ન્યુમોનિયાના ૩, મરડાના ૬ અને ટાઇફોઈડના ૩ કેસો નોંધાયા: મચ્છરની ઉત્પતિ સબબ ૮૨ લોકોને નોટિસ
ઉનાળાના આરંભે ફરી એકવાર શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન તાવ, અને ઝાડા-ઉલટીના ૨૫૯ કેસો નોંધાતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. ચાલુ સપ્તાહે સ્વાઇન ફ્લુના બે કેસો મળી આવ્યા હતા જેમાં એક વૃદ્ધાનું મોત પણ નિપજ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.વિજય પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહ દરમ્યાન શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાંથી સામાન્ય અને તાવના ૧૬૨ કેસ, ન્યુમોનીયા તાવના ૩ કેસ, ઝાડા ઉલટીના ૬૮ કેસો, ટાઇફોડના ૩ કેસ, મરડાના ૬ કેસ, અન્ય તાવના ૨૯ કેસ અને કમળાનો એક કેસ નોંધાયો છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે આરોગ્ય શાખા દ્વારા ૨૭ રેકડી, ૧૮ દુકાન, ૧૨ ડેરી ફાર્મ, ૧૮ હોટલ, ૧૧ બેકરી અને ૨૪ અન્ય સ્થળ સહિત ૧૧૦ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૩૧૭ કિલો ખોરાકના જથ્થાનો નાશ કરી ૯ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે એક સપ્તાહમાં ૧૬૦૫૫ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. ૧૪૫૧ ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગની કામગીરી કરાઇ હતી. મચ્છરોની ઉત્પતિ અંગે ૨૯૮ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મચ્છરોની ઉત્પતિ અંગે ૮૨ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ઉનાળાના આરંભે જ રોગચાળાએ ફરી માથુ ઉંચકતા શહેરીજનોમાં ફફડાટ મચી જવા પામ્યો છે અને આરોગ્ય શાખામાં દોડધામ મચી ગઇ છે.