શાળાના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૬ અને ૭ જાન્યુઆરીના રોજ કાર્યક્રમ

સૌથી જુની શાળાઓમાંની એક સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ કે જે મુલ્ય શિક્ષણ માટે સમગ્ર દેશ અને રાજયમાં જાણીતી છે. જેની સ્થાપનાના પચાસ વર્ષની ઉજવણીનું આ વર્ષ છે. જેમાં સંસ્થાના સ્થાપક અને જાણીતા કેળવણીકાર દંપતી, શ્રીમતી ઉષાબેન જાની અને ગુલાબભાઈ જાની દ્વારા આ પચાસ વર્ષની યાદગાર ઉજવણી માટે વર્ષ દરમ્યાન વિવિધ સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉજવણી દરમ્યાન ૫૦ વર્ષના સમયગાળામાં શાળામાં શિક્ષણ લીધેલ તમામ વિદ્યાર્થીઓનું એક સંમેલન યોજવાની ઈચ્છા સંસ્થાના સ્થાપકોએ થોડા પૂર્વ વિદ્યાર્થીઓ સમક્ષ વ્યકત કરી જેને સ્કૂલના તમામ પૂર્વ વિદ્યાર્થીઓએ સહર્ષ સ્વિકારી સાથે મળી અને એક યાદગાર કાર્યક્રમ આપવાનું આયોજન કરવાનું વિચાર્યું.

હાલ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ દુનિયાના અનેક દેશો અને ભારતના વિવિધ શહેરોમાં વસેલા છે અને ડોકટર, એન્જીનીયર, વકીલ, પત્રકાર, ઈન્ડસ્ટ્રીયલીસ્ટ, બિઝનેસમેન, શિક્ષણ, સેવાકીય ક્ષેત્ર, પ્રાઈવેટ સેકટર અને સરકારી નોકરીઓમાં ઉચ્ચ હોદાઓ પર બિરાજેલા છે. આ તમામનો સંપર્ક કરવો ઘણુ મુશ્કેલ કામ હતું પરંતુ પૂર્વ વિદ્યાર્થીઓની ટીમ અને શાળાના શિક્ષકો અને તમામ સ્ટાફ દ્વારા દિવસ-રાત એક કરી, શકય તેટલા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા ટુંકાગાળામાં પ્રયત્ન કર્યો છે.

આ સુવર્ણ જયંતી વર્ષની ‘ઉલ્મીનાય મીટ’માં દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના પરીવાર સાથે કાર્યક્રમમાં જોડાવા ઉત્સાહિત છે. આ કાર્યક્રમને બે દિવસમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે એટલે કે જાન્યુઆરી ૬, ૨૦૧૮ને શનિવારે કાઠિયાવાડ જીમખાના, રાજકુમાર કોલેજ સામે બપોરે ૪:૦૦ વાગ્યાથી વિદ્યાર્થીઓ એકત્ર થશે. જેમાં ફેલોશીપ બાદ, તમામ વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત અને પ્રસંગોચીત ઉદબોધન અને સંસ્થાના સ્થાપકો દ્વારા આ દિવસને અનુચિત પ્રવચન બાદ તમામ વિદ્યાર્થીઓ તેમના વર્ષની બેચના વિદ્યાર્થીઓ સાથે સ્ટેઈજ પર આવી રેમ્પ વોક કરશે. જયાં તેમનો પરિચય આપવામાં આવશે. ત્યારબાદ તે દરેક બેંચનો સ્કૂલના વિશાળ ફોટોવાળા બેક ડ્રોપમાં શાળાના સ્થાપક ટ્રસ્ટીઓ સાથે ગ્રુપ ફોટો પાડવામાં આવશે. (આ ગ્રુપ ફોટો સ્મૃતિ‚પે બીજા દિવસના કાર્યક્રમમાં ફ્રેમ કરી દરેક વિદ્યાર્થીઓને મોમેન્ટો તરીકે ભેટ આપવામાં આવશે.) ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ પરીવાર સાથે ગુજરાતની ભાતીગળ પરંપરા મુજબ ગરબા લેશે અને ત્યારબાદ ભોજન લઈ છુટા પડશે.

બીજા દિવસે તા.૭ ના રોજ તમામ વિદ્યાર્થીઓ ફરી તેમના પરીવા સાથે સિસ્ટર નિવેદિતા શાળા પર ભેગા થશે. જયાં બીજા દિવસના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. આ દિવસે વિદ્યાર્થીઓ જે રીતે શાળામાં અભ્યાસ કરતા તે સમયે જેમે પ્રાર્થના કરી દિવસની શ‚આત કરતા, તે રીતે પ્રાર્થના કરશે. ત્યારબાદ સિસ્ટર નિવેદિતા શાળાની પરંપરા મુજબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે દર સપ્તાહ એક દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. જેને નામ આપવામાં આવેલ છે. બાલસભા જેમાં વિદ્યાર્થીઓ કોઈને કોઇ કલા-કૃતિ રજુ કરતા હોય છે.

જુના દિવસો તાજા કરવા, પૂર્વ વિદ્યાર્થીઓ માટે બાલસભા પ્રતિયોગીતા યોજાશે. જેમાં પૂર્વ વિદ્યાર્થીઓ સમુહમાં પોતાની કૃતિઓ રજુ કરશે. જેમાં સમુહ ગીત, વેશ-ભૂષા, માર્ચ પાસ્ટ અને સ્કાઉટ-ગાઈડની પ્રવૃતિ દરમિયાન વગાડવામાં આવતુ બેંડ, પીરામીટ વગેરે કૃતિઓ વિદ્યાર્થીઓ સમુહમાં રજુ કરશે. આ પ્રતિયોગીતામાં પ્રથમ ત્રણ ટીમને ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ તેમના જુના વર્ગ ખંડોની મુલાકાત લઈ તેમના સંસ્મરણો વાગોળશે. ત્યારબાદ ભોજન કરી સૌ તેમના જીવનના અમૂલ્ય વર્ષોના સંભારણા લઈ છુટા પડશે.

આ પ્રસંગને યાદગાર બનાવવા સમાજમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત તમામ વિદ્યાર્થીઓ વિવિધ કમીટીઓ બનાવી આયોજનને સફળ બનાવવા ખુબ જહેમત કરી રહ્યા છે. જેમાં તેમને સંસ્થાના સ્થાપકો અને તમામ સ્ટાફનો પુરો સહયોગ હાંસલ છે. સિસ્ટર નિવેદિતા શાળામાં જો કોઈપણ વિદ્યાર્થીએ, કોઈપણ વર્ષમાં અભ્યાસ કર્યો હોય અને તેમણે આ એલુમની મીટનું રજીસ્ટ્રેશન હજુ પણ ન કરાવ્યું હોય તો તેઓ તુરંત જ શાળાના કાર્યાલયનો સંપર્ક કરે અથવા તો આ કાર્યક્રમમાં કન્વિનર પૂર્વ વિદ્યાર્થી પરિષભાઈ જોશી મો.૯૮૨૫૪ ૦૦૪૨૫ અથવા ઈ-મેઈલ પર તુરત સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવે. જેથી કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા જાળવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.