ભાદરવા માસમાં રોગચાળાએ રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. તમામ પ્રકારના તાવના કેસ નોંધાઇ રહ્યા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ઘેર-ઘેર માંદગીના ખાટલા ખડકાયા છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહેલા તમામ પ્રકારના પગલાંઓ જાણે બેઅસર પૂરવાર થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દિનપ્રતિદિન સતત રોગચાળો વધી રહ્યો છે.

શહેરમાં તમામ પ્રકારના તાવનો ઉપાડો: ડેન્ગ્યૂના 11, ચીકનગુનિયાના ચાર, ટાઇફોઇડ અને મેલેરિયાના બબ્બે કેસ નોંધાયા: શરદી-ઉધરસના 693, ઝાડા-ઉલ્ટીના 175 અને સામાન્ય તાવના 54 કેસ

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરની અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી ડેન્ગ્યૂ તાવના 11, ચીકનગુનિયાના ચાર અને મેલેરિયાના બે કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના કુલ 107 કેસ નોંધાઇ ચુક્યા છે. બેવડી સિઝનના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. એક સપ્તાહમાં શરદી-ઉધરસના 693 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા-ઉલ્ટીના 175 કેસ, સામાન્ય તાવના 54 કેસ અને ટાઇફોઇડના બે કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનના 56 મેલેરિયા ફિલ્ડ વર્કર, 415 અર્બન આશાના બહેનો અને 115 વીબીડી વોલીન્યટર્સ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.

83013 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 4124 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ માત્રામાં જણાય છે ત્યાં સર્વે સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે બાંધકામ સાઇટ, હોટલ, સ્કૂલ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી સહિત બિનરહેણાંક હોય તેવી 721 જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 79 કોમર્શિયલ સ્થળોએ મચ્છરોની ઉત્પતિ જણાતા તેઓને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 60 આસામીઓ પાસેથી રૂ.62,700નો વહિવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. રહેણાંક હેતુની 336 મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ જણાતા તમામને નોટિસ આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યૂનો કહેર વધતાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.