્રામા અને અમુક સભ્યોના અપહરણ અને તેમને અજ્ઞાતવાસમાં લઇ જવાયાની ચર્ચા વચ્ચે જૂનાગઢથી મોરબીના કાઉન્સિલરો લાખો રૂપિયા સાથે નીકળતા પોલીસ પૂછપરછ પણ કરી હતી
રાજકીય ખેંચ ખેંચી ને કારણે આજે નગર પાલિકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ગીતાબેન કિશોરભાઈ કંજારીયા અને ઉપપ્રમુખ પદ માટે ભરત જારિયાની ઉમેદવાર તરીકે દાવેદારી કરવામાં આવી હતી જયારે બોર્ડ શરૂ થવાના સમયે આવેલા કોંગ્રેસના સભ્યોએ આ ઔપચારિક ચૂંટણીમાં હાજરી આપી હતી.
કોંગ્રેસ દ્વારા પ્રમુખ પદે પ્રીતિબેન સરડવા અને ઉપપ્રમુખ માટે કાનજીભાઈ નકુમની દાવેદારી કરી હતી. જેમાં ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને કુલ ૩૫ સભ્યોનું સમર્થન મળતા તેઓ હરીફ ઉમેદવારો સામે બહુમતીથી વિજય થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે પ્રમુખ પદે ચૂંટાયેલા ગીતાબેન કંજારીયા જનસંઘના જુના કાર્યકર ગોવિદભાઈ કંજારીયાના પુત્રવધુ છે. જયારે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ એક જ વોર્ડ માંથી પસંદ કરાયા છે.
આશ્ચર્ય તો આ વાત નું હતું કે કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્તને ભાજપે ટેકો આપી વિકાસ સમિતિને ઘરભેગી કર્યા બાદ મોરબી શહેર ભાજપ લાખાભાઇ જારીયાની આગેવાનીમાં ભાજપે કોંગ્રેસના જ બાગી સભ્યોના ટેકાથી સૌરાષ્ટ્રની સૌથી મોટી નગર પાલિકામાં કબ્જો મેળવી લીધો. જ્યારે ભાજપના ટેકાથી જે પ્રમુખ ઘરભેગા થઈ ગયા તે પૂર્વ પ્રમુખે પણ ભાજપના ઉમેદવારને ટેકો આપતા સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા.
પ્રમુખ ઉપપ્રમુખ પદે ભાજપ માં સભ્યો ચૂંટાઈ આવતા મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખુશ ખુશાલ બની નવા સુકાનીઓ ને વિકાસ કામ માં લાગી જવા જણાવ્યું હતું આ તકે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાએ જણાવ્યું હતું કે અમને ટેકો આપનાર સૌ સભ્યોનો અમે આભાર માનીયે છીએ અને ભાજપ મોરબી નગર પાલિકામાં ભ્રષ્ટાચાર મુકત વહીવટ સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર પર કામ કરી મોરબીના વિકાસ પર ભાર આપશે.