શરદી-ઉધરસ, તાવના ૨૦૭, ઝાડા-ઉલ્ટીના ૧૧૨, ટાઈફોઈડના ૩, મરડાના ૭, મેલેરિયાના ૨ અને કમળાના ૨ કેસ નોંધાયા

ચોમાસાના આરંભે વાદળછાયા વાતાવરણના કારણે શહેરમાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઉંચકયું છે. ટાઈફોઈડ તાવ અને મેલેરીયા તાવે દેખા દેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મચ્છરની ઉત્પતિ સબબ ૨૦૪ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં અલગ અલગ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય શરદી-ઉધરસ તાવના ૧૮૨ કેસ, ઝાડા ઉલ્ટીના ૧૧૨ કેસ, ટાઈફોડના ૩ કેસ, મરડાના ૭ કેસ, મેલેરીયાના ૨ કેસ, કમળાના ૨ કેસ અને અન્ય તાવના ૨૩ કેસો નોંધાયા છે.

મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૦૬૨૦ ઘરોમાં સર્વે હાથ ધરાયો હતો. જે અંતર્ગત ૧૬૧૪ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. શાળા-કોલેજો, હોટલ-હોસ્પિટલો, બાંધકામ સાઈટ સહિત ૨૯૬ સ્ળે ચેકિંગ હાથ ધરાયું હતું. મચ્છરોની ઉત્પતિ સબબ ૨૦૪ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે રેકડી, દૂકાન, ડેરીફાર્મ, બેકરી સહિત કુલ ૮૬ સ્થળોએ ચેકિંગ દરમિયાન ૨૨૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૪ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.